Tuesday, May 29, 2012

ખાંભામાં વન કર્મચારીઓ અને ગ્રામજનોના ટોળાં વચ્ચે ઘર્ષણ.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:57 AM [IST](29/05/2012)

- પાંચ વનકર્મી તથા સામાપક્ષે ત્રણ વ્યક્તિને ઇજા : જંગલમાં લાકડાં કાપી રહેલા શખ્સ પાસેથી કુહાડી કબજે લેતા મામલો બિચકયો

ખાંભા તાલુકાના ભાણીયા ગામે આજે વન વિભાગના કર્મચારીઓ અને ગામના પંદર શખ્સોના ટોળા વચ્ચે અથડામણ સર્જાતા પાંચ વન કર્મચારીઓ અને ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. આ બનાવના પગલે અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો દોડી આવ્યા હતો.

વનતંત્ર અને ગામલોકો વચ્ચે ઘર્ષણની આ ઘટના ખાંભા તાલુકાના ભાણીયા ગામે બની હતી. અહિંના વિનુભાઇ ધીરૂભાઇ ચૌહાણે વન વિભાગના દીલુભાઇ રાઠોડ, ડોડીયાભાઇ સહિત ચાર સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવાયુ છે કે વન વિભાગનું કામ ચાલતુ હતું ત્યા જઇ તેમણે મારા કાકા સોમાતભાઇની કુહાડી કેમ લઇ લીધી તેવો સવાલ કરતા ચારેય વન કર્મચારીઓએ હુમલો કર્યો હતો અને લાકડી તથા હન્ટર જેવા હથીયારો વડે તેને તથા તેના પિતા ધીરૂભાઇ લખમણભાઇ ચૌહાણ તથા તેના ફઇ કુંવરબેનને માર માર્યો હતો.

ત્યારબાદ જયસુખ નારણ ચૌહાણ, ધીરૂ નારણ ચૌહાણ તથા પાંચ બૈરાઓ સહિત પંદર શખ્સોનું ટોળુ વન વિભાગની કચેરીએ ધસી ગયુ હતુ અને વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં વન કર્મચારીઓ સંજયભાઇ તેરૈયા, દીલુભાઇ રાઠોડ, અમરૂભાઇ વાવડીયા, રમેશભાઇ મહેતા તથા મહેન્દ્રભાઇ રાયજાદાને માર મારી ઇજા પહોંચાડી હતી. આ બારામાં ખાંભા પોલીસ મથકમાં સામસામી ફરીયાદ નોંધાઇ છે. ઘટનાની જાણ થતા ડીએફઓ મનશિ્ર્વર રાજા વગેરે અધિકારીઓ ભાણીયા દોડી ગયા હતાં. ઘવાયેલા લોકોને ખાંભા દવાખાને સારવાર અપાઇ હતી. વન વિભાગે જંગલમાં ગેરકાયદે રીતે લાકડા કાપી રહેલા સોમાતભાઇ પાસેથી કુહાડી કબજે લેતા તેમાંથી આ બબાલ સર્જાઇ હતી.

- વન કર્મચારીઓના ધાડેધાડા ઉતરી આવ્યા

ભાણીયામાં વન વિભાગની કચેરીના ગ્રાઉન્ડમાં જ પાંચ વનકર્મચારીઓ પર હુમલો થતા ધારીથી ડીએફઓ અંશુમન શર્મા દોડી ગયા હતાં. આ ઉપરાંત આજુબાજુની રેન્જના અધિકારીઓ તથા સ્ટાફના ધાડેધાડા પણ અહિં દોડી આવ્યા હતાં.

No comments: