Thursday, June 9, 2011

કેસર કેરીના પાકનું ધોવાણ : ૧૦ કરોડથી વધુ નૂકસાન.

તાલાલા, તા.૩:

તાલાલા પંથકમાં આજે ગાજવીજ અને પવન સાથે ખાબકેલા અઢી ઇંચ વરસાદથી કેસર કેરીના પાકને કરોડો રૃપિયાનું નુકસાન થયું છે. ઉનાળુ બાજરો, તલ, મગફળી, અડદ સહિતનાં પાકને વરસાદથી જબરૃ નુકસાન થતા ગીરપંથકના કિસાનોની સ્થિતિ કફોડી બની ગઇ છે. માર્કેટીંગ યાર્ડમાં ૩૦ હજારથી વધુ કેસર કેરીનાં બોક્ષ વરસાદમાં પલળતા કેરી પાણીમાં તરવા લાગી હતી. અચાનક ખાબકેલા વરસાદથી તાલાલા પંથકમાં વ્યાપક નુકસાની થઇ હોવાનું જાણવા મળે છે.

યાર્ડમાં કેસર કેરીના ૩૦ હજારથી વધુ બોકસ પલળ્યા : આજે હરરાજી બંધ રખાશે

તાલાલા પંથકના ખેડૂતો માટે આજે અચાનક ખાબકેલા ભારે વરસાદે કેસર કેરીના ઓછા પાક વચ્ચે થોડુ વળતર મળી રહેવાની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. હાલ કેસર કેરીની સીઝન પૂર બહારમાં ચાલુ હોય તેવા સમયે ભારે પવન અને વરસાદ પડતા આંબા ઉપરથી કેરીઓ ખરી ઢગલા થઇ ગયા હતાં. આજે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ૩૦ હજારથી વધુ કેરીના બોક્ષ વેચાણ માટે આવેલા બપોરે બે વાગ્યે કેરીની હરાજી શરૃ થવા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો વેપારી મજૂરો ખુલ્લામાં પડેલી કેરી ઢાંકવા તાલપત્રી લઇ દોડધામ કરવા લાગ્યા હતા પરંતુ વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા તાલપત્રીઓ ઉડી ગઇ અને યાર્ડમાં કેરીના બોક્ષ પલળી જતાં કેરી પાણીમાં તરવા લાગી હતી. યાર્ડમાં કેરીની ભારે આવક થઇ ચૂકી હોય વરસતા વરસાદમાં કેરીની હરાજી શરૃ કરવામાં આવેલ. વરસાદનાં લીધે કેરી ખાવાવાળા

અને વેપારી વર્ગ ખરીદીમાંથી હટી જતાં મોટા ભાગનો માલ કેનિંગવાળાઓએ ખરીદ કર્યો હતો.

વરસાદથી કેરીના ભાવમાં ૧૦૦ થી ૧૫૦ રૃપિયાનું ગાબડુ પડી ગયુ હતું. ૩૦૦ રૃપિયામાં વેચાતુ બોક્ષ ૧૭૦ થી ૧૮૦ માં વેંચવું પડયું હતું. કેરીના બગીચાઓમાં પાણી ભરાઇ જતાં કેરી ઉતારવાનું શકય ન હોય આવતીકાલે તાલાલ યાર્ડમાં કેરીની હરાજી બંધ રાખવામાં આવશે.

તાલાલા પંથકમાં કેરીનાં ગઢ ગણાતા ધાવા, બામણાસા, રસુલપરા, મોરૃકા, ચિત્રોડ, બોરવાવ, ભોજદે, જશાપુર સહિતનાં ગામોનાં કેરીનાં બગીચાઓમાં ભારે પવનથી આંબા તૂટી પડતા વ્યાપક નુકસાની થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉપરાંત ઉનાળુ તલ, બાજરો, અડદ, મગફળી સહિતના પાકો ખેતરોમાં તૈયાર થતા હોય વરસાદથી ખેત પેદાશોને ભારે નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઇ છે. તાલાલા પંથકમાં કેસર કેરીના પાકને ૧૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

તાલાલામાં ગોડાઉન પર વીજળી પડી : વૃક્ષો ધરાશાયી

તાલાલા શહેરમાં વાવાઝોડા સાથે પડેલ ભારે વરસાદથી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાહી થઇ ગયા હતા, શહેરમાં શાક માર્કેટ ચોકમાં એક ચાની લારી ઉપર વૃક્ષ પડયુ તેમજ પીપળવા ગીર ગામે નારણભાઇ ભગવાનભાઇ નંદાણીયાની વાશીએ ઢોર બાંધવાના ઢાળીયા ઉપર તથા અનાજ ભરવાના ગોડાઉન ઉપર વીજળી પડતા ઢાળીયું અને ગોડાઉન પડી જતા રૃ. ૧ લાખ ૫૫ હજારનું નુકસાન થયું છે. ઢાળીયામાં બાંધલ પશુઓને નાની - મોટી ઇજા થઇ હતી. તેમજ તાલાલા શહેરમાં પશુ દવાખાનાના પટાંગણમાં આવેલ એક તોતીંગ વૃક્ષ વાવાઝોડાથી ધરાશાયી થઇ ગયુ હતુ. તેમજ શહેરમાં સાસણ રોડ ઉપર અનેક દુકાનોની આગળના છાપરા ઉડી ગયા હતા. શહેરમાં છ કલાક વીજ પુરવઠો બંધ રહ્યો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=295909

No comments: