Tuesday, May 22, 2012

સિંહનો સંવનનકાળ હવામાન મુજબ બદલાઇ રહ્યો છે.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 2:21 AM [IST](22/05/2012)
ગિરનાં ઘનઘોર જંગલમાં આગામી તા. ૧૫ જૂનથી ચોમાસાનાં પ્રારંભે જ ‘વનરાજો’નું વેકેશન શરૂ થતું હોઇ જંગલમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કારણકે, આ સમયગાળા દરમ્યાન સિંહોનાં સંવનનકાળનો સમય શરૂ થઇ જાય છે. આ સમયે તેને કોઇ જાતની પરેશાન ન થવી જોઇએ.

જોકે, સિંહપ્રેમીઓ છેલ્લા ઘણાં વખતથી નોંધતા આવ્યા છે કે, સિંહોનાં સંવનનકાળનો સમય બદલાઇ રહ્યો છે. અગાઉ તે ચોમાસા પૂરતો જ રહેતો. પરંતુ હવે સાવજો બારેમાસ સંવનન કરે છે. એવી વાત પણ ધ્યાને આવી છે કે, સિંહને સંવનન વખતે પરેશાની ન જોઇએ. પરંતુ તાજેતરમાં એક સંવનન વખતે કેમેરામાં કેદ થયેલા સિંહ યુગલને નીહાળતાં માલુમ પડ્યું છે કે, સંવનન વખતે સિંહ પરેશાન હોય તો તેનાં ચહેરાનાં હાવભાવ પણ બદલાઇ જાય છે. જ્યાં સુધી માદા હલન ચલન ન કરે ત્યાં સુધી નર પણ હલતો નથી.

આ અંગે સૂત્રાોનાં કહેવા મુજબ, સિંહનાં સંવનનકાળનો સમય અઠવાડિયાથી દસ દિવસ સુધી ચાલતો રહે છે. આ દિવસો દરમ્યાન નર અને માદા સાથેને સાથે જ રહે છે. માદા જ્યાં જાય તેની સાથે નર પણ જતો રહે છે. આ સંવનનકાળનાં સમય દરમ્યાન સિંહ યુગલ મારણ પણ કરતું નથી. તે માત્રને માત્ર ‘પ્રણયક્રિડા’ માંજ મસ્ત રહે છે. આ સમય દરમ્યાન અગાઉ સિંહોનો સંવનનકાળ ૧૫ જૂનથી લઇને સમગ્ર ચોમાસા દરમ્યાન રહેતો હતો. પરંતુ હવે તેનો સંવનનકાળ આખું વર્ષ ચાલુ હોય છે. આમ, મનુષ્યમાં જે રીતે ગ્લોબલ વોમ¾ગની અસર જોવા મળી રહી છે એ રીતે સિંહોમાં પણ ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળે છે. આ સમયે વનવિભાગ સિંહની કાળજી લેવામાં પીછેહઠ કરતું નથી.

- સિંહોનાં સંવનનકાળમાં ફેર પડ્યો : રમેશ રાવલ
દીવનાં નિવૃત્ત શિક્ષક અને ‘સિંહપ્રેમી’નું બિરૂદ મેળવનાર રમેશ રાવલ કહે છે, સિંહ જ્યારે ‘ઘોડા’ એટલે કે સંવનનકાળમાં હોય ત્યારે તેમને કોઇ પ્રકારનું ભાન રહેતું નથી. તેનું સંવનન દોઢ બે કલાક સુધી રહેતું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેઓ વધુમાં કહે છે, વર્તમાન સમયમાં જે રીતે ગ્લોબલ વોર્મિંગની અસર સિંહોમાં પણ જોવા મળતી હોય તેમ તેના સંવનનકાળમાં ફેર પડી ગયો છે. હવે તે મર્યાદિત રહ્યો નથી. વર્ષમાં ગમે ત્યારે તે સંવનન કરે છે. તેઓ વધુમાં કહે છે, સિંહણનાં શરીરમાંથી એક અનોખા પ્રકારની વાસ આવે છે. અને તેનાથી સિંહ ઉત્તેજીત થાય છે.

- સાવજ વર્ષમાં ગમે ત્યારે સંવનન કરે છે
સિંહનાં સંવનનકાળ અંગે ડી.એફ.ઓ. ડૉ. સંદીપકુમાર કહે છે, એવું નથી કે સિંહનો સંવનનકાળ ફકત ચોમાસામાં જ હોય છે. તે ગમે ત્યારે સંવનન કરે છે. એટલું જ નહીં સિંહણ ગમે ત્યારે બચ્ચાંને પણ જન્મ આપે છે. તે વરસાદની ઋતુ એટલા માટે પસંદ કરે છે કે આ સમય દરમ્યાન સિંહબાળને ચિત્તલ સહિતનાં તૃણભક્ષી પ્રાણીઓ તેઓને જંગલમાંજ મળી રહે. તૃણભક્ષી પ્રાણીઓ મે માસ દરમ્યાન બચ્ચાંને વધુ જન્મ આપે છે. સિંહ પરિવારને મેટિંગ અને બચ્ચાંનાં જન્મ બાદ તેનું પાલન પોષણ કરવા માટે તૃણભક્ષી પ્રાણીરૂપી ખોરાક અને પાણી જંગલમાંજ મળી રહે તો તેને ખોરાક માટે બહાર ભટકવું પડતું નથી.

No comments: