Wednesday, May 2, 2012

નવ સિંહને જોવા ગ્રામ્યજનો ઉમટયા હતા : બે ગાયનું મારણ.


 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 12:37 AM [IST](02/05/2012)
- ઊનાના ખાપટ ગામે સિંહણે લોકો પાછળ દોટ મૂકી

ઊનાનાં ખાપટ ગામની સીમમાં નવ સિંહનાં ગૃપે ધામા નાંખ્યા હોય રાત્રિનાં સમયે આ સિંહપરિવારને જોવા ગ્રામ્યજનો ઉમટી પડ્યા હતા ત્યારે એક સિંહણે દોટ મૂકતાં લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. ગત રાત્રિનાં આ સિંહગૃપે બે ગાયનો શિકાર કરી નિરાંતે મારણની મજિબાની માણી હતી.

ઊનાનાં ખાપટ ગામની સીમમાં નવ સિંહનાં ગૃપે મુકામ કર્યો છે. ગત રાત્રિનાં આઠ વાગ્યાની આસપાસ આ સિંહપરિવારે બે ગાયનો શિકાર કરી નિરાંતે મારણની મજિબાની માણી હતી. આ મારણની વાત ગામમાં વાયુવેગે પ્રસરતા રાત્રિનાં સમયે આ સિંહપરિવારને નિહાળવા લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ સમયે કોઇ ટીખળીએ અટકચાળો કરતાં એક સિંહણે વફિરી લોકોની પાછળ દોટ મૂકતાં નાસભાગ મચી ગઇ હતી.

આ બનાવની જાણ થતાં વન વિભાગનાં કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પ્રથમ સિંહદર્શને ઉમટેલી માનવ મેદનીને કાબુમાં લેવા એકમાત્ર કર્મચારી ટૂંકો પડતા તેણે આરએફઓ બી.ટી. આહીરને વાકેફ કરતાં તેઓ સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર દોડી જઇ લોકોનાં ટોળાને દૂર સુધી ખસેડી મૂક્યા હતા. તેમજ સિંહપરિવારને પણ જંગલ તરફ ખદેડી મૂકી ગાયનાં મારણને જીપમાં નાંખી જંગલ બોર્ડર નજીક મૂકી આવ્યા હતા. નવ નવ ડાલામથ્થા આવી ચડ્યાનો બનાવ ઊના પંથકમાં ચર્ચાનો વિષય બની રહ્યો હતો.

- સિંહપરિવારનો ત્રણ દિવસથી મુકામ

ઊનાથી પાંચ કિ.મી.નાં અંતરે આવેલા ખાપટ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી સિંહપરિવારે મૂકામ કર્યો છે. અહીંયા પાણી અને શિકાર આરામથી મળી રહેતો હોય સિંહપરિવાર હટવાનું નામ લેતા નથી. ત્યારે વન વિભાગ દ્વારા પણ રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવાય તેવી વન્યપ્રેમીઓમાંથી માંગણી ઉઠી છે.

No comments: