Thursday, May 19, 2011

ગીર પંથકમાં સારા વરસાદનાં સંકેત : ટીટોડીએ ઈંડા મૂક્યાં.

Source: Bhaskar News, Talala   |   Last Updated 3:34 AM [IST](13/05/2011)

તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગામે એક પટેલ પરિવારની અગાસી પર ટીટોડીએ ચાર ઈંડા મુક્તાં સારા વરસાદનાં સંકેત મળ્યા છે.
ગીર પંથકના બુઝર્ગ અનુભવીઓ ટીટોડીના ઈંડા ઉપરથી વર્ષનો વરતારો નક્કી કરતાં હોય છે. ટીટોડી સામાન્ય રીતે જેઠ માસ આસપાસ ઈંડા મુક્તી હોય છે. નદીની ભેખડમાં કાંકરાનો ટેકરો બનાવી ઈંડા મુકે તો વરસાદ ઓછો ગણવો પરંતુ અગાશી પર મુકે તો વરસાદ માજા મુકશે.
આંકોલવાડી ગામે સુરેશભાઈ જેરામભાઈ પાઘડારની અગાશી પર મે માસનાં પ્રારંભે ટીટોડીએ ઈંડા મુક્તાં પુરતા પ્રમાણમાં સારો વરસાદ થવાના સંકેત મળે છે. છેલ્લા ચાર વર્ષ દરમ્યાન તાલાલા પંથકનાં વિવિધ ગામોમાં ટીટોડીએ અગાશી પર ઈંડા મુક્યા હતાં અને જરૂરીયાત કરતા પણ વધુ સારામાં સારો વરસાદ થઈ રહ્યો છે. આ વર્ષે પણ ગીર પંથકમાં સારા વરસાદનાં પુનરાવર્તનની આશા સેવાઈ રહી છે.
ભગવાન કૃષ્ણે પણ ટીટોડીનાં ઈંડાની ચિંતા કરી હતી
મહાભારતમાં યુધ્ધ વખતે પણ ભગવાન કૃષ્ણે ટીટોડીનાં ઈંડાની સલામતી માટે ચિંતા કરી હતી. આ પ્રસંગને ટાંકતા બુઝર્ગો કહે છે કે, ટીટોડીએ રણમેદાનમાં ઈંડા મુક્યા હતાં. ત્યારે કૃષ્ણ ભગવાને હાથીનાં ગળામાં બાંધવાનો લોખંડનો મોટો ઘંટ ટીટોડીનાં ઈંડા પર મુકી દઈ સલામતી બક્ષી હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-in-gir-have-be-rain-2100339.html

No comments: