Friday, April 9, 2010

આજથી બીજી વખત સિંહોની 'ડમી વસ્તી ગણતરી' કરાશે.

જૂનાગઢ,તા.૮

સિંહોની વસ્તી ગણતરી હાલમાં ધીમ-ધીમે ચર્ચામાં આવી રહી છે ત્યારે આવતીકાલે શુક્રવારથી બીજી વખત સિંહોની "ડમી વસ્તી ગણતરી" વનવિભાગ દ્વારા શરૃ કરવામાં આવશે. અગાઉ એક વખત કરાયેલી મોકડ્રીલમાં રહી ગયેલી ખામીઓ સુધારીને તેમજ ફાઈનલ ગણતરીને ચોક્કસતા તરફ લઈ જવા માટે આ બીજી વખતની નેટપ્રેક્ટીશ વનવિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
વિશ્વમાં એક માત્ર સ્થળે બચેલા એશિયાઈ સાવજોથી વસ્તી ગણતરી આગામી તા.ર૪ એપ્રિલના રોજથી શરૃ થઈ રહી છે. ત્યારે આવતીકાલે શુક્રવારથી બે દિવસ માટે બીજી વખત સિંહોની ડમી વસતી ગણતરી વનવિભાગ દ્વારા કરવામાં આવશે. જેની તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ વિશે વનવિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે મુળ ગણતરીમાં ભૂલ ન થાય તે માટે આ ડમી ગણતરી કરવામાં આવી રહી છે. અગાઉ એક વખત મોકડ્રીલ બાદ સી.એફ.ની અધ્યક્ષતામાં મિટીંગ મળી હતી. જેમા ખામીઓ વિશેની સમીક્ષા કરીને ભૂલો સુધારી બીજી વખત મોકડ્રીલ યોજાશે. આ વખતે દુરબીન, કેમેરા, વાયરલેસ સેટ્સ વગેરે સાથે વનવિભાગનો સંપૂર્ણ સ્ટાફ ડ્રેસમાં સજ્જ થઈને ગણતરી હાથ ધરાશે. ક્રિકેટમાં કરાતી નેટપ્રેક્ટીશની જેમ આ ગણતરી કરવામાં આવશે. જેમા ફાઈનલ ગણતરીમાં કોઈ કચાશ ન રહે તેનો સંપૂર્ણ ખ્યાલ રખાશે. ગત ગણતરીમાં ગિર જંગલમાં ૩પ૯ સિંહો નોંધાયા હતા. જેમા આ વખતે સારા એવા પ્રમાણમાં વધારો થશે. વનસંરક્ષક ચર્તુવેદીના વડપણ હેઠળ આવતીકાલથી ગણતરી શરૃ થશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=176294

No comments: