Thursday, April 30, 2020

ગીર બોર્ડર, ગોંડલમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ, જામકંડોરણા નજીક વીજળી પડતા ખેતમજૂરનું મોત


વીજળી પડતા જામકંડોરણાના કાનાવડાળા ગાના યુવાન મજૂરનું મોત

  • કાલાવડના નવાગામ, ઉમરાળા, માછરડા, ભંગડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી ઝાપટા
  • બંને ખેતમજૂરો ઝાડ નીચે ફોનમાં વાત કરતા, એકને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો
  • તલ, બાજરી, કેરી, ડુંગળી સહિતના પાકને નુકસાન પહોંચ્યું

દિવ્ય ભાસ્કર

Apr 27, 2020, 08:04 AM IST

રાજકોટ. ખાંભા પંથકમાં આજે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ખાંભા અને ગીર બોર્ડરના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ખાંભા શહેર, નાનુડી, ઉમરીયા, તતાણીયા, લાસા, ગિદરડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. દિવાળી પર તૈયાર થયેલા પાક પર વરસાદ પડતા ખેડૂતોને નુકાસન થયું હતું. ત્યારે હવે ઉનાળુ અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. રાજકોટના કાળમેઘડા ગામે ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભર ઉનાળે કાળમેઘડા તેમજ આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જામકંડોરણા  તાલુકાના કાનાવડાળા ગામે વૃક્ષ પર વીજળી પડતા એક મજૂરનું મોત નીપજ્યું હતું જ્યારે એકને ઇજા પહોંચતા 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. 

બંને ખેતમજૂર ઝાડ નીચે ઉભા રહી ફોનમાં વાત કરતા હતા

કાનાવડાળા ગામે ઝાડ નીચે ઉભા રહીને બે ખેતમજૂરો ફોન પર વાત કરતા હતા.  ત્યારે ઝાડ ઉપર વીજળી પડી હતી. આથી એક મજૂરનું દાઝી જતા મોત નીપજ્યું હતું. જ્યારે બીજા મજૂરને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.  મૃતક મજૂરનું નામ સુથારસીંગ મંગલસીંગ જમરા (ઉ.વ.30) હોવાનું જાણવા મળ્યું છે અને તે મધ્યપ્રદેશનો વતની હતો.

ગીરગઢડાના જંગલ વિસ્તામાં અમીછાંટણા 

ગીરગઢડાના જંગલ વિસ્તાર સહિત ધોકડવા, મોતીસર અને આસપાસના વિસ્તારમાં પવન સાથે અમીછાંટણા પડ્યા હતા. ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાંયુ વાતાવરણ જોવા મળ્યું હતું. ગોંડલમાં અસહ્ય બાફારા અને વાદળછાંયા વાતાવરણ વચ્ચે છાંટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ગોંડલના આંબરડી, કોલીથડ સહિતના આજુબાજુના ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. જામકંડોરણામાં પણ વરસાદ પડ્યો હતો. 

એક તરફ કોરોના અને બીજી તરફ વરસાદ વિઘ્ન બન્યો
હાલ ખેડૂતોના ખેતરોમાં ડુંગળી, તલ, બાજરી જેવા પાકો તૈયાર થવાની તૈયારીમાં છે. ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ વરસાદ વિઘ્ન બન્યો છે. ગોંડલ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. બેટાવડ ગામમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે મેઘાવડ ગામે ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. કાલાવડના નવાગામ, ઉમરાળા, માછરડા, ભંગડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી ઝાપટા વરસ્યા હતા.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા/દેવાંગ ભોજાણી)

Source: https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/rain-fall-in-saurashtra-and-khanbha-area-127247338.html

No comments: