Friday, May 4, 2012

જુનાગઢમાં ઝૂના એક સ્થળે તેના ડાયરેક્ટર પણ નથી જઇ શકતા.



Source: Nimish Thakar, Junagadh   |   Last Updated 3:30 PM [IST](03/05/2012)
- સિંહ-દીપડા અને ગીધનાં ક્વોરન્ટાઇન વોર્ડમાં ફક્ત કેરટેકર સફાઇ અને ખોરાક આપવા જઇ શકે

જૂનાગઢનું સક્કર બાગ ઝૂ એટલે દેશનાં સૌથી જૂનાં અને મોટા ઝૂ પૈકીનું એક. અહીં દેશવિદેશના અને જાતજાતનાં વન્યજીવોનું સંરક્ષણની સાથે સંવર્ધન પણ કરાય છે. જેમાં સિંહ, દીપડા અને ગીધનું સંવર્ધન મુખ્ય છે. આ માટે અહીં ખાસ વોર્ડ બનાવાયા છે. અહીં રખાયેલા વન્ય જીવો માટેનાં અતિસુરક્ષિત એવા આ વિસ્તારમાં ખુદ સક્કર બાગ ઝૂનાં ડાયરેક્ટર પણ જો કેરટેકર બોલાવે તો જ ત્યાં જઇ શકે છે.


જીહા, સક્કર બાગ ઝૂમાં સિંહ, દીપડા અને ગીધની પ્રજાતિને બચાવવા અને તેનાં સંરક્ષણ-સંવર્ધન માટે ખાસ ક્વોરન્ટાઇન વોર્ડ બનાવાયા છે. ઝૂનો આ વિસ્તાર ફક્ત પ્રવાસીઓ જ નહીં આ પ્રાણીઓનાં એકમાત્ર કાયમી કેરટેકર સિવાય તમામ માટે પ્રતિબંધિત છે. આ અંગે સક્કર બાગનાં ઇન્ચાર્જ ડાયરેક્ટર ડીએફઓ વી. એસ. પટેલ ‘દિવ્ય ભાસ્કર’ ને કહે છે, કેરટેકરે પણ ફક્ત વોર્ડની સફાઇ અને પ્રાણીને ખોરાક આપવા સિવાય તેમાં જવાનું હોતું નથી.

જઇને કામ પણ ઝડપથી આટોપી લઇ વોર્ડમાંથી બહાર નીકળી જવાનું રહે છે. તેમાં રખાયેલા વન્ય પ્રાણીઓને માનવીય ઇન્ફેક્શન કે બિમારીથી બને એટલા દૂર રાખવાનો તેની પાછળનો હેતુ છે. તેને કોઇ જાતની માનવીય ખલેલ ન પહોંચવી જોઇએ. હા, એટલું ખરું કે, આ વોર્ડમાં સીસી ટીવી કેમેરા સતત ચાલુ હોય છે. એટલે પ્રાણીની ગતિવિધી અમારાથી અજાણ નથી. આ વોર્ડમાં કાંઇ નવી વ્યવસ્થા ઉભી કરવાની હોય અથવા તેમાં કોઇ ફેરફાર હોય તો કેરટેકર અમને બોલાવે ત્યારે અમારે ત્યાં જવાનું. અન્યથા અમે પણ ત્યાં નથી જતા.

આ કેરટેકર ખાસ તાલીમ પામેલા હોય છે. તેઓને ઝૂનાં અન્ય કર્મચારીઓની માફક જ દર વર્ષે વેકસીન મૂકવામાં આવે છે. જેથી તેમના થકી એકેય માનવીનો રોગ પ્રાણીઓમાં ન ફેલાય. વળી તેઓનું મેડીકલ ચેકઅપ પણ નિયમિત રીતે કરાવવું પડે.

- વરૂ, ચિત્તલ, કાળિયારનાં બ્રિડીંગ માટે નવાં પાંજરાં

ડીએફઓ વી. એસ. પટેલ વધુમાં કહે છે, સક્કર બાગમાં વરૂ, ચિત્તલ, કાળિયારના બ્રિડીંગ માટે કુલ ૪ નવાં પાંજરાં તૈયાર થઇ રહ્યાં છે. આ પાંજરાં ફક્ત તેઓનાં બ્રિડીંગ માટે રહેશે. અને તે પ્રદર્શન માટે નહીં હોય.

- આગામી બે દાયકામાં સક્કર બાગ વધુ વિસ્તરશે

ડીએફઓ વી. એસ. પટેલે ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ વધુમાં જણાવ્યું હતું કે, આગામી ૨૦ વર્ષનો માસ્ટર પ્લાન સક્કર બાગ ઝૂ માટે બનાવાયો છે. આ પ્લાન મુજબ, અહીં ગ્રાસ લેન્ડ, વેટ લેન્ડ, ડેઝર્ટ લેન્ડ, વગેરે એરિયા વિકસાવાશે. પ્રવાસીઓ જઇ શકે એ રીતનાં બે તળાવો તો તૈયાર પણ થઇ ગયાં છે. પરંતુ તેમાં મુલાકાતીઓનાં પ્રવેશ માટે હજુ વિચારણા થઇ રહી છે.

- નાઇટ સફારીની પણ જોગવાઇ

સક્કર બાગ ઝૂમાં ધારાગઢ દરવાજા વિસ્તાર તરફ પડતા ભાગમાં ખેતીની જમીનની પાછળનાં વિસ્તારમાં ભવિષ્યમાં ‘નાઇટ સફારી’ બનાવવાનું પણ આયોજન છે. જોકે, આ બધું મંજૂરી પર આધારિત છે. અને તે લાંબા ગાળાનું આયોજન છે. જોકે, આગામી બે-પાંચ વર્ષમાં તેની અમલવારીની કોઇ જોગવાઇ નથી.

તસવીર મિલાપ અગ્રાવત, જુનાગઢ

No comments: