Wednesday, October 31, 2018

સિંહોના મોતનો વાઈરસ: ગીરમાં દાટવાને બદલે ખુલ્લામાં ફેંકાતા મૃત ઢોરનો નિકાલ એક કારણ

Divyabhaskar.com | Updated - Oct 04, 2018, 10:33 AM

કૂતરાં, શિયાળ જેવા પશુઓનો સંપર્કથી સિંહ વાઇરસની અડેફેટે, સિંહના મોતના ખરા કારણ પર ઢાંકપિછોડાનો પ્રકૃત્તિ પ્રેમીઓનો દાવો

  • Panjarol and gau shala animal death body thrown process are reason for lion death in Gir forest
    અમદાવાદ: અમરેલી જિલ્લાના દલખાણીયા રેન્જ 23માંથી 11 સિંહના મોત વાઇરસના કારણે જ્યારે અન્ય સિંહોના મોત પરસ્પર લડાઇ (ઇનફાઇટ) સહિતના વિવિધ કારણોસર થયા હોવાનો સરકારનો દાવો છે. સરકારના જણાવ્યા પ્રમાણે દલખાણીયા રેન્જમાં 36 સિંહને નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે જેમાંથી 3 સિંહની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. જો કે સિંહો કેવી રીતે વાઇરસની ઝપેટમાં આવ્યા એ અંગે સરકારે હજુ સુધી કોઈ નક્કર કારણો આપ્યા નથી. ગીર પંથકના પ્રકૃતિપ્રેમીઓના મતે ગીરના સિંહોના મોત પાછળ મોટાભાગે ઇનફેક્શન અને એકસાથે સાર્વજનિક વિસ્તારમાં ફેંકી દેવાયા મૃત ઢોરનું મારણ કારણભૂત છે.

    ગીરના પ્રકૃતિપ્રેમીઓના જણાવ્યા મુજબ ગીરની આસપાસની વિવિધ પાંજરાપોળો અને ગોશાળાઓમાં ગાય, બળદ સહિતના ઢોર છે. જેમાં મોટી સંખ્યામાં બીમાર પશુઓ પણ હોય છે. જ્યારે આ પ્રાણીઓ મૃત્યું પામે ત્યારે તેને દાટવાના બદલે ખુલ્લા વિસ્તારમાં ફેંકી દેવાય છે. બાદમાં સિંહ સહિતના પ્રાણીઓ મૃત ઢોરનું મારણ આરોગતા હોય છે. જ્યાંથી આ વાઇરસ ફેલાવાની શક્યતા પ્રબળ બને છે. જે વન્યપ્રાણીઓ તથા માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર છે.

    શિકાર કરીને પેટ ભરતા સિંહોની રોગપ્રતિકારક ક્ષમતા મારણ પર નિર્ભર રહેવાથી ઘટી ગઈ : રાજન જોષી, ગીર એક્સપર્ટ

    લીલીયના પ્રકૃતિપ્રેમી રાજન જોષીએ 10 દિવસ પહેલા મુખ્યમંત્રીને ગીરની સિંહ પર સીડીવીનું સંકટ તોળાઈ રહ્યું હોવાની ચેતવણી આપતો પત્ર પાઠવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટાન્ઝાનિયામાં નેશનલ પાર્કની સીમાની આસપાસના વિસ્તારમાં લોકોનો ઘણો વસવાટ હતો અને તેટલા જ પ્રમાણમાં કૂતરાઓ પણ વસતા હતાં. જેની લાળના કારણે આ વાઇરસ ફેલાયો હતો. આ વાઇરસ પાછળ સિંહ, દીપડા સહિતના પ્રાણીઓ સાથે કૂતરા, શિયાળ, વરુ વગેરેનો થતો સોશિયલ કૉન્ટેક જવાબદાર હતો. કોઈ એક સ્થળે સિંહ શિકાર કર્યા બાદ ચાલ્યો જાય પછી કૂતરા, શિયાળ વિગેરે શિકાર આરોગવા પહોંચે છે. અને સિંહ એ મારણ આરોગવા ફરીવાર આવે ત્યારે મારણમાં ભળેલી કૂતરા તથા અન્ય પ્રાણીઓની લાળ સિંહના શરીરમાં પ્રવેશે છે. જેના કારણે સિંહમાં ઇન્ફેક્શન ફેલાય છે. જો કે હવે સરકારે ગીરના 5 જિલ્લાના 110 ગામોમાં કૂતરા તથા અન્ય પશુઓનું રસીકરણ શરૂ કરવાની તથા અમેરિકાથી રસીના 300 શૉટ્સ મગાવ્યાની જાહેરાત કરી છે.
    આફ્રિકામાં સીડી વાઈરસે 30% સિંહ સાફ કર્યા હતા

    ભૂતકાળમાં આફ્રિકામાં આવેલા સેરેગીટી નેશનલ પાર્ક (ટાન્ઝાનિયા)માં 1994માં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સીડીવી)ના કારણે એક હજારથી વધુ સિંહોના મોત થયા હતા. એ જ રીતે ટાન્ઝાનિયામાં જે રીતે રોગનો ફેલાવો હતો તેના કારણો ગીર વિસ્તારમાં ઘણી રીતે મળતા આવે છે. વિશ્વના વિવિધ દેશોમાં કેનાઈન ડિસ્ટેમ્પરનો ભોગ વન્ય પ્રાણીઓ બનતા આવ્યા છે. મોટેભાગે આ વાઈરસ એવા પશુઓમાં પેદા થાય છે જે જાતે શિકાર નથી કરતા પણ વન્ય પશુઓના શિકારને પોતાનું ભોજન બનાવે છે.

    કૂતરા કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસના મોટા વાહક

    કેનાઇન ડિસ્ટેમ્બર (સીડી) વાઇરસનો ભોગ મુખ્યત્વે કૂતરા, વરુ, શિયાળ સહિતના પાલતુ તથા વન્ય પ્રાણીઓ બને છે. આ વાઇરસના કારણે પ્રાણીઓની શ્વાસોચ્છવાસ તથા પાચનક્રિયાને અસર પહોંચે છે. પ્રાણીઓની લાળ, મૂત્ર કે લોહી દ્વારા વાઇરસ અન્ય પ્રાણીઓમાં ફેલાય છે. જે કૂતરઓનું રસીકરણ ન થયું હોય તે આ વાઇરસનો ભોગ બનવાની સૌથી વધુ આશંકા હોય છે. આ વાઇરસનો ભોગ બનેલા પ્રાણીઓની કોઈ નક્કર સારવાર હજુ ઉપલબ્ધ નથી.

    ગીરમાં ખુલ્લામાં ફેંકાયેલાં મૃત ઢોર આરોગી રહેલી સિંહણ. આ પ્રકારના મારણથી વાઇરસ ફેલાવાની આશંકા વધે છે.

    'સિંહના મોત વાઇરસથી, કૂતરાં કે અન્ય કારણ જવાબદાર નહીં'
    - રાજીવ ગુપ્તા, અધિક મુખ્ય સચિવ, વન પર્યાવરણ

    સિંહનું મારણ કૂતરાં-શિયાળ દ્વારા એઠુ થતા વાઇરસ ફેલાય છે

    દલખાણીયાના સિંહો વાઇરસનો ભોગ કેમ?
    સીડી વાઇરસ છે, વાઇરસ જંગલમાં હોય છે, શિયાળમાં, વરુમાં, બિલાડીમાં, કુતરામાં હોય. ગમે તે રીતે આવી જાય ખબર ન પડે.
    કૂતરા જે વધેલું મારણ ખાય છે એ પછી સિંહ ખાય, જેનાથી ઇન્ફેકશન લાગે છે ?
    અનુમાન વધારે છે, માત્ર ચાર સિંહમાં સીડી વાઇરસ મળ્યા છે, 10 સિંહમાં ઇતરડી મળી છે, ચાર સિંહ માટે કુતરાને દોષી ગણવા વાજબી ન કહેવાય.
    ગેરકાયદે સિંહ દર્શનના કારણે બીમાર અને અશકત મારણ આપી સિંહને રાખવામાં આવે છે?
    ના, આવી કોઇ બાબતમાં તથ્ય નથી.
    શુ અન્ય રેન્જના સિંહ પર પણ ખતરો છે ?
    ના, નજીકની રેન્જના સિંહને અલગ રાખ્યા છે.
    અત્યાર સિંહ માટે સૌથી મોટો પડકાર શું છે ?
    અત્યારે તો અમે સિંહનું સંરક્ષણ કરવા પર જ સમગ્ર ધ્યાન આપીએ છીએ.
    શું ગીરના સિંહ પરની આ અત્યાર સુધીની સૌથી મોટી આફત છે ?
    નિષ્ણાંતોને બોલાવ્યા છે. જેમાં વિદેશના પણ છે.
    5 જિલ્લાનાં 100થી વધુ ગામોમાં કૂતરાં-અન્ય પશુને રસી અપાશે

    ફેક્ટ ફાઇલ

    ગીરમાં 2015ની ગણતરી મુજબ કુલ 523 સિંહ છે. 1990માં માત્ર 240 હતા. 2010 પછી વસ્તી વધી.

    ગીરના રહેવાસી જયગોપાલસિંહ ચૌહાણે કવિતારૂપે રજૂ કરેલી સાવજોની પીડા

    સિંહણની વ્યથા

    ભુરી જટાળો ઈ ગિરનો રાજા ને
    ખડ નો કોઈ 'દી' ખાય
    તારા કરેલા કર્મોથી આજ મારો કેસરિયો મુંઝાય
    સાંભળને માનવ પ્રાણી વિનવું તને ગિરની રાણી મારો ડાલામથ્થો જ્યાં ડણકે ત્યાં તો ઝાડવા ઝુકી જાય આજ ઇ જોગીડો જીવવા માટે જમથી ઝોલા ખાય સાંભળને માનવ, મારું જંગલ ઝૂંટ્યું ને
    ઝાડવા ખૂટ્યા હવે કેસરિયો ક્યાં જાય
    હવે જીવન સામે ઝૂઝવા માટે
    ઈ શિયાળીયો થઈ છુપાય
    આજ કેસરબચ્ચાને કાગડા ચૂંથે ને મારા કૂળની આબરૂ જાય
    ઓલા સાધુડા તણી તું રાખ શરમને થોડી લે એની સંભાળ
    સાંભળને માનવપ્રાણી વિનવું તને ગિરની રાણી
    https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-animal-death-body-thrown-process-are-reason-for-lion-death-in-gir-forest-gujarati-news-5965447-NOR.html

No comments: