Tuesday, May 8, 2012

સિંહ માટે ગીર ‘સાસરીયું’ - ખાપટ ‘પિયરીયું’.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:17 AM [IST](07/05/2012)
- ત્રણ સિંહણ અને છ બચ્ચાને નિહાળવા રોજના અસંખ્ય લોકો ઉમટી પડે છે સિંહ પરિવાર માટે ગીર જંગલ સાસરીયું અને ઊનાનું ખાપટ ગામ પિયરીયું બન્યું હોય તેમ ત્રણ સિંહણ છ બચ્ચા સાથે સીમમાં વેકેશન ગાળવા આવી પહોંચતા તેને નિહાળવા દરરોજ અસંખ્ય લોકો ઉમટી રહ્યા છે. ગીરનાં ઘનઘોર જંગલમાં ખુલ્લામાં વહિરતા એશીયાટીક સિંહોને જોવા દેશ-વિદેશથી પર્યટકો આવે છે.

ત્યારે ઊના પંથક ગીર બોર્ડરથી તદ્ન નજીક હોય છેલ્લા છ દિવસથી તાલુકાનાં ખાપટ ગામની સીમ સિંહ પરિવારે પિયરીયું બનાવી લીધુ હોય તેમ વેકેશનની મોજ માણવા આવી પહોંચેલ છે અને તે પણ એકાદ બે નહી પરંતુ ત્રણ સિંહણ તથા છ સિંહબાળ સહીત નવનો પરિવાર આવી પહોંચ્યો છે. સાંજના સુમારે આ સિંહ પરિવાર ખુલ્લા ખેતરોમાં લટાર મારવા નીકળી પડે છે ત્યારે તેને નિહાળવા આસપાસનાં ગ્રામ્ય પંથક ઉપરાંત બહારગામનાં લોકો ઉમટી પડે છે.

સિંહ દર્શન માટે આવતાં લોકોની અવર-જવરથી ખાપટનાં ગ્રામજનો તથા વનખાતાનાં સ્ટાફને પણ વ્યાપક હેરાનગતી સહન કરવાનો વખત આવી ગયેલ છે. લોકો ટોળા સ્વરૂપે આ સિંહ પરિવારને જોવા પહોંચી જાય છે. તેમાં પણ છેલ્લા બે દિવસથી આ સિંહ પરિવાર પણ લોકોનાં ટોળાથી કંટાળી ગયા હોય તેમ વેકેશનનાં મુડમાં ખલેલ પહોંચાડતાં લોકોને જોઇ ગુસ્સામાં આવી જાય છે. આ સિંહ પરિવાર કોઇ પર હુમલો ન કરે અથવા તો ટોળા સ્વરૂપે આવતાં લોકોમાંથી કોઇ કાંકરીચાળો ન કરે તે માટે વનખાતાનો સ્ટાફ ખડેપગે સતત દેખરેખ રાખી રહ્યો છે.

આ સિંહ પરિવાર દિવસ દરમ્યાન વાડમાં બેસી રહે છે અને સાંજના સમયે તેમાંથી આ પરિવારની વડીલ એવી એક સિંહણ શિકારની શોધમાં નીકળી પડે છે અને શિકાર કર્યા બાદ પરિવાર સાથે ભોજન કરે છે. તેમાં પણ છેલ્લાં બે દિવસથી એક સાથે આખો સિંહ પરિવાર શિકારની શોધમાં નીકળી જતો હોય એલમપુરમાં બે બળદનું મારણ કરી મજિબાની માણી પરત આવી ગયા હતા. હાલ આ સિંહ પરિવારે પિયરીયું એવા ખાપટ ગામમાં પોતાનો વસવાટ કર્યો હોય પ્રાણીપ્રેમીઓમાં અનોખો રોમાંચ જોવા મળી રહ્યો છે.

- ખાપટમાં સિંહણને ત્યાં પારણું બંધાયાની ચર્ચા ખાપટનાં ગ્રામજનોમાંથી એવી વાત સાંભળવા મળી રહી છે કે આ સિંહ પરિવારમાંથી એક સિંહણને ત્યાં પારણું બંધાયુ હોય તેમ બે સિંહબાળ ઉંવા ઉંવા કરી રહ્યા છે. પારણું બંધાયાને બે દિવસ જેટલો સમય થયો છે. આ બાબતને વનખાતાનો સ્ટાફ પણ સમર્થન આપે છે.

- ગ્રામજનો માટે સિંહ પરિવાનું આગમન સામાન્ય બાબત ગ્રામજનોનાં જણાવ્યા મુજબ અમારા માટે સિંહ પરિવારનો વસવાટ સામાન્ય બાબત બની છે. ત્યારે દૂધનાં વ્યવસાય કરતાં એક વ્યક્તિએ એવું જણાવેલ હતુ કે હું દૂધ લઇને નિકળુ છુ. ત્યારે તેમની બાજુમાંથી પસાર થઇ જાવ છું. પરંતુ લોકોનાં ટોળા જોવા આવે છે તેનાથી આ સિંહ પરિવાર ખલેલ અનુભવે છે.

No comments: