Wednesday, April 21, 2010

ગ્રામ્યમાં રઝળતા તૃણભક્ષી પ્રાણીઓને જંગલમાં છોડો.

જૂનાગઢ તા.૨૦:

ગિર અને ગિરનાર જંગલના હિંસક પ્રાણીઓ પોતાની ભૂખ સંતોષવા માટે જંગલ છોડી બહાર આવી માનવો પર હૂમલા કરી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા અને ખેતરના ઉભા પાકને નુકશાન કરતા તૃણભક્ષી પ્રાણીઓને બેશુધ્ધ કરી જો જંગલમાં પરત મૂકી આવવામાં આવે તો જીવો જીવસ્ય ભોજનમના નિયમ મુજબ જંગલના હિંસક પ્રાણીઓને પોતાનો ખોરાક મળી રહેવા સાથે બીજી તરફ ખેતરોના ઉભા પાક અને હિંસક પ્રાણીઓનો શિકાર બનતા પ્રાણીઓને પણ બચાવી શકાય.

તાજેતરમાં જંગલ બહાર મારણ કરવા નિકળેલ સિંહે ત્રણ મજૂરો પર હૂમલો કરતા એક મજૂરે સિંહ પર વળતો હૂમલો કરતા સિંહ મૃત્યું પામ્યાનો બનાવ પણ બન્યો હતો. આવા બનાવો બનતા અટકાવવા તેમજ હિંસક પ્રાણીઓનો શિકાર બનતા માનવોને બચાવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા અને ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચાડનાર તૃણભક્ષી પ્રાણીઓને પકડી તેને ટૂંકવીલાઇઝરના ઇન્જેકશન વડે બેશુધ્ધ કરી જંગલમાં પરત મૂકી આવવા જોઇએ અને તે માટેની વ્યવસ્થા કરવા સરકારમાં રજૂઆત કરી એક મંડળ રચવામાં આવે તેવી માગણી જૂનાગઢ વિસ્તારના અગ્રણી ખેડૂતો પી.વી. દેલવાડીયા સહિતના અનેક ગ્રામજનો કરી રહ્યા છે. આ બાબતે સંબંધિત વનતંત્ર તેમજ સરકાર ગંભીર પ્રયાસો હાથ ધરી સત્વરે યોગ્ય પગલાં લે તો જંગલ વિસ્તારોમાંથી બહાર આવતા સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓને જંગલમાં જ પૂરતો ખોરાક મળી રહે તો બીજી બાજુ તૃણભક્ષી પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોના ઉભા પાકને આડેધડ નુકશાન પહોંચાડતા આપોઆપ અટકી જાય. અગાઉ ખેતરોમાં રખડતા ઢોરો દ્વારા પાકને નુકશાન પહોંચાડવામાં આવતું હોવાથી ગામેગામ ગૌશાળા ઉભી કરાઇ જેના પરિણામે આવા ઢોરોથી ખેતરના પાકને થતું નુકશાન અટકાવવામાં આજે સફળતા મળી છે. ત્યારે જંગલમાં વિહરતા તૃણભક્ષીઓ ગ્રામ્ય વિસ્તારમાં રખડતા અટકે તે માટે વનતંત્ર તેમજ સરકારે આ દિશામાં ગંભીર વિચાર કરી યોગ્ય પગલા લે તે સમયની માંગ બની રહી છે.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=179823

No comments: