Saturday, May 21, 2011

વાતાવરણ અને દવાનાં વધુ વપરાશે કેરીનો પાક બગાડ્યો.

Source: Bhaskar News, Talala   |   Last Updated 2:45 AM [IST](21/05/2011)

- તાલાલા માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલી કૃષિ શિબિરમાં કેસર કેરીના ઉત્પાદનમાં થયેલા ઘટાડાની કૃષિ વૈજ્ઞાનિકોએ ચિંતા કરી
તાલાલા પંથકનું અમૃત ફળ કેસર કેરીના પાકને વાતાવરણ અને બીન જરૂરી રાસાયણિક દવાના છંટકાવે અસર કરી હોય આ વર્ષે તલાલા પંથકમાં કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. તેમ કૃષિ શિબિરમાં ઉપસ્થિત કૃષિ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ જણાવ્યું હતું.
તાલાલા માર્કેટીંગ યાર્ડ દ્વારા આયોજીત શિબિરમાં ગીર પંથકના કિસાનોને સંબોધતા જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ડૉ.ડીબી.દેલવાડીયા, પ્રો. કાપડીયા, ડૉ.વીરડીયા તથા તેમની ટીમે બાગાયત પાકોમાં વાતાવરણની અસરો અંગે જણાવ્યું હતું કે કેસર કેરીનાં આંબામાં મોર આવવા છતા ફલીનીકરણ થયું નથી. તેને કારણે તાલાલા પંથકમાં કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે ધટેલુ છે. આ અંગે કૃષિ તજજ્ઞોએ ફલીનીકરણ વખતે અનુકુળ હવામાન ઉભુ ન થયું જેને કારણે મોર આવવા છતા પણ કેરીનો પુરતો પાક ઉતરી શક્યો નથી.
આ ઉપરાંત આંબામાં વધુ પડતા બીન જરૂરી જંતુનાશક દવાના છંટકાવ કરવાથી તેની અસરને કારણે ફલીનીકરણ થયુ નથી. તજજ્ઞોએ ઉમેર્યું હતું કે કેસર કેરીનાં આંબાને વધુ ને વધુ વાતાવરણની અસર થાય છે. કેસર કેરીની ગુણવત્તા ખુબ જ સારી અને ઉંચી છે. આ માટે આપણે જ જવાબદાર છે. માટે આંબા ઉપર કેસર કેરી સંપૂર્ણ રીતે પાક ઉપર આવે ત્યારે જ કેસરકેરીને આંબા ઉપર થી ઉતારી માર્કેટમાં મુકવાથી પોષણક્ષમ ભાવો આવશે. કેસરકેરીની ગુણવત્તા કાયમી જાળવી રાખવા કૃષિ વૈજ્ઞાનિકોએ ગીર પંથકના ખેડૂતોને અનુરોધ કર્યો હતો. યાર્ડના ચેરમેન વલ્લભભાઈ ચોથાણીએ તાલાલામાં કૃષિ સંશોધન કેન્દ્ર શરૂ કરવાની માંગણી કરતા જણાવ્યું હતું.
કે કેસર કેરીના આંબા ઉપર ફલીનીકરણ વખતે જે ઈયળો આવી તે સમયે કૃષિ વૈજ્ઞાનિકોએ સમયસર ખેડૂતોને યોગ્ય સલાહ આપી હોત તો તાલાલા પંથકમાં થોડો ઘણો કેસર કેરીનો પાક બચી શકત. તેમણે ખાસ કરી બાગાયત પાકોમાં સમયસર ખેડૂતોને સાવચેત કરી દવા ખાતરના ઉપયોગ અંગે યોગ્ય માર્ગદર્શન આપવા માંગણી કરી હતી. ખેડૂતોની જાગૃતતાના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરતા ચેરમેનને જણાવ્યું હતું કે, ખેડૂતો ફ્રુટ ઉપર કમીશન અને વજન વધારે આપે છે તે ગેરકાયદેસર છે ફ્રુટ ઉપર કમીશન, મજુરી, તોલાઈ ખેડૂતો પાસેથી લેવા નહીં તેવો કાયદો છે.
સરકાર તરફથી આ અંગે પરીપત્રથી સ્પષ્ટ સુચના સાથે આદેશ કરવામાં આવ્યા છે. છતા પણ નરોડા માર્કેટનું એસોશીએશન પાવરફુલ હોય ખેડૂતોને લૂંટી રહ્યાં છે. આ કૃષિ શિબિરમાં ગીર પંથકના વિવિધ ગામોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
ખેડૂતો ઉત્પાદન કરે છે પણ ભાવ મળતા નથી –
આ શિબિરમાં ઉપસ્થિત સંસ્થાના વાઈસ ચેરમેન છગનભાઈ કણસાગરાએ ખેડૂતોની દયાજનક સ્થિતી અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ખેડૂતો વિપુલ ઉત્પાદન કરે તો જણસીના ભાવો મળતા નથી. આ વર્ષે વિપુલ પ્રમાણમાં ઘઉં અને ડુંગળીનું ઉત્પાદન થયું તો કોઈ ખરીદનાર નથી. તેમણે ઉમેર્યું હતું કે ખેત ઉપયોગી બિયારણ, રાસાયણિક દવા, ખાતર સહિતની વસ્તુનું કોઈ ભાવ બાંધણુ નથી તેને કારણે ખેડૂત લૂંટાઈ રહ્યાં છે. સરકાર, વેપારી, દલાલો તથા પ્રાઈવેટ કંપનીઓ સંગઠનને અભાવે ખેડૂતનું શોષણ કરે છે. તેમાંથી છુટકારો મેળવવા ખેડૂતોએ મજબુત સંગઠન ઉભુ કરવા ઉપર ભાર મુકયો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-mangoes-crop-spoiled-by-more-medicine-use-and-atmosphere-2122234.html

No comments: