
Source: Bhaskar News, Una | Last Updated 1:48 AM [IST](07/05/2011)
- ગ્રામ પંચાયત પ્રાથમિક સુવિધાઓ આપવામાં વામણી: લોકોનો આક્રોશ
ગીરગઢડાના લોકોનાં પ્રશ્નો સાંભળવા અને સત્તાધીશોને ઢંઢોળવા દિવ્યભાસ્કરની ટીમ દ્વારા ગામની મુલાકાત લેતા પ્રચંડ લોક જુવાળ જોવા મળ્યો હતો. હાલમાં ગામની કોઇ મોટી સમસ્યા હોય તો તે પીવાનાં પાણીની છે. પરંતુ પંચાયતનાં સત્તાધીશોને આ સમસ્યા હલ કરવામાં કોઇ રસ ન હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું. એક આગેવાને તો એવું જણાવ્યું હતું કે, ગ્રા.પં.ની ચુંટણી જીત્યા પછી વર્તમાન બોડીએ ગામમાં એવું બોર્ડ લગાવ્યું હતું કે, ગામમાં પંચાયતની મંજુરી વગર ક્યાંય પાણો નહીં મૂકી શકાય અને પેશકદમી નહીં થાય પરંતુ અત્યારે ગામ પેશકદમીનાં કુંડાળામાં આવી ગયું હોય તેમ જણાય છે.
આ બોર્ડ લોકોને સારૂ લગાડવા અને ગેરમાર્ગે દોરવા જ મુકાયું હોવાનો આરોપ કર્યો હતો. ગ્રામ પંચાયતનાં વર્તમાન હોદેદારો લોક સુવિધા પુરી પાડવામાં વામણા સાબિત થયા છે તેમ લોકોનો આક્રોશ જાણવા મળ્યો હતો.
દિવ્યભાસ્કરની ટીમ સમક્ષ લોકોએ સ્થાનિક અધિકારીઓ રસ દાખવી સમસ્યાઓનું નિરાકરણ લાવે તેવી માંગણી કરી હતી. દિવ્યભાસ્કર પણ લોકોનો અવાજ અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી પહોંચવા કટીબધ્ધ થયું છે ત્યારે ગ્રામજનોમાંથી પણ ‘‘ આપણા ગામનો વિકાસ આપણા હાથમાં’’ તેવો વિશ્વાસભર્યો સુર વહેતો થયો હતો. દરમ્યાન દિવ્યભાસ્કરનાં અહેવાલને પગલે ગ્રા.પં.ની કચેરીમાં જતું ગટરનું ગંદુ પાણી રોકવા કામ શરૂ કરી દેવાયું છે.
ગામમાં સફાઇ પણ વેપારીઓએ કરવી પડે છે -
સોમલપાર વિસ્તારનાં જગદીશભાઇ કોરાટે જણાવ્યું હતું કે, ગામમાં સફાઇ પણ વેપારીઓએ કરવી પડે છે. પાણીની સમસ્યા મુખ્યત્વે છે. પંચાયત દ્વારા યુરીનલની સુવિધા પણ ક્યાંય ઉભી કરાઇ નથી.
પંચાયતનો કુવો ઘર પાસે, પણ પાણી મળતું નથી -
ગીરગઢડાનાં ઉપસરપંચની નજીક રહેતા જયેશભાઇ ભૂપતાણીએ જણાવ્યું હતું કે, મારા ઘરની તદ્ન નજીક પંચાયતનો કૂવો હોવા છતાં પાણી મળતું નથી. પરંતુ ઉપસરપંચના ઘરે પાણી આવે છે. તેમણે સતાધશિોને રજુઆત કરતા એવો જવાબ મળ્યો હતો કે, તમારે કનેકશનની ક્યાં જરૂર છે ?
પાઇપ લાઇનવાળા ગિરગઢડામાં પાણી નથી -
સોમલપાર વિસ્તારમાં રહેતા પ્રવિણભાઇ ધિનૈયાએ કહ્યું હતું કે, પાણીની પાઇપ લાઇન નંખાઇ ગઇ છે. પરંતુ હજુ સુધી પાણીની સુવિધા મળી નથી. આ પ્રશ્ન અંગે ઉપસરપંચને જણાવતા એવો જવાબ આપ્યો હતો કે, હું નવરો નથી.
રાજકીય આગેવાનો તાલુકો બનાવવાની હિલચાલમાં લાગ્યા -
ગીરગઢડામાં કરોડો રૂપિયાની જમીન પર પેશકદમી થઇ હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા ન કોઇને નોટીસ ફટકારી છે ન તો હજુ સુધી ગંભીર બન્યા છે. પરંતુ રાજકીય આગેવાનો પોતાની લાગવગનાં છેડા અડાડી તાલુકો બનાવવાની હિલચાલમાં વ્યસ્ત બની ગયા છે.
સ્ટ્રીટ લાઇટો નથી અને સફાઇ પણ થતી નથી -
જેરામભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, ગામમાં એક પણ સ્થળે સ્ટ્રીટ લાઇટ નથી, સફાઇ થતી નથી, તલાટી મંત્રી પણ નિયમિત આવતા નથી. ગટરનું પાણી રોડ પર વહે છે. સુવિધાઓના નામે મીંડી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-girgadhada-is-thirsty-for-water-2083523.html
No comments:
Post a Comment