Tuesday, May 29, 2012

ધારીના ધો.૧રમાં પાસ થયેલા યુવાને દોટ મુકી સિંહણના સકંજામાંથી જીવ બચાવી લીધો.


અમરેલી, તા.ર૬
ધારીના ૧૮ વર્ષના યુવાને પાછળ પડેલી સિંહણના સકંજામાંથી બચવા હિંમતભેર દોટ મુકી પોતાનો જીવ બચાવી લીધો હોવાનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે.
  • નીલ ગાય ભાગીને છટકી જતા સિંહણે ચાલ્યા જતા યુવાનની પાછળ દોટ મુકી પણ યુવાનની હિંમતથી જીવ બચી ગયો
આ અંગે મળતી માહિતી મુજબ ધારીમાં ગણેશ સોસાયટીમાં રહેતા પ્રકૃતિપ્રેમી હસમુખભાઈ દવેનો ૧૮ વર્ષના પુત્ર કૌશિકે ધો.૧રની પરીક્ષા આપી હતી. ધો.૧રમાં પાસ થઈ જાય તો વાદળીયા હનુમાન મંદિરે ચાલીને જવાની તેણે માનતા રાખી હતી. જેથી ગઈ કાલે જાહેર થયેલા ધો.૧રના પરીક્ષાના પરિણામમાં કૌશિક પાસ થઈ જતા આજે સવારે ૯ કલાકે તે ધારીથી ર૦ કિ.મી.દુર વગડામાં હનુમાન મંદિરે ચાલીને જવા રવાના થયો હતો.
દરમિયાન વગડામાં એક સિંહણે એક નીલગાય પાછળ શિકાર માટે દોટ મુકતા નીલગાયે દોટ લગાવી સિંહણના સકંજામાંથી છટકી નાસી જતા ગુસ્સે ભરાયેલી સિંહણે કેડી રસ્તે ચાલ્યા જતા કૌશિક પાછળ દોટ મુકતા કૌશિકે ગભરાયા વગર હિંમતભેર મંદિર તરફ દોડ લગાવી હતી અને પોતાનો જીવ બચાવવા છેક મંદિરમાં પહોંચી ગયો હતો. તે મંદિર સુધી પહોંચી જતા સિંહણે રસ્તો ફેરવી વગડામાં જતી રહી હતી.મંદિરમાં પહોંચેલા કૌશિકને મંદિરના મહંત લક્ષ્મીદાસબાપુએ બેસાડી પાણી પાયું હતું.બાદમાં કૌશિક દર્શન કરી પોતાના ઘેર આવી ગયો હતો. આમ સિંહણના બે બે શિકાર છટકી જતા અને યુવાનની હિંમતભેર દોટની આ વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=59693

No comments: