
Source: Bhaskar News, Rajula | Last Updated 12:20 AM [IST](09/01/2012)
- અંતે ‘ઉપર’થી આદેશ આવ્યા બાદ સરઘસ સમેટી લેવાયું
રાજુલા તાલુકાના ચૌત્રા ગામેથી ગઇરાત્રે એક બિમાર સિંહને પાંજરે પુરવામાં આવ્યા બાદ રાજુલાની વન કચેરીમાં આખી રાત સારવાર તો ન કરાય પરંતુ સવારે પોલીસ બંદોબસ્ત સાથે આરએફઓ દ્રારા રાજુલાની ઉભી બજારે આ સિંહનું સરઘસ કાઢવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
બજારમાં સિંહને જોવા સેંકડો લોકોના ટોળા પાછળ પાછળ ફર્યા હતા. જંગલખાતાના આ જંગલી કૃત્ય સામે પ્રકૃતિપ્રેમીઓ દ્રારા તાબડતોબ ઉપર સુધી રજુઆત કરાતા ઉપરથી છુટેલા આદેશને પગલે તાત્કાલિક આ સરઘસ સમેટી લેવામાં આવ્યું હતું.
રાજુલાની વન કચેરીના કર્મચારીઓ હંમેશા ઘરની ધોરાજી ચલાવવા માટે પંકાયેલા છે. આજે તો એક બિમાર સિંહ જાણે કોઇ આરોપી હોય તેમ ઉભી બજારે તેનું સરઘસ કઢાયુ અને સાયરન વગાડી સિંહ દર્શન માટે લોકોને આહવાન કરાયુ. પોતાનો માભો જમાવવા માટે વનતંત્રએ આ સીન તો નાખ્યો પરંતુ બિમાર સિંહની સારવાર પણ નહી કરી ઘોર અપરાધ પણ કર્યો હતો.
ચૌત્રા ગામની સીમમાં આંબાના ઝાડ નીચે એક બિમાર સિંહ હોવાની બાતમી મળતા વનતંત્ર દ્રારા ગઇરાત્રે આ બિમાર સિંહને પાંજરે પુરવામાં આવ્યો હતો. સિંહને રાજુલાની વન કચેરીએ લવાયો ત્યારે સેંકડો લોકો સિંહ દર્શન માટે એકઠા થયા હતા. વનખાતાના સ્ટાફે લોકોને સિંહ દર્શનનો મોકો આપ્યો હતો. લોકોની ભીડ વધારે હોય zરાત્રે જ પોલીસ બંદોબસ્ત માંગી લેવાયો હતો.
સવારે આરએફઓ અને વન કર્મચારીઓને શહેરમાં માભો જમાવી દેવાની ચાનક ચડી હતી. જેને પગલે આ બીમાર સાવજના પાંજરાને વાહનમાં નાખી ગામમાં તેનુ સરઘસ કાઢવામાં આવ્યું હતું. આગળ સાયરન વગાડતી ગાડી અને પાછળ સેંકડો લોકોનું ટોળુ પ્રથમ બસ સ્ટેન્ડ વિસ્તાર અને ત્યાર બાદ ટાવરચોક હવેલી ચોક વીગેરે વિસ્તારમાં ફયું હતું. લોનો કીકીયારી અને દેકારાથી સાવજ પણ રઘવાયો થયો હતો. વન ખાતાના સ્ટાફે ઠેકઠેકાણે ઉભા રહી લોકોને સાવજના દર્શન કરાવ્યા હતાં.
બીજી તરફ આ ઘટનાની પ્રકૃતિ પ્રેમીઓએ તાબડતોબ ઉપર સુધી જાણ કરતા ઉપરથી આવેલા આદેશને પગલે અધવચ્ચે જ સરઘસ અટકાવી સિંહને પાછો લઇ જવાયો હતો. આ પ્રકારે સિંહનુ સરઘસ કાઢવામાં આવ્યું હોય તેવી ઇતીહાસમાં પ્રથમ ઘટના બની હતી. ઘાયલ સિંહને સારવાર ભલે ન મળી પરંતુ રાજુલામાં વન અધીકારીઓએ પોતાનો માભો જમાવવા પ્રયાસ જરૂર કરી લીધો.
રેવન્યુ વિસ્તારમાં કોઇ રોડ પર ઉભા રહી સિંહ જોતુ હોય તો તેની પાસેથી પણ દંડ વસુલનાર વનતંત્ર દેશની અમૂલ્ય ધરોહર એવા ગીરની શાન સમાન સાવજની પોતાની અંગત જાગીર હોય તેમ આ રીતે તેની અવદશા કરે તેની સામે પ્રકૃતિ પ્રેમીઓમાં ઘેરો રોષ ભભૂકી ઉઠયો છે.જવાબદારોની શાન કોઇ ઠેકાણે લાવશે ખરૂ ?
વન તંત્રનો લુલો બચાવ -
આ ઘટના બાદ રાજુલાના જંગલખાતાના સ્ટાફે એવો લુલો બચાવ કર્યો હતો કે આ સિંહને તો અમે સારવાર માટે ખાંભા લઇ જતાં હતાં. ત્યારે સવાલ એ ઉઠયો છે કે શું દર વખતે સિંહને સારવાર માટે આ રીતે લઇ જવાય છે? રાત્રે વેટરનરી ડોક્ટરને બોલાવવાના બદલે લોકોના ટોળા કોણે એકઠા કર્યા ? આગળ પોલીસ અને વન કર્મચારી ચાલતા હોય અને સિંહની પાછળ સેંકડો લોકોનુ ટોળુ હોય તે રીતે સાવજને સારવાર માટે લઇ જવાની ઘટના પ્રથમ વખત ઘટી છે.
આરએફઓ મોરની વિવાદાસ્પદ કામગીરી -
રાજુલાના આરએફઓ મોરની કામગીરી કાયમ માટે વિવાદાસ્પદ રહી છે. નીચલી પાયરીના કર્મચારી હોવા છતાં વર્ષોથી તે આરએફઓના ચાર્જમાં છે. થોડા સમય પહેલા તેની નજર સામે જ ફાંસલામાં સપડાયેલો દીપડો તરફડીને મૃત્યુ પામ્યો હતો. છતાં આ તેમની સામે કોઇ પગલા લેવાયા ન હતાં. ત્યારે આજે તેમણે સિંહનુ સરઘસ કાઢી નાખ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-health-is-bad-in-rajula-2726542.html
- તમામ તસવીરો: કનુભાઈ વરૂ






No comments:
Post a Comment