Thursday, April 1, 2010

ચંદન ચોરીનું મસમોટુ કૌભાંડ, વધુ શખ્સોની સંડોવણીની શંકા

જૂનાગઢ,તા.૩૧:

ગઈ કાલે જૂનાગઢ ગિરનાર જંગલ વિસ્તારમાં ૪ મહિલા સહિત પાંચ શખ્સો ચંદનના લાકડા કાપતા પકડાયા છે ત્યારે આ પ્રકરણમાં મોટુ રેકેટ હોવાના વનવિભાગના સુત્રો ખાનગીમાં કબૂલી રહ્યા છે ત્યારે આ લાકડા ક્યા વેંચાતા હતા ? તેમ જ આ બાબતમાં કોઈ મોટા વેપારીઓની સંડોવણી છે કે, નહી તેની સઘન તપાસ કરવી જરૃરી છે.

જૂનાગઢ ગિરનાર જંગલ વિસ્તારમાં વન વિભાગના આર.એફ.ઓ. દિપક પંડયા સહિતના સ્ટાફે ગઈકાલે પેટ્રોલીંગ દરમ્યાન ૪ મહિલાઓ અને ૧ પુરૃષ સહિત પાંચ શખ્સોને ૧૦ કિ.ગ્રા. ચંદનના લાકડા તેમજ એક શાબરના શિંગડા સાથે ઝડપી લીધા હતા. ત્યારે આ શખ્સો ચંદનના લાકડા કાપી કોને ક્યાં વેંચતા હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવે તો મોટુ પ્રકરણ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. તેમજ ઝડપાયેલ આ શખ્સો પાસેરામાં પૂણી સમાન હોવાનું પણ ચર્ચાઈ રહ્યુ છે. તેઓની સાથે વધુ લોકો સામેલ હોવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ દિશામાં સઘન તપાસ કરવામાં આવે તો ગિરનાર જંગલમાંથી થતી સંપૂર્ણ ચંદન ચોરી બહાર આવે તેમ છે. ત્યારે આ પ્રકરણની તપાસ વનવિભાગને બદલે પોલીસ પાસે કરાવવામાં આવે તો વધુ સારી ઝડપે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થાય તેવુ અનુભવી સુત્રો જણાવી રહ્યા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=173659

No comments: