Wednesday, May 30, 2012

ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરીટીની રચના માટે તપાસ કરવા વનમંત્રાલયને આદેશ.


જૂનાગઢ, તા.૨૯:
જૂનાગઢમાં વર્ષ દરમિયાન ભરાતા ત્રણ મેળા અને વિવિધ ઐતિહાસિક-ર્ધાિમક સ્થળોએ લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. ત્યારે વર્ષોથી શહેરના ખાસ કરીને ગિરનાર વિસ્તારના વિકાસ માટે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરીટીની રચના કરવાની માંગણી સામે આંખ આડા કાન કરતી સરકારે અંતે રાજ્યના વનસંરક્ષકને આ અંગે તપાસ કરવાના આદેશો આપ્યા હોવાનું શહેર અગ્રણીએ જણાવ્યું છે.
  • શિવરાત્રિના મેળા અને પરિક્રમા માટે અલગ વહીવટી તંત્ર રચવા માગણી
છેક વિદેશથી અનેક સહેલાણીઓ જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં પડેલા ભરપુર ઐતિહાસિક વારસાને તપાસવા માટે આવે છે. ત્યારે જૂનાગઢને પ્રવાસનધામ તરીકે વિકસાવવાના બણગા ફૂંકતી સરકાર કે તેમના અધિકારીઓ દ્વારા શહેરના ઐતિહાસિક સ્થળોની જાળવણી અને વ્યવસ્થા સામે સદંતર આંખ આડા કાન કરાઈ રહ્યા છે.
તંત્રની બેદરકારીને કારણે ગત વર્ષે શિવરાત્રિના મેળામાં થયેલા અકસ્માતમાં ૧૦ શ્રધ્ધાળુઓ મોતને ભેંટયા હતાં. વ્યવસ્થા અને સંકલનના અભાવે સર્જાયેલા આ અકસ્માત બાદ તમામ તંત્રને દોષનો ટોપલો એકબીજા પર ઢોળીને પોતાની જવાબદારી પુરી કરી લીધી હતી. વર્ષોથી પાજનાકાનો પુલ રીપેર કરાવવા માટે જંગલખાતું, પી.ડબલ્યુ.ડી. અને મહાનગર પાલિકા એકબીજા પર જવાબદારીની ફેંકાફેંક કરી રહ્યા છે. ત્યારે આ તમામ બાબતોના નિકાલ અને ગિરનારના વિકાસ માટે વર્ષોથી એક કમીટીની રચના કરવાની માંગણી પ્રબુધ્ધ નાગરીકો કરી રહ્યા છે. આ કમીટીમાં સરકાર દ્વારા નિમાયેલા સભ્યો અને આઈ.એ.એસ.કક્ષાના સેક્રેટરીઓ જ કારોબાર ચલાવવનો રહેશે. પરીણામે ગિરનારનો સંર્પૂર્ણ વિકાસ થવા સાથે વર્ષ દરમિયાન યોજાતા વિવિધ મેળાની વ્યવસ્થા અને મંજુરી સહિતની જવાબદારી સત્તામંડળ વહન કરશે. પરંતુ વર્ષોથી આ માંગણી સામે આંખ આડા કાન કરતા રાજ્યના શહેરી વિકાસ અધિકારીએ અંતે રાજ્યના વન સંરક્ષકને સત્વરે આ અંગે તપાસ કરવાના આદેશો આપ્યા હોવાનું શહેર અગ્રણી શશિકાંતભાઈ દવેએ જણાવ્યું છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=60372

No comments: