Thursday, April 8, 2010

તળાજા પંથકમાં સિંહની જોડીએ ફરી દેખા દીધા : બે પશુનું મારણ.

Thursday, Apr 8th, 2010, 1:38 am [IST]
Bhaskar News, Talaja

આજથી જિલ્લાના સિંહગ્રસ્ત વિસ્તારમાં સિંહોની ગણતરી થશે

તળાજા તાલુકાના શેત્રુંજી કાંઠાના જિલ્લાનાં સિંહગ્રસ્ત વિસ્તાર જેમા તળાજાનાં ભેગાળી અને માયધર ગામની સીમ વાડીમાં ફરી બે સિંહોએ દેખા દીધા છે. તેમજ અન્ય સિંહે કુંઢલા ગામની સીમમાં એક પાડો અને એક વાછરડીનું મારણ કર્યું હતું.

જિલ્લાનાં સિંહગ્રસ્ત વિસ્તાર ગણાતા તળાજાનાં શેત્રુંજી કાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કરણ-અર્જુન નામના બે સિંહની જોડીએ ભારે આતંક મચાવ્યો છે. ઉપરાંત અન્ય એક સિંહ પણ આ પંથકમાં ફરતો હોવાનાં તળાજા ફોરેસ્ટે લોકેશન મેળવ્યા છે. તળાજાના ભેગાળી અને માયધર ગામની સીમ-વાડીમાં કરણ-અર્જુનની જોડીયે ફરી દેખા દીધા છે. જેમાં માયધરની સીમમાં આવેલ રામભાઈ નાનુભાઈ ડાંગરની લીંબુની મોટી વાડીમાં આ સિંહ જોડીયે રાતવાસો કરી વહેલી સવારે શેત્રુંજી નદી વટીને ભેગાળીની સીમમાં સામાકાંઠે મનજીભાઈ મેપાભાઈની કેળની વાડીમાં ધામા નાખ્યા હોવાનું વન વિભાગે લોકેશન મેળવી તેની પર નજર રાખી હતી.

જો કે આ કરણ-અર્જુનની જોડીને કોઈ પાલતું પશું હાથમાં ન આવતા મારણ કરી શક્યા ન હતા. પરંતુ તળાજાની બાજુમાં આવેલા કુંઢલાની સીમમાં એક ત્રીજા સિંહે એક પાડાનું અને એક વાછરડાનું મારણ કર્યું હતું. તળાજાનાં આરએફઓ આર.યુ. જોષીએ જણાવ્યું હતું કે તા.૮ને ગુરૂવારે ભાવનગર જિલ્લા વન વિભાગ દ્વારા જિલ્લાનાં સિંહગ્રસ્ત વિસ્તારોમાં ફરી સિંહની ગણતરી પ્રક્રિયા હાથ ધરાશે.

મેઢા ગામે સિંહ ઝળક્યો
પાલિતાણા તાલુકાના મેઢા ગામે કરશનભાઈ ખોડાભાઈની વાડીમાં સિંહએ ત્રાટકી એક પાડો અને એક પાડીનું મારણ કર્યું હતું. ઉપરાંત ઠાડચ ગામમાં દેવજીભાઈ મંગાભાઈની વાડીમાં એક દીપડાએ ત્રાટકીને દેવજીભાઈની પીઠ પાછળ હુમલો કરી તેઓનો વાંસો ફાડી નાખ્યો હતો.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/08/lion-return-to-bhavnagar-850759.html

No comments: