Wednesday, October 31, 2018

સિંહ સુરક્ષાનો માસ્ટર પ્લાન: પોલીસ-વનવિભાગની સંયુકત ચેકપોસ્ટ ઉભી થશે

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 12:12 AM

જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વન અધિકારીઓની બેઠક, 10 ગામોમાં રસીકરણની કામગીરી પુર્ણ, વાહનોનું ચેકીંગ સઘન બનાવાશે

After the death of 23 lions, now the collector and forest department's safety seats
કલેક્ટર અને વન વિભાગ સહિતના અધિકારીઓની સિંહોની સલામતી માટે બેઠક
અમરેલી: દલખાણીયા રેંજમા 23 સાવજોના મોત બાદ હવે તંત્ર સાવજોની સુરક્ષા માટે એક પછી એક કામ કરી રહ્યું છે. આજે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામા અમરેલી ખાતે વન અધિકારીઓની બેઠક મળી હતી. જેમા જિલ્લા કલેકટરે પોલીસ અને વનવિભાગની સંયુકત ચેકપોસ્ટ ઉભી કરવા સુચના આપી હતી. આ ઉપરાંત વાહનોનુ સઘન ચેકીંગ કરવા પણ તાકિદ કરાઇ હતી. તેમણે જણાવ્યું હતુ કે ગીરકાંઠાના 10 ગામોમા પશુઓના રસીકરણની કામગીરી પુર્ણ કરાઇ છે.

અમરેલી જિલ્લાના ગીરકાંઠાના વિસ્તારમા સાવજોની સુરક્ષા માટે પાલતુ અને રખડતા પશુઓમા રસીકરણ કરવા તંત્ર હાલ ઉંધા માથે કામ કરી રહ્યું છે. આજે જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામા ધારી ખાતે વન અધિકારીઓની બેઠક બોલાવવામા આવી હતી. જેમા કલેકટરે સરકારના નિયમો અને સુચનાઓનુ પાલન કરી સાવજોની રક્ષા માટે પુરતી તકેદારી રાખવા તાકિદ કરી હતી. તેમણે આ વિસ્તારમા વન અને પોલીસ વિભાગની સંયુકત ચેકપોસ્ટ ઉભી કરવા પણ સુચના આપી હતી.

જિલ્લા કલેકટરે જણાવ્યું હતુ કે વન વિસ્તારની આજુબાજુના વિસ્તારમા સતત પેટ્રોલીંગ થવુ જોઇએ અને બહારથી અવરજવર કરતા વાહનોનુ સઘન ચેકીંગ કરવામા આવે. તેમણે કર્મચારીઓ પોતાની ફરજનુ પાલન કરે અને ગેરકાયદે પ્રવૃતિ થવા ન દે તેવી તાકિદ કરી હતી. ઇકો સેન્સેટીવ ઝોન વિસ્તારમા કોઇપણ ગેરકાયદેસર પ્રવૃતિઓ ન થાય તે માટે પગલા લેવા તેમણે જણાવ્યું હતુ. તેમણે એમપણ જણાવ્યું હતુ કે ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓએ મર્યાદા અને મુશ્કેલીઓ બાબતે ધ્યાન દોરવાનુ રહેશે.
બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી નિરગુડેએ જણાવ્યું હતુ કે પશુઓના રસીકરણની કાર્યવાહી કરવામા આવી છે. રસીકરણ ઝુંબેશમા તમામ પશુઓને આવરી લેવા સુચારૂ આયોજન કરવામા આવ્યું છે. આ માટે સંબંધિત તલાટી મંત્રીઓની પણ મદદ લેવામા આવશે. વન સંરક્ષક પી.પ્રસન્નાએ જણાવ્યું હતુ કે વનવિભાગ દ્વારા સખત પગલાઓ ધરવામા આવશે. વન વિસ્તારની આજુબાજુના વિસ્તારોમા વન અને પશુપાલન વિભાગ દ્વારા સંયુકત રીતે ઝુંબેશ હાથ ધરીને નજીકના તમામ વિસ્તારોના પશુઓની વિગતો આપવામા આવશે. અહી નાયબ પોલીસ અધિકારી દેસાઇએ જણાવ્યું હતુ કે સિંહ સિંહણના સંવર્ધન માટે નડતરરૂપ તત્વોની ઓળખ કરી તેમના સામે કાયદાકીય પગલા લેવામા આવશે. બેઠકમા પ્રાંત અધિકારી આર.કે.ઓઝા, વન સંરક્ષક ડો. પ્રિયંકા ગેહલોત, એસીએફ વિનય ચૌધરી, ડીવાયએસપી માવાણી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
સઘન મોનીટરીંગ-ચેકીંગ હાથ ધરાશે
ઓકટોબરથી ફેબ્રુઆરી દરમિયાન વન વિસ્તારમા પ્રવાસીઓની સંખ્યામા ધસારો થવાની સંભાવના રહે છે. સતત અને સઘન મોનીટરીંગ ચેકીંગ તથા વખતો વખત આપવામા આવતી સુચનાઓનુ સંબંધિતોએ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે તેવી પણ કલેકટરે સુચના આપી હતી.
કુતરાઓને સ્ટરીલાઇઝ કરવામાં આવશે
અહી રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા કુતરાઓને સ્ટરીલાઇઝ કરવામા આવશે. અંદાજે 21 દિવસમા લગભગ 300 થી 350 કુતરાઓને પકડીને સ્ટરીલાઇઝ કરવાની કામગીરી કરાશે.
તસવીર અને માહિતી: જયદેવ વરૂ, અમરેલી

No comments: