Thursday, April 30, 2020

ગીરના સિંહોમાં નવો રોગ વકર્યો હોવાની આશંકા, 6થી વધુ સિંહો સારવાર હેઠળ

  • જશાધાર એનિમલકેર સેન્ટરમાં સિંહ પરિવાર નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યો

જયેશ ઓધિયા

Apr 19, 2020, 11:06 PM IST

જૂનાગઢ. ગીર જંગલમાં તુલસીશ્યામ રેન્જમાં સિંહોમાં રોગના નવા લક્ષણો જોવા મળ્યા છે. આ ઘટનાની જાણ થતા છેલ્લા 2 દિવસથી વનવિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વનવિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાલ જશાધાર એનિમલકેર સેન્ટરમાં સિંહણ તથા સિંહબાળને સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત એક સિંહ બાળનું મોત થયું હોય તેવી જાણકારી પણ મળી છે. જ્યારે આ મામલે વનવિભાગે મૌન ધારણ કર્યું છે. જ્યારે એક અધિકારીને આ મામલે પૂછતા તેમણે ‘સબસલામત’ હોવાનું જણાવ્યું છે.

સિંહોના બ્લડ સેમ્પલ તપાસ અર્થે મોકલાયા

આ મામલે વનવિભાગ દોડતું થયું છે. વનવિભાગના અધિકારીઓએ આ મામલે બેઠક યોજી હતી. જેમાં સિંહમાં દેખાતા રોગના લક્ષણોની ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ રોગ વધુ ફેલાય નહીં તે માટે કેવા પગલાં લેવા જોઇએ તે માટે ચર્ચા કરવામાં આવી હતી. હાલ જે સિંહોમાં આ પ્રકારના રોગના લક્ષણો જોવા મળ્યા છે તેમને જશાધાર એનિમલ સેન્ટરમાં વેટરનિટી તબીબોના નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના બ્લડ સેમ્પલ પુનાની લેબમાં પરિક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. હાલ તો રિપોર્ટ આવ્યા બાદ કયો રોગ છે તે જાણી શકાશે.

રિપોર્ટ ન આવે ત્યાં સુધી રોગની જાણકારી મળશે નહીં
તુલસીશ્યામ રેન્જમાં સિંહમાં જે રોગના લક્ષણો દેખાતા હતા તે રોગ CDV (કેનાઇન ડિસેમ્પર વાયરસ) હોવાની આશંકા વનવિભાગના સૂત્રોએ જણાવ્યું છે. હાલ આ તમામ સિંહોનું પરિક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી રોગની જાણકારી મળી શકશે નહીં.

સમગ્ર સિંહ પરિવારને નિરિક્ષણ હેઠળ રાખ્યો
વનવિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સિંહ તથા સિંહબાળમાં જોવા મળતો રોગ ચેપી છે કે નહીં, તે કહી શકાય નહીં. પરંતુ સિંહમાં શરદી અને ઉધરસ જોવા મળી રહ્યા છે. તેથી વનવિભાગે આ સિંહ પરીવારમાં 6 સિંહબાળ, નર અને માદા મળી તમામને નિરિક્ષણ હેઠળ રાખ્યા છે.

વનવિભાગનું સિંહો પર મોનિટરિંગ ચાલુ
થોડા સમય અગાઉ દલખાણીયા રેન્જમાં સિંહોના મોત થયા હતા. ત્યાં જ સિંહોમાં CDV નામના રોગની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે વનવિભાગમાં આ મામલે મિટિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દલખાણીયા જેવી ઘટના બને નહીં તે માટે વનવિભાગ સતર્ક થયું  છે. જૂનાગઢ તથા જામવાળાના વેટરનિટી તબીબો સિંહોનું સતત મોનિટરિંગ કરી રહ્યાં છે.

(અહેવાલ અને માહિતીઃ જયેશભાઈ ઓધિયા, ઉના)

https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/gir-lions-are-suspected-to-have-a-new-disease-with-more-than-6-lions-under-treatment-in-junagadh-127201520.html

No comments: