Sunday, April 18, 2010

વિકલાંગ ભાવિકને ઉઠાવી જઈ દીપડાએ ફાડી ખાધો.

જૂનાગઢ,તા. ૧૭ :

પ્રસિધ્ધ ગિરનાર પર્વત પર ગઈકાલે રાત્રે ધાબળો ઓઢીને સૂતેલા એક અપંગ ભાવિકને બકરૃ સમજી ગળુ મોઢામાં લઈને ઉઠાવી ગયેલા દીપડાએ ર૦ મીટર નીચે ગુફામાં લઈ જઈ ફાડી ખાતા અરેરાટી પ્રસરી ગઈ છે. માત્ર ગોઠણ સુધીના જ પગ ધરાવતો ભાવનગર પંથકનો રહેવાસી આ ભાવિક અંબાજી માતાજીએ છત્ર ચડાવવાની માનતા પુરી કરવા જઈ રહ્યો હોવાનું જાણવા મળેલ છે.

ગિરનાર પર્વતનાં ૩ર૦૦ પગથિયા પાસે એક ગુફા જેવા સ્થળે પુરુષની લાશ મળી આવતા ડુંગર દક્ષિણ રેન્જના આર.એફ.ઓ. દિપક પંડયા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતા. તેમજ મૃતદેહને નીચે ઉતારી પી.એમ. માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરનાં સિંહોર તાલુકાના સોનગઢના રમેશ ઉર્ફે મહેશ નામના માત્ર ગોઠણ સુધીના જ પગ ધરાવતા અપંગ ભાવિકે બે દિવસ પહેલ અંબાજી માતાજીને છત્ર ચડાવવાની માનતા સાથે ગિરનારના પ્રથમ પગથિયેથી કઠોર કલ્પની શરૃઆત કરી હતી. તેમ જ પ્રથમ રાત્રીનો પડાવ ૯૦૦ પગથિયે કર્યા બાદ ગઈકલે સવારેથી આગળની યાત્રા શરૃ કરી હતી. ૩ર૦૦ પગથિયે પહોંચતા સુધીમાં રાત્રી થઈ જતા થાકેલો આ ભાવિક ધાબળો ઓઢીને ત્યાં જ સુઈ ગયો હતો.દરમિયાનમાં રાત્રીના સમયે કાળા ધાબળાને કારણે બકરૃ સમજીને આ ભાવિકને દીપડાએ ઉઠાવી જઈ ર૦ મીટર નીચે ગુફા સુધી ઢસડી જઈ ફાડી ખાધો હતો. છેલ્લા થોડા સમયથી આ વ્યક્તિ દામોદરકુંડ પાસે ભિક્ષાવૃતિ કરતો હોવાનું પણ જાણવા મળેલ છે. વનવિભાગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=179020

No comments: