Wednesday, April 7, 2010

જંગલખાતાની રેઢિયાળ નીતિ - બે વર્ષમાં ૭૨ સિંહોના મોત.

સૌરાષ્ટ્ર સમાચાર
આના લેખક છે GSNEWS
સોમવાર, 05 એપ્રિલ 2010

ભવ્ય વન્ય સંપદાને બદલે ભ્રષ્ટાચારનું જતન

સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાં ગીરના જંગલોમાં જ સિંહો જોવા મળે છે. સૌરાષ્ટ્રની શાન ગણાતા સિંહોની વસ્તી ગણતરીનો તખ્તો ગોઠવાઈ ચૂકયો છે. ૨૩મીથી ૬ દિવસ વસ્તી ગણતરી હાથ ધરાશે. પરંતુ ખાલી વસતી કરી સંતોષ માનવાના બદલે હાલ સિંહોની સુરક્ષા અંગેનો વિકટ પ્રશ્ન ઉભો છે તેનો ઠોસ ઉકેલ જરૂરી બન્યો છે. જો આ બાબત પરત્વે વનવિભાગ ગંભીર નહીં બને તો કદાચ એક સમય એવો આવે કે ગણતરી કરવા જેવું કશું બચે જ નહીં. જંગલખાતાની રેઢિયાળ નીતિને લીધે છેલ્લાં બે વર્ષમાં ૭૨ સિંહોના મોત નિપજયા છે. કેમ કે ગીરના જંગલોની ભવ્ય વન્ય સંપદાના જતનને બદલે ભ્રષ્ટાચારનું જતન થઈ રહ્યું છે. અને તેથી જ ગાઢ જંગલોમાં શિકારીઓ બિન્દાસ રીતે ધુસી અને શિકાર કરી રહ્યાં છે.

ગાઢ જંગલમાં શિકારીઓ ધૂસી શકે છે કારણ કે, તેને અટકાવવા માટેનું પેટ્રોલીંગ નથી ઃ નીચેથી ઉપર સુધી બેલગામ તંત્ર

પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં વહેચાયેલા ગીરના જંગલરમાં અંદાજે ૨૯૧ સિંહો વિચરી રહ્યાં છે. પરંતુ છેલ્લા બે વર્ષમાં અકસ્માતે, કુદરતી મોત કે શિકારની ઘટનાઓમાં ૭૨ જેટલાં સિંહોના મોત નિપજયા છે. સિંહોના મૃત્યુનો રેશિયો ડામવા માટે બૃહદ ગીર યોજના પણ બનાવાઈ છતાં કોઈ અર્થ સર્યો નથી. કેમ કે મૂળ કારણો ઉપર જડ નિયમો તથા ભ્રષ્ટાચારના ચશ્મા ધારણ કરેલા વનવિભાગ દ્વારા ઘ્યાન અપાતું જ નથી. ગીરના જંગલમાંથી સિંહો છેક રેવન્યુ વિસ્તારમાં ગામડાઓ સુધી મરણની શોધમાં જવા લાગ્યા છે. કેમ કે, જંગલમાં તેમને પૂરતું મારણ મળતું નથી. જંગલખાતાના જડ નિર્ણયોને લીધે તથા સતત થતા શોષણને લીધે માલધારીઓ સ્થળાંતર કરી જતાં પશુઓના અભાવે સિંહોના ખોરાકનો પ્રશ્ન ઉભો થયો છે. સિંહો માટે જો પુરતા પશુઓ જંગલમાં જ ઉપલબ્ધ કરાવાય તો તેઓ જંગલની બહાર ન નીકળે અને અકસ્માત કે શિકારને લીધે કમોતે ન ભેટે.

ગીરના જંગલમાં તમામ વિસ્તારોમાં પેટ્રોલીંગ થઈ શકે અને વન્ય સંપદા, પ્રાણી સંપદા ઉપર દેખરેખ રાખવા માટે બીટ ગાર્ડોને બાઈકો ફાળવાયા છે. પરંતુ બાઈક આવવાથી એવી પરિસ્થિતિ ઉભી થઈ છે કે ગાર્ડો દ્વારા માત્ર જંગલના રસ્તે બાઈક દોડાવી અને પેટ્રોલીંગ કરી લીધાનું બતાવી દેવાય છે. પરંતુ જંગલના આંતરિક વિસ્તારમાં પેટ્રોલીંગ થતું ન હોવાથી તેનો લાભ શિકારી તત્વો લઈ રહ્યાં છે. અગાઉ ચાલીને ફિલ્ડ વર્ક કરવામાં આવતું તે હાલ સદંતર બંદ છે. આમ દરેક વિસ્તારમાં પૂરતું પેટ્રોલીંગ ન થતા બિમાર ઈજાગ્રસ્ત સિંહો બાબતે કાયમ માલધારીો કે મજૂરો જ વનવિભાગને જાણ કરે અને ત્યારબાદ વનવિભાગ દોડે તેવું સતત બની રહ્યું છે. વળી સિંહોની રક્ષા માટે ફાળવવામાં આવેલી બાઈકો મોટાભાગે ગાર્ડોના સંતાનો ચલાવતા નજરે પડે છે. અંતરિયાળ વિસ્તારોમાં પેટ્રોલીંગ થતું ન હ ોવાથી બિમાર વન્ય જીવોને ત્વરીત સારવાર મળતી નથી. અને મરણને શરણ થાય છે.

દર સપ્તાહે નિયમ મુજબ સિંહોનું લોકેશન નોટ કરવાનું હોય છે પરંતુ તેની જાત તપાસને બદલે ગાર્ડો કે ફોરેસ્ટરો દ્વારા રોજમદારો, મજૂરો કે માલધારીઓ અથવા રેવન્યુ વિસ્તારના ગામોના અગ્રણીઓના મોઢેથી સાંભળી અધિકારીઓને લોકેશનની જાણ કરી દેવાય છે. આ ઉપરાંત જંગલમાં પણ સિંહોને સતત ખલેલ વનવિભાગના કર્મચારીઓના ભ્રષ્ટાચારવાદને લીધે પહોંચી રહી છે. જંગલમાંથી જતા રસ્તા ઉપર ચેકપોસ્ટો વનવિભાગ દ્વારા ઉભી કરાઈ છે. પરંતુ જો કર્મચારીના હાથમાં ‘પ્રસાદી’ આપી દેવાયતો ગમે તે સમયે, ગમે ત્યારે જંગલમાં પ્રવેશવા દેવાય છે.

વળી દલખાણિયા, ગોવિંદપુર, ક્રાંગસા, ધારગણી, ગઢિયા, લાખાપાદર વગેરે વિસ્તારોમાં વનવિભાગના ક્રમચારીઓ દ્વારા ખાસ મહેમાનો માટે વારંવાર લાયન શો યોજી બક્ષીસો મેળવાય છે. આમ સતત પડતી ખલેલને લીધે સિંહો દ્વારા થતા હુમલાના બનાવો વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. છતાં સિંહોને પહોંચાડતી ખલેલ ઉપર રોક લગાવવામાં આવતી નથી. આ ઉપરાંત વનવિભાગનો મોટાભાગનો સ્ટાફ પોતાની બીટ રેન્જમાં રહેવાને બદલે નજીકના શહેરીમથકોમાં રહે ચે. પરિણામે જંગલમાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ ન થતું હોવાથી સિંહોના તથા અન્ય વન્ય પ્રાણીઓના શિકાર કરવા માટે શિકારી તત્વોને જોઈએ તેવી અનુકુલતા મળી રહે છે. બીજી બાજુ ગીરના જંગલોમાં અનેક કૂવા વાડ વગરના ખુલ્લા છે. તે સિંહો સહિતના વન્ય પ્રાણીઓ માટે મોતનું કારણ બને છે. તમામ કૂવા વાડથી મઢવાની જરૂર છે. અરે વાડીઓમાં ઉભેલું ઘાસ પણ મીઠી નજર તળે બારોબાર પગ કરી જાય છે.

ગીરના જંગલમાં પૂરતા મારણના અભાવે આસપાસના ગામોમાં દિપડા આતંક મચાવે છે. પરંતુ વનવિભાગ દ્વારા લોકોની વારંવારની રજૂઆતો પછી પાંજરા મૂકાય છે. આમ જંગલને, તેની વન્ય પ્રાણી સંપદાને જાળવવાનું કામ જેનું છે તે જંગલવિભાગ દ્વારા તેના કારતૂતોથી તેની જાળવણીને બદલે બેફામ નુકશાની પહોંચાડાઈ રહી છે. વનવિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા કેટલા મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. તેની વિગતો બહાર લાવવા વનવિભાગના તમામ અધિકારીઓ, કર્મચારીઓની સંપત્તિની ચકાસણી કરવા માંગ ઉઠી છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/60266/149/

No comments: