Thursday, January 26, 2012

સાવરકુંડલામાં અઢી ઈંચ લાંબી આફ્રિકન માખીનું આક્રમણ.

સાવરકુંડલા તા.૨૪
સામાન્ય રીતે જંગલ અને ખેતરોમાં વસતી મોટી સાઈઝની આફ્રિકન મધમાખી હવે નાગરિક વિસ્તારમાં પણ આવવા લાગી છે. આજે બપોરે ત્રણ વાગ્યાના સુમારે બે થી અઢી ઈંચ લંબાઈની જમ્બોસાઇઝની મધમાખીનું એક મોટું ઝુંડ તીડની જેમ શહેરમાં ઘુસી ગયું હતુ. અને બાંધકામ થઈ રહેલા બંગલામાં મુકામ રાખી દેતાં તમામ બારી અને એલીવેશન ઢંકાઈ ગયા હતા. આ સમયે કામ કરી રહેલા મજુરો અને કડીયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને નાસભાગ મચી ગઈ હતી.
  સામાન્ય મધમાખી કરતા અનેક ગણી મોટી એવી આ માખીઓનો ડંખ લોકો સહન કરી શકતા નથી અને શરીરમાં હિસ્ટેમાઈન નામનું દ્રવ્ય પેદા કરી દે છે. તેમજ એની સારવાર ચાલુ કરાય એ પહેલા આ દ્રવ્ય વધી જતાં દરદીની હાલત કફોડી બની જાય છે. તેમજ કોઈ કોઈ કિસ્સામાં મોત પણ નીપજે છે. જયારે ડંખ મારે ત્યારે ડંખના એરિયામાં લાલ ચકામું પડી જાય છે. કેટલીક વાર દરદી દવાખાને પણ પહોંચી શકતો નથી. આવી માખીઓ અહીં શહેરમાં આવી ચડતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સાવરકુંડલા વિસ્તારમાં ઝેરી મધમાખી કરડવાથી ખેતમજુરો સહિત પ વ્યકિતઓના મોત નીપજી ચૂકયા છે. આ શહેર પર આવી પડેલી આફતને દુર કરવા લોકોમાં માંગ ઉઠી છે.

Source: http://www.sandesh.com/article.aspx?newsid=29496

No comments: