Friday, May 25, 2012

ગીર પંથકનું આસોંદરાળી નેશ પાયાની સુવિધાથી વંચિત.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:53 AM [IST](24/05/2012)
- પાણી, શિક્ષણ, વીજળી જેવા પ્રશ્નો માટે હાડમારી : પ્રા.શાળામાં લાઇટ ન હોવાથી કમ્પ્યુટર શિક્ષણ નહી : ૧૮મી સદીમાં જીવન ગાળતા હોવાનો અહેસાસ

તુલશીશ્યામથી ધારી જતા ગીર જંગલ માર્ગ પર આવેલ આસાંદેરાળી નેસ પાયાની સુવિધા હજુ સુધી મેળવી શક્યુ નથી. અનેક માલધારી પરિવાર પાણી, શિક્ષણ, વીજળી, વળતર જેવા પ્રશ્નો માટે હાડમારી ભોગવી રહ્યાં છે. પરંતુ તેમને સાંભળનાર કોઇ નથી. અહી વીજળી ન હોવાથી શાળામાં વિદ્યાર્થીઓ કોમ્પ્યુટરનું શિક્ષણ પણ મેળવી શકતા નથી. જાણે હજુ આ નેસના લોકો અઢારમી સદીમાં જીવન ગાળતા હોય તેવુ જોવા મળે છે.

સરકાર દ્રારા અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યાં છે. પરંતુ હજુ સુધી ગીરના નેસડાઓમાં વસતા લોકો પાયાની સુવિધાથી વંચિત છે. તુલશીશ્યામથી સાત કિમી ધારી તરફના ગીર જંગલના માર્ગ પર આવેલા આસોંદરાળી નેસના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. આ નેસમાં અંદાજિત ચારસો લોકો વસવાટ કરે છે. ગીર વિસ્તારની હદમાં ગણાતા આ નેસમાં તમામ પાયાની સુવિધા તંત્ર પુરૂ પાડી શક્યુ નથી.

નેસડામાં આજદિન સુધી વીજળી પહોંચી નથી. જેથી આ માલધારી પરિવારાને ૩૬૫ દિવસ અંધારામાં જ રહેવુ પડે છે. નેસડામાં થોડા સમય પહેલા બે ચાર સોલાર લાઇટો આપવામાં આવી હતી. પરંતુ રિપેરિંગ બાબતે કોઇ ધ્યાન ન દેતા તે પણ ટમટમીયા બની ગઇ છે. અહી સૌથી મોટો પ્રશ્ન શિક્ષણનો છે. વિદ્યાર્થીઓના પ્રમાણમાં અહી ત્રણ શિક્ષકો તો પુરતા છે. પણ જાણીને આશ્ચર્ય થશે કે તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માત્ર એક ઓરડામાં બેસીને જ શિક્ષણ મેળવી રહ્યાં છે. ધોરણ ૧ થી ૭ સુધીના તમામ વિદ્યાર્થીઓને એક્સાથે બેસવુ પડે છે. તો વિદ્યાર્થીઓ કેવુ શિક્ષણ મેળવી શકે તે સમજી શકાય તેવુ છે.

હાલ વિજ્ઞાન અને ટેક્નોલોજીના સમયમાં શહેરમાં બાળકો કોમ્પ્યુટર પર શિક્ષણ મેળવી રહ્યાં છે. ત્યારે અહી વીજળી ન હોવાથી બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ મળી શકતુ નથી. નવા ઓરડાના બાંધકામ મંજુર થયેલ છે. પરંતુ વનતંત્ર દ્રારા વાંધો લેવાતા બાંધકામ થઇ શક્યુ નથી. જેથી વિદ્યાર્થીઓ પાયાના શિક્ષણથી જ વંચિત રહે છે.

આ ઉપરાંત ઉનાળામાં ડંકીઓમાં પાણી ખુટી જતા લોકો અને માલઢોરને પીવાનુ પાણી મેળવવા ભારે હાલાકી ભોગવવી પડે છે. અને માલધારી પરિવારોને દુરના કોઇ વાડી ખેતરોમાં હજિરત કરવી પડે છે. નેસના મોભી જસાભાઇ ઘોહાભાઇ કામળીયાએ ઢોરના વળતર પ્રશ્ને જણાવ્યું હતું કે હિંસક પ્રાણીઓ દ્રારા ઢોરનું મારણ કરવામાં આવે તો જુના ધારા ધોરણ મુજબ વળતર ચુકવવામાં આવે છે. હાલ ઢોરની કિમત R ૫૦ હજારથી પણ વધુ થાય છે. જેથી આર્થિક નુકશાન વેઠવુ પડે છે. આ ઉપરાંત નેસ દિઠ એક પશુ ડોક્ટર મુકવાની સરકારી વાતો પણ હવામાં ઓગળી ગયાનું તેઓએ જણાવ્યું હતું.

- અઢારમી સદીનું જીવન ધોરણ
વર્તમાન સમયમાં દરેક ગામોમાં વીજળી, પાણી, શિક્ષણ માટેના પ્રયત્નો થઇ રહ્યાં છે. ત્યારે નેસડાઓ માટે સરકાર દ્વારા કોઇ ખાસ કાર્યક્રમની જાહેરાત ન થતા હાલ માલધારી પરિવારો જાણે કે એકવીસમી સદીમાં પણ અઢારમી સદીનું જીવન રહ્યાં છે.

- ભણવુ છે પણ સુવિધા ક્યાં ?

આસોંદરાળી નેસની એક રૂમવાળી શાળામાં ધોરણ ૧ થી ૭ સુધીના બાળકો એક્સાથે અભ્યાસ કરી રહ્યાં છે. વિદ્યાર્થી સામત કામળીયાએ જણાવ્યું હતું કે અમારે તો ઉચ્ચ અભ્યાસ મેળવવો છે પરંતુ વીજળી ન હોવાથી અમે કોમ્પ્યુટરનું જ્ઞાન પણ મેળવી શકતા નથી.

No comments: