Tuesday, May 1, 2012

વિસાવદર પંથકમાં તોફાની વરસાદ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 1:41 AM [IST](27/04/2012)
 
- ભારે પવનથી અનેક વૃક્ષો, વીજપોલ ધરાશાયી : વીરપુર ગામે મકાનોનાં નળીયા ઉડ્યા : કેરીના પાકને વ્યાપક નુકસાન

વિસાવદર પંથકમાં આજે બપોર બાદ અચાનક ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ વરસતાં ઊનાળુ તથા કેરીનાં પાકને નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. ભારે પવનથી ત્રણ વૃક્ષ પડી જવા સાથે મકાનોનાં નળીયા ઉડ્યા હતા. વિસાવદર પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવવા સાથે સાંજે ૫:૩૦ વાગ્યાની આસપાસ ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદ શરૂ થતાં અને ૬:૧૫ કલાક સુધી એટલે કે પોણો કલાક મેઘાએ સટાસટી બોલાવતાં ખેતરોમાં પાણી વહી નિકળ્યા હતા.

તાલુકાનાં વીરપુર (શેખવા), ખંભાળીયા (ઓઝત) તથા આસપાસના ગામોમાં જોરદાર વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદ અને પવનનાં કારણે આંબાનાં બગીચાઓમાં કેરીઓ ખરી પડતાં ભારે નુકશાન થયાનું જાણવા મળે છે. સીમ વિસ્તારોમાં ભારે પવનથી લીમડા, પીપળ, બાવળનાં વૃક્ષો ધરાશાયી થયા હતા. ખંભાળીયા ગામે એક વીજ થાંભલો કડડભૂસ બન્યો હતો. વીરપુર ગામે ભારે પવનથી ચાર જેટલા મકાનોનાં નળીયા ઉડી ગયા હતા.

- અડધાથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હોવાનું ગ્રામજનો કહે છે

વિસાવદરમાં અડધો ઇંચ જ્યારે વીરપુર, ખંભાળીયા સહિતનાં ગામોમાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. જ્યારે ફલ્ડ કંટ્રોલમાં ૫ મીમી વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળે છે. મામલતદાર કચેરી ખાતે રેઇન ગેઇજ મીટર મુકાયેલ ન હોવાથી વરસાદનો સાચો આંકડો જાણવા મળી શક્યો ન હતો.

No comments: