Sunday, January 15, 2012

રાજુલામાં સિંહનું ભર બજારે ‘સરઘસ’ કાઢવું પડ્યું ભારે પડ્યું.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:15 AM [IST](15/01/2012)
- ગીર નેચરલ ક્લબ દ્વારા રાજ્યપાલને આવેદન
- સિંહનું ભર બજારે સરઘસ કાઢવાના ઘેરા પડઘા
- રાજુલામાં તાકીદે આરએફઓની નિમણુંક
રાજુલામાં બિમાર સિંહની સારવાર કરવાના બદલે વન વિભાગ દ્વારા તેને શહેરની મેઇન બજારમાં સરઘસ કાઢીને ફેરવવાની ઘટનાને પગલે ગીર નેચર યુથ ક્લબ દ્વારા હવે આ અંગે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી પગલા લેવા માંગ કરવામાં આવી છે.
ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ આ અંગે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. જેમાં જણાવ્યુ છે કે રાજુલામાં વન વિભાગ દ્વારા બિમાર સિંહને મુખ્ય બજારમાં સરઘસાકારે ફેરવવામાં આવ્યો હતો. બિમાર સિંહને જોવા માટે લોકોને માઇક દ્વારા આમંત્રણ આપવામાં આવ્યુ હતું. વન વિભાગના નિયમ અનુસાર આવા વન્ય પ્રાણીઓને પાંજરામાં લઇ જવાતા હોય ત્યારે તેના પર તે કપડુ બાંધવું જોઇએ પરંતુ તેના બદલે અધિકારીઓએ લોકોને સિંહ જોવા માટે નિમંત્રણ આપ્યુ હતું.
હકીકતમાં આ સિંહ જયાથી પકડાયો ત્યાંથી જસાધાર તદન નજીક છે પરંતુ ત્યાં જવાને બદલે સિંહને રાજુલા લઇ જવાયો હતો. વન કચેરીએથી સિંહને લઇ જવા માટે અનેક રસ્તા છે આમ છતાં ગીચ બજારમાંથી તેને લઇ જવાયો. વન વિભાગના અધિકારીઓ નીચે રેલો આવતા સિંહને આ રસ્તે હલાવવા માટેના ખોટા બહાના પણ બનાવી રહ્યા છે. ગીર નેચર યુથ ક્લબે સિંહ પર અત્યાચાર ગુજારનારા જવાબદારો કાયદામાંથી ન છટકે તે જોવા માંગ કરી હતી. એટલુ જ નહી બિમાર સિંહને આઠ-દસ કલાક સારવાર નહી આપવા સબબ જવાબદારો સામે પગલા લેવાવા જોઇએ તેવી તેણે માંગ કરી હતી.
રાજુલામાં થોડા દિવસ પહેલા વનખાતા દ્વારા બિમાર સિંહનું ભરબજારે સરઘસ કાઢી માભો જમાવવાનો પ્રયાસ કરાયા બાદ આ ઘટનાના ઘેરા પડઘા પડતા આજે અહિં આરએફઓ તરીકે વિસાવદરથી બી.એસ. બ્લોચને મુકી દેવામાં આવ્યા હતા અને ફોરેસ્ટર મોર પાસેથી આરએફઓનો ચાર્જ લઇ લેવામાં આવ્યો હતો.
રાજુલાની વન કચેરીમાં લાંબા સમયથી આરએફઓનો ચાર્જ ફોરેસ્ટર કક્ષાના કર્મચારી રામભાઇ મોરને આપવામાં આવ્યો હતો. તેઓ અહિં વર્ષોથી ફરજ બજાવે છે અને અનેક વિવાદમાં પણ ઘેરાયેલા છે. આ દરમીયાન થોડા દિવસ પહેલા તેમણે નાગેશ્રી પંથકમાંથી બિમાર હાલતમાં મળી આવેલા એક સિંહનું જાહેરમાં સરઘસ કાઢીને તો હદ કરી નાખી હતી. આ સિંહને નીયમાનુસાર સારવારમાં લઇ જવાને બદલે લોકો વચ્ચે લાવી તમાશો કરી પોતાનો માભો પાડવા પ્રયાસ થયો હતો.
દરમીયાન આ ઘટનાને લઇને વનતંત્રની આકરી ટીકા થતા તેના ઘેરા પડઘા પડ્યા હતા. અને લાંબા સમયથી અહિં ખાલી પડેલી આરએફઓની જગ્યા આજે પુરવામાં આવી હતી. અહિં વિસાવદરથી બી.એસ. બ્લોચને આરએફઓ તરીકે મુકવામાં આવ્યા છે. અત્યાર સુધી આ ચાર્જ રામભાઇ મોર પાસે હતો. આ પ્રકરણમાં હજુ અનેક સામે પગલા તોળાઇ રહ્યા હોવાનું કહેવાય છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-gir-natural-clubs-complaint-to-gujarats-governer-2748050.html