Friday, April 9, 2010

અમરેલી જિલ્લાના જંગલમાં લાદેન અને ફુલનદેવી રહે છે !

સાવરકુંડલા, તા.૮

અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં ઓસામા બીન લાદેન અને ફુલનદેવી મોજથી હરે ફરે છે. કોઈ તેની નજીક જવાની હિંમત કરી શકતું નથી. હા.. આ વાત સાચી છે, પરંતુ ઓસામા બીન લાદેન અને ફુલનદેવી મનુષ્ય નહીં પણ સિંહોના નામ છે. આ વિસ્તારના લોકોએ વનરાજોની ખાસીયતો પરથી તેના આવા અનેક નામ પાડયા છે.

ગીર કાંઠાના લોકો તેમજ માલધારીઓ સોરઠી ડાલા મથ્થાઓને ખાસ નામથી ઓળખે છે.સાવજોની ખાસીયતો પ્રમાણે તેના નામ-ઉપનામ આપવામાં આવે છે. તુલસીશ્યામ વિસ્તારમાં એક ખૂંખાર સિંહણને ‘ફુલનદેવી’ નામ અપાયું છે. અને સાવરકુંડલા વિસ્તારના સાકરપરા, અભરામપરા વિસ્તારમાં એક સિંહ મોટે મોટેથી ત્રાડો પાડતો રહેતો હોવાથી ‘ઓસામા બીન લાદેન’ નામ અપાયું છે. થોડા વર્ષો અગાઉ મીતીયાળાના જંગલમાં એક આખા ઝાંબલી રંગના સિંહને ‘જામ્બો’ નામ મળ્યું હતું. આવી જ રીતે અભરામપરા વિસ્તારમાં એક કદાવર સિંહ ‘બાવલા’ તરીકે ઓળખાય છે. તુલસીશ્યામના ગીચ જંગલ વિસ્તારમાં આવેલા ઓપનેશ વિસ્તારમાં એક સિહ એકલો જ રહેવાનું પસંદ કરતો હોવાથી’એકલમલ’ તરીકે ખ્યાતિ પામ્યો છે. જ્યારે પાતળા વિસ્તારમાં એક સિંહણનું પૂંછડું કપાયેલુ હોય તેને સૌ ‘બાંડી’ કહે છે. તો ગઢીયા વીરપુરના કરંજીયા ડુંગર વિસ્તારમાં બે કદાવર સિંહો ‘ભીમ-અર્જુન’ તરીકે ઓળખાય છે. દેખતા જ ડરી જવાય તેવા આ બંન્ને સિંહો હાલ ગઢીયા પંથકમાં આતંક મચાવી રહ્યાં છે. ધારીના ગ્રામીણ વિસ્તારમાં કપાળે ટીલુ ધરાવતો સિંહ ‘ટીલીયો’, ધારી વિસ્તારમાં જ એકી સાથે ફરતા ત્રણ સિંહોને ‘તરખો’ , અભરામપરા વિસ્તારના એક બુઢ્ઢો સિંહ ‘જળકટો’, જાંબાળના ચોતરા વિસ્તારમાં ત્રણ સિંહ બાળને ‘લાલો, ડમલો અને હરિયો’ , બાજરીયા મહારાજાના આશ્રમ પાસે ‘તાડકા’, વડાળ બીડ પાસે ‘શેર’, મધ્યગીર વિસ્તારમાં એકી સાથે ફરતા સાત સિંહોને લોકોએ ‘સાત નારી ગેંગ ‘ એવા નામ આપ્યા છે.

આવા નામ આપવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=176351

No comments: