Tuesday, January 17, 2012

ખાંભા નજીક આધેડ પર દિપડાનો હુમલો.


Source: Bhaskar News, Khambha   |   Last Updated 2:17 AM [IST](16/01/2012)
- સીમમાં ભેંસ ચરાવતા હતા ત્યારે દિપડો ત્રાટકયો
- વન્ય પ્રાણીના વધતા હુમલાથી લોકોમાં ફફડાટ
ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામના આધેડ સીમમાં ભેંસ ચરાવી રહ્યાં હતા ત્યારે અચાનક ધસી આવેલા એક દિપડાએ તેમના પર હુમલો કરી ઘાયલ કરી દેતા તેમને સારવાર માટે ખાંભા દવાખાને ખસેડાયા છે. હજુ થોડા દિવસ પહેલા જ ખાંભા નજીક રેબડી નેશમાં યુવક પર સિંહે હુમલો કર્યો હતો. ત્યાં આજે દિપડા દ્રારા હુમલાની ઘટના બની હતી.
દિપડાએ આધેડ પર હુમલો કર્યાની આ ઘટના ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામની સીમમાં શનિવારે બપોરે બની હતી. ગામના નાજાભાઇ હિરાભાઇ સોલંકી (ઉ.વ.૫૦) નામના આધેડ બપોરે બે વાગ્યાના સુમારે સીમમાં ભેંસો ચરાવી રહ્યાં હતા ત્યારે અચાનક પાછળની તરફથી ધસી આવેલા દિપડાએ સીધો જ તેમના પર હુમલો કરી દીધો હતો.
દિપડાએ તેમને છાતીમાં નહોર ભરાવી દીધા હતા. ઉપરાંત હાથ પર પણ ઇજા પહોંચાડી હતી સીમમાં કામ કરતા અન્ય લોકોએ દોડી આવી હાકલા પડકારા કરી દિપડાને ભગાડી મુકયો હતો. તો બીજી તરફ નાજાભાઇ સોલંકીને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાંભા દવાખાને ખસેડાયા હતા.
જ્યાં હાથમાં તેને નવ ટાંકા લેવા પડ્યા હતા. ખાંભા પંથકમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ વધી પડી છે. પાંચ દિવસ પહેલા જ ખાંભાના રેબડી નેશમાં ૧૯ વર્ષીય યુવાન પર સિંહે હુમલો કરી તેને ઘાયલ કરી દીધો હતો.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-attack-on-adult-near-khambha-2754385.html

No comments: