Friday, May 4, 2012

સરાખડિયા નેશમાં યુવાન પર સિંહણે હુમલો કર્યો.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:33 AM [IST](04/05/2012)
 
ઊના પાસે સરાખડીયા નેશમાં આજે બપોરનાં સુમારે સિંહણે એક યુવાન પર હુમલો કરી ઘાયલ કરી દેતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ જશાધાર નજીક સરાખડીયા નેશ વિસ્તારમાં વસવાટ કરતો રમેશભાઇ મંછારામ અગ્રાવત (ઉ.વ.૨૬) નામનો યુવાન આજે બપોરનાં ત્રણ વાગ્યાની આસપાસ માલઢોરને પાણી પીવડાવવા લઇ જતો હતો ત્યારે રસ્તામાં એક સિંહણ બે બચ્ચાં સાથે બેસી હતી અને યુવાનને આવતો જોઇ બચ્ચાની અસલામતીનો અહેસાસ થતાં સિંહણે આ યુવાન પર હુમલો કરી દેતાં તેના ડાબા હાથનાં ભાગે ઇજા પહોંચી હતી.

યુવાનની રાડારાડીથી આસપાસનાં લોકો દોડી આવી હોહા-દેકારો કરી મૂકતાં સિંહણ બચ્ચા સાથે નાસી ગઇ હતી. રમેશને લોહીલુહાણ હાલતમાં ૧૦૮ મારફત ઊના સરકારી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ બનાવનાં પગલે આરએફઓ બી.ટી.આહીર, ભરત અધ્વયું, મારૂભાઇ, લખમણભાઇ સહિતનાં સ્ટાફ સાથે દવાખાને પહોંચી જઇ ઘાયલ યુવાનની પચ્છા કરી હતી ફરજ પરનાં ડૉ. એલ.આર.ગોસ્વામીએ ત્વરીત સારવાર આપતાં યુવાનની સ્થિતી હાલ ભયમુકત હોવાનું જાણવા મળે છે.

- હુમલાનો બનાવ જંગલ વિસ્તારમાં બન્યો

છેલ્લાં ઘણાં સમયથી વન્ય પ્રાણીઓ ઉનાળામાં માનવ દર્શન કરવા જંગલથી બહાર આવી સીમ વિસ્તારોમાં લટાર મારવા નીકળી પડે છે. જ્યારે આ હુમલાનો બનાવ જંગલ વિસ્તારમાં જ બન્યો હોવાનું વન અધિકારીએ જણાવ્યું હતુ.

No comments: