Saturday, January 7, 2012

લીલીયાના ખારાપાટ વિસ્તારમાં વધતી સિંહોને રંઝાડવાની ઘટનાઓ.

અમરેલી, તા.૨૯
લીલીયાના ખારાપાટ વિસ્તારમાં વસવાટ કરતા સિંહોને રંજાડવાના બનાવો વધી રહ્યાં છે. રાત્રિના સમયે બહારથી આવતા શખ્સો દ્વારા આરામ ફરમાવતાં સિંહોની પાછળ વાહનો દોડાવવાના બનાવો પ્રકાશમાં આવવા છતાં અસરકારક પગલાંના અભાવે તાજેતરમાં જ સંવનનમાં મશગુલ સિંહ યુગલ પાછળ વાહન દોડાવવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
  • સંવનનમાં મશગુલ સિંહ યુગલ પાછળ વાહન દોડાવાયું
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોનો વસવાટ વધી રહ્યો છે. અહીં વસવાટ કરતા સિંહોને ખલેલ પહોંચાડવાની ઘટનાઓ સમયાંતરે ઘટતી રહે છે. થોડા સમય પહેલા સાવરકુંડલાના વડાલ વિસ્તારમાં મારણ બાંધીને સિંહોને બોલાવીને તેની પાછળ બાઈક દોડાવવાનો બનાવ બહાર આવ્યો હતો. ત્યાર બાદ લીલીયાના ક્રાંકચ ગામ નજીક શેત્રુજી નદીના પટમાં એસ.ટીના અધિકારીઓ દ્વારા સિંહની પાછળ જીપ દોડાવવાની ઘટના બની હતી. આવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે છતા સંબંધીત તંત્ર દ્વારા કડક પગલાંના અભાવે બહારના શખ્સો સિંહોને ખલેલ પહોંચાડવાના હિન કૃત્યો આચરી રહ્યાં છે. આવો જ એક વધુ બનાવ બહાર આવ્યો છે. લીલીયાના ખારાપાટ વિસ્તારમાં ૨૪ જેટલા સિંહ વસવાટ કરી રહ્યાં છે તે ખારાપાટમાં એક સિંહ યુગલ સંવનન કરી રહ્યું ત્યારે કેટલાક શખ્સો એક વાહનમાં આવ્યા હતાં અને સંવનન કરતા સિંહ યુગલની નજીક વાહન લઈ ગયાં હતાં. સિંહ યુગલે પરેશાન થઈ સંવનન પડતું મુકી દીધુ હતું. આ ઘટના બાદ સફેદ કલરની જીપમાં આવેલા કેટલાક શખ્સોએ ખારાપાટમાં જ સિંહો પાછળ વાહન દોડાવી સિંહોને પરેશાન કરી મુક્યા હતાં. આવી ઘટનાઓ ખારાપાટ વિસ્તારમાં સમયાંતરે બની રહી હોય વન વિભાગ દ્વારા ઘટતાં પગલાં લેવાની જરૂર જણાઈ રહી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=22687

No comments: