Tuesday, May 24, 2011

દેવળીયા પાર્કમાં સિંહદર્શનનું તંત્ર આગવું આયોજન કરે.


Source: Bhaskar News, Talala   |   Last Updated 12:05 AM [IST](24/05/2011)
- દેશ-વિદેશના પ્રવાસીઓના ઘસારાને ધ્યાને લઇ ચોમાસામાં પણ આયોજન કરે
- સાસણ (ગીર) હોટલ એસો. દ્વારા વન વિભાગને રજુઆત
એશીયાટીક સાવજોની ઉપસ્થિતિથી વિશ્વના નકશે ચમકતુ સાસણ (ગીર) ગુજરાતનું ટોચનું પર્યટન સ્થળ બન્યુ હોય દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. પરંતુ ૧૫ જુન થી ૧૫ ઓક્ટોબર ચાર માસ સુધી ચોમાસાની ઋતુમાં સાવજોનો મેટિંગ પીરીયડનો તબક્કો હોય ગીર જંગલ ચાર માસ સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવે છે.
ચાર મહિના સુધી સાસણમાં સિંહ દર્શન કરવા દેવળીયા સફારી પાર્ક વરસાદ ન હોય ત્યારે ચાલુ રાખવામાં આવે છે. પરંતુ દેવળીયાના કાચા રસ્તાઓ સામાન્ય વરસાદથી ખરાબ થઈ જતા હોય પાર્ક વારંવાર બંધ રાખવુ પડતુ હોય ચોમાસાના પીરીયડમાં દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન ચાલુ રહે તે માટે આગવુ આયોજન કરવા સાસણ (ગીર) હોટલ એસો. તરફથી વનવિભાગને રજુઆત કરવામાં આવી છે.
સાસણ (ગીર) હોટલ એસો.ના પ્રમુખ મુકેશભાઈ મહેતા, ઉપપ્રમુખ હમીરભાઈ બારડ સહિતના હોદ્દેદારોએ વનવિભાગના સી.સી.એફ. આર.એલ.મીનાને સાસણ ખાતે રૂબરૂ મળી ચોમાસાના ચાર માસ દરમ્યાન દેવળીયા સફારીપાર્કમા સામાન્ય વરસાદથી ખરાબ બની જતા રસ્તાના કારણે વાહનો અંદર જઈ ન શકે અને પાર્ક બંધ કરવુ પડે અને પ્રવાસીઓ દૂર દૂરથી સિંહ દર્શન કરવા આવ્યા હોય અને સિંહ દર્શન કર્યા વગર પરત ફરવુ પડે તે સ્થિતિ નિવારવા આગવુ આયોજન કરવા રજુઆત કરી હતી.
દેવળીયા સફારી પાર્કના રસ્તાઓનું ધુળ-માટીથી લેવલીંગ કરી સિમેન્ટના પાકા રસ્તા બનાવવામાં આવે તો વરસાદ થંભી ગયા બાદ પાણી રોડ ઉપરથી વહી જાય અને કાદવ-કીચડ ન થાય એટલે વાહનો પાર્કમાં સરળતાથી જઈ શકે અને પ્રવાસીઓ સિંહ દર્શન નો લાભ લઈ શકે તેવુ આયોજન થાય તો વનવિભાગને ચોમાસામાં પણ આવક મળી રહે અને ટુરીસ્ટો ચોમાસામાં ખીલી ઉઠેલી ગીરની લીલી વનરાજીઓ વાળા આહલાદક વાતાવરણમાં સિંહ દર્શનનો લાભ લઈ શકે છે.
સાસણમાં ચાર માસ ધંધા-રોજગાર ઠપ્પ થઈ જાય છે –
ચોમાસામાં ગીર જંગલ બંધ કરવામાં આવતુ હોય સાસણમાં ચોમાસાના ચાર માસ ધંધા રોજગાર સાવ ઠપ્પ થઈ જાય છે. હોટલો ચાર માસ સુધી બંધ સ્થિતિમાં રહે છે. તો જીપ્સી ચાલકોના વાહનોનાં પૈડા થંભી જાય છે. મજુરથી લઈ વેપારી, ગાઈડ કે હોટલ સંચાલક સુધીના તમામ લોકોની રોજગારી ચાર મહિના બંધ થઈ જતી હોય ગીર જંગલની મુલાકાતે આવતા ટુરીસ્ટોથી થતી આવકો ઉપર નભતુ સાસણ ચાર માસ સુમસામ બની જાય છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-tantra-make-palnning-for-lion-darshan-in-devalia-park-2128101.html

No comments: