Sunday, April 18, 2010

મારણ પઘ્ધતિ પર પ્રતિબંધ આવતા બીટ પઘ્ધતિ અમલી.

Saturday, Apr 17th, 2010, 12:29 am [IST]
Jitendra Mandavia, Talala
First Published: 00:29[IST](17/04/2010)
Last Updated : 00:29[IST](17/04/2010)

ગીરમાં વસતા સિંહોની ગણતરીનો આગામી તા.૨૪થી પ્રારંભ થઈ રહ્યો છે. ગીરમાં અગાઉ સિંહોની વસતી ગણતરીમાં સચોટ અને પારદર્શક ગણાતી ભક્ષ્ય પ્રાણી (મારણ) પઘ્ધતિનો ઉપયોગ થતો હતો. પરંતુ વર્ષ ૨૦૦૦માં મારણ પઘ્ધતિ પર ઈન્ડીયન વાઈલ્ડ લાઈફ બોર્ડ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવતા વનતંત્ર દ્વારા સિંહ ગણતરી માટે બીટ પઘ્ધતિ અમલમાં મુકવામાં આવી હતી. જેનાથી રેન્જ, રાઉન્ડ, તેમજ બીટના કર્મચારીઓ તેમના કાર્ય વિસ્તારથી વાકેફ થઈ શકે છે.

ગીર જંગલમાં વસતા તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી વનવિભાગ દ્વારા અલગ અલગ પઘ્ધતિથી કરવામાં આવે છે. વન વિભાગ દ્વારા ભુતકાળમાં સિંહોની ગણતરી માટે જીવતા ભક્ષ્યપ્રાણી (મારણ)નો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ ૨૦૦૦ના વર્ષમાં ઈન્ડીયન વાઈલ્ડ લાઈફ બોર્ડ દ્વારા ભક્ષ્ય પઘ્ધતિ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો.

વનતંત્ર દ્વારા છ પઘ્ધતિઓથી સિંહ ગણતરી કરવામાં આવતી હતી. જેમાં ૧ જીવતા ભક્ષ્ય પ્રાણી (મારણ પઘ્ધતિ), ૨ પાણીના સ્થળ અને પોઈન્ટ ઉપર, ૩ પગમાર્ક પઘ્ધતિ, ૪ વીબ્રીસીસ સ્પોર્ટ પેટર્ન પઘ્ધતિ, ૫ બોડી માર્ક પઘ્ધતિ, અને ૬ બીટ વેરી ફિકેશન પઘ્ધતિનો ઉપયોગ થતો હતો. આ પઘ્ધતિમાં સૌથી શ્રેષ્ઠ સચોટ અને પારદર્શક ગણાતી મારણ પઘ્ધતિ પર પ્રતિબંધ આવતા વન વિભાગે સિંહોની નવી ગણતરી કરવા, બીટ વેરીફીકેશન તથા પગમાર્ક પઘ્ધતિનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

તેમજ આ પઘ્ધતિને વધુ વિશ્વસનીયતા મળે તે માટે ગણતરી પહેલા જ બીટ અવલોકન રજીસ્ટાર રાખવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. આ પઘ્ધતિથી રેન્જ, રાઉન્ડ તેમજ બીટના કર્મચારીઓ તેના કાર્ય વિસ્તારના સિંહોથી સંપૂર્ણ વાકેફ થાય અને તેનો અનુભવ પણ વધે છે. ત્યારે વનતંત્ર દ્વારા સિંહની નવી વસ્તી ગણતરી બીટ પઘ્ધતિથી કરવાનું નક્કી કર્યુ છે. સાથે સાથે પગમાર્ક પઘ્ધતિનો પણ ઉપયોગ કરી વનતંત્રના અધિકારીઓ તારણ મેળવશે.

મારણ પઘ્ધતિ શુ કામ સચોટ અને પારદર્શક ગણાય છે
આ પઘ્ધતિમાં વનવિભાગનાં કર્મચારીઓ જંગલમાં વસવાટ કરતા સિંહોનાં સ્થળોનું અવલોકન કરી ગણતરી દરમ્યાન ભક્ષ્ય પ્રાણી(પાડા)ને જંગલમાં લઈ જાય છે. પાડને બાંધવામાં આવતા તેમની વાસથી સિંહો પાડા (મારણ) સુધી પહોંચી જાય છે. મારણની જગ્યાએ એકી સાથે વધુ સંખ્યામાં સિંહો એકઠા થઈ જતા હોય ચોક્સાઈથી ગણતરી કરી શકાય છે.

તેમજ મારણ ખાવા અધીરા બનીને સિંહો કંટાળી ચાલ્યા જતા હોય ત્યારે મારણ છુટુ મુકતા સિંહો મારણ ઉપર હુમલો કરે ત્યારે તેમની આક્રમકતા, રાક્ષીદાંત, તીક્ષ્ણ નહોર જડબાની સ્થિતી વગેરેનો સચોટ અંદાજ મેળવી શકાય છે. તેમજ સિંહણ (માદા) મારણ ખાય ત્યારે તેમનાં આંચળનો ખ્યાલ મળે અને બરચા મારણ ખાય તો સિંહ બાળની સંખ્યા અને શારીરીક સ્થિતી નો તાગ મળી શકતો હોવાથી વનતંત્રનાં મતે આ પઘ્ધતિ સચોટ, વિશ્વસનીય અને પારદર્શક ગણાઈ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/17/bit-system-to-count-population-of-lions-880533.html

No comments: