Divyabhaskar.com | Updated - Oct 27, 2018, 04:19 AM
સાવજોની રક્ષામાં નિષ્ફળ ગયેલા વનતંત્રે બેશરમીની હદ વટાવી દીધી, મિજબાનીમાં ખડાધારના રાજકીય આગેવાન પણ હાજર રહેતા વિવાદ
-
ખાંભા: ખાંભા વનવિભાગના કર્મચારીઓ આ વિસ્તારના સાવજોની રક્ષા કરવામા ભલે પાંગળા હોય પરંતુ મધરાતે ઓફિસમા ભજીયા પાર્ટી કરવામા પાવરધા છે. ખડાધારની સીમમા દેવીપુજક શખ્સે સિંહણ પર કુહાડીથી હુમલો કરતા આ કેસમા તેની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ પર લેવામા આવેલ છે. આ રિમાન્ડ દરમિયાન ગઇરાત્રે ખડાધારના એક રાજકીય આગેવાનની ઉપસ્થિતિમા આરોપી અને વનકર્મીઓ વિગેરે દ્વારા ભજીયા પાર્ટી ગોઠવવામા આવતા ખાંભા પંથકમા ચકચાર મચી છે.
પ્રતિકાત્મક તસવીર
આરોપીને રિમાન્ડ દરમિયાન જલસા કેમ કરાવવા તે કદાચ ખાંભાના વન અધિકારીઓ અને વન કર્મચારીઓ સારી રીતે જાણે છે. ગઇકાલે તેમણે આવુ જ કર્યુ હતુ. તુલશીશ્યામ રેંજમા ખડાધારના રેવન્યુ વિસ્તારમા સિંહણ પર કુહાડીથી હુમલો કરી તેને ગંભીર ઇજા પહોંચાડવાના કેસનો આરોપી બે દિવસના પોલીસ રિમાન્ડ પર હતો. તે દરમિયાન એક રાત્રીના સમયે આ આરોપીને જાણે સવલત આપવામા આવતી હોય તેમ ભજીયા પાર્ટી ગોઠવવામા આવી હતી. તેમા વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તો સામેલ હતા જ સાથે સાથે ખાંભાના એક રાજકીય આગેવાન પણ જોડાયા હતા.
આમ તો આ ભજીયા પાર્ટી ચર્ચાના ચકડોળે ન ચડત પરંતુ ચણાનો લોટ ખુટી પડતા વનકર્મીઓ ઉભી બજારે મધરાતે ચણાનો લોટ શોધવા નીકળ્યાં હતા. જેના કારણે શહેરભરમા આ ભજીયા પાર્ટી ચર્ચાનો વિષય બની હતી. સાવજોની રક્ષા માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. છતા વનતંત્ર તેની રક્ષામા ઉણુ ઉતરે છે. ખરેખર તો સાવજો પ્રત્યે નિર્દય બનેલા શખ્સો સામે કાયદાએ કડક હાથે કામ લેવુ જોઇએ પરંતુ મફતનુ ખાવા ટેવાયેલા ભ્રષ્ટ વનકર્મીઓ આવા આરોપીઓ સાથે પણ સાંઠગાંઠ કરી લે છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-NL-party-of-the-workers-with-a-murderous-assault-on-the-lioness-in-the-shoulder-gujarati-news-5974754-NOR.html
No comments:
Post a Comment