Thursday, April 30, 2020

600થી વધુ સિંહ પર હવે 24 કલાક નજર


સક્કરબાગ ઝૂમાં તો પાછળનાં ભાગે ક્વોરન્ટાઇન ઝોન બનાવ્યો જ છે. જેમાં ખાસ તો એક પાંજરાને અડીને બીજું પાંજરું ન હોય તેનું ખાસ ધ્યાન રખાયું છે.
સક્કરબાગ ઝૂમાં તો પાછળનાં ભાગે ક્વોરન્ટાઇન ઝોન બનાવ્યો જ છે. જેમાં ખાસ તો એક પાંજરાને અડીને બીજું પાંજરું ન હોય તેનું ખાસ ધ્યાન રખાયું છે.

  • ન્યુયોર્કના ઝૂમાં વાઘણને કોરોના પોઝિટીવ આવતાં વનવિભાગ એક્શન મોડમાં
  • ઝૂ , દેવળિયા અને આંબરડી સફારી પાર્ક, બરડા જીનપુલ, જશાધાર-સાસણ સહિતના એનિમલ કેર સેન્ટરોમાં પણ સિંહ-વાઘ-દીપડાને કોરોનાના લક્ષણો દેખાશે તો કવોરન્ટાઇન

દિવ્ય ભાસ્કર

Apr 07, 2020, 03:57 AM IST

જૂનાગઢ . માનવીમાં કોરોનાને પગલે અડધી દુનિયા લોકડાઉન થઇ ગઇ છે. ત્યારે અમેરિકાના ન્યુયોર્કનના ઝૂમાં એક વાઘણમાં કોરોના પોઝિટીવના લક્ષણો જોવા મળ્યા છે. આથી ભારતમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ દેશના તમામ ઝુમાં બિલાડી કૂળના પ્રાણીઓ, વાનર અને તેના કૂળના પ્રાણીઓના પાંજરાને ડીસ ઇન્ફેક્ટન્ટ કરી તેઓ પર 24 કલાક દેખરેખ રાખવાની સુચના આપવામાં આવી છે. આ સુચનાને પગલે ગિર વિસ્તારના તમામ ઝૂ, સફારી પાર્ક, એનિમલ કેર સેન્ટર, જીન પુલ વગેરેમાં સિંહ, વાઘ અને દિપડાના પાંજરા ડીસઇન્ફેક્ટન્ટ કરી તેના કેર ટેકરોને પણ સેનિટાઇઝ કરવાની સુચના અપાઇ છે. 

સિંહ-દીપડાને કોરોનાના લક્ષણો જણાય તો તુરંત ઉપરી અધિકારીને જાણ કરવાની સુચના
સાથે જંગલમાં ફરતા ટ્રેકરોને પણ સિંહ-દીપડાને કોરોનાના લક્ષણો જણાય તો તુરંત ઉપરી અધિકારીને જાણ કરવાની સુચના જારી કરવામાં આવી છે. આ અંગેની વધુ વિગતો આપતાં જૂનાગઢના સીસીએફ ડી. ટી. વસાવડાએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની સુચના મુજબ, સક્કરબાગ ઝૂ, દેવળિયા સફારી પાર્ક, આંબરડી સફારી પાર્ક, બરડા જીનપુલ, વનવિભાગના તમામ એનિમલ કેર સેન્ટરોમાં તેની અમલવારી શરૂ કરી દેવાઇ છે. આ સુચના અંતર્ગત જેતે સ્થળે વેટરનરી ડોક્ટર સિંહ-દીપડા અને વાઘ સહિત બિલાડી કૂળના તમામ પ્રાણીઓ, વાનર જેવા પ્રાણીઓનું સીસી ટિવી કેમેરાથી 24 કલાક મોનિટરીંગ કરશે. અને પ્રાણીને કોઇ તકલીફ જણાય તો તુરત તેની તપાસ કરશે. આ સુચના અંતર્ગત બધાજ પાંજરાને ડીસ ઇન્ફેક્ટન્ટ કરવામાં આવશે. પ્રાણીઓના કેર ટેકર, તેને ફૂડ આપનાર, પાંજરાની સફાઇ કરનાર તમામને માસ્ક અને હાથ મોજાં પહેરીનેજ પાંજરા પાસે જવા દેવામાં આવશે. આ માટે તેઓને પણ પ્રોટેક્શન કીટ અપાઇ છે.

પ્રાણીઓમાં આ લક્ષણો પર વધુ નજર
તાવ, શ્વાસ લેવામાં તકલીફ, નાકમાંથી પ્રવાહી નિકળવું, ઉધરસ ખાવી, કફ નિકળવો. આવા સંજોગોમાં વેટરનરી સર્જન તુરત તેનો નમુનો લઇ લેબમાં મોકલી આપશે.

પ્રાણીઓના રિપોર્ટ ક્યાં થશે ?
ઝૂ અને વન્ય પ્રાણીઓને થતા રોગોનો ટેસ્ટ કરાવવા ઇન્ડિયન વેટરનરી રીસર્ચ ઇન્સ્ટીટ્યુટની બરેલી, હિસ્સાર, ભોપાલમાં લેબોરેટરી છે. આ પ્રાણીઓના ટેસ્ટ ત્યાં કરવામાં આવશે.

ટ્રેકરોને પણ સુચના અપાઇ
ગિર વિસ્તારમાં સિંહોનું ટ્રેકીંગ કરતા ટ્રેકરો, ફિલ્ડ સ્ટાફને પહેલેથીજ માસ્ક સહિતની તકેદારી રાખવા સુચના અપાઇ છે. પણ હવે તેઓને સિંહ-દીપડા જેવા પ્રાણીઓમાં પણ ઉપરોક્ત લક્ષણો દેખાય તો તુરત ઉપરી અધિકારીને જાણ કરવાની સુચના પણ આપવામાં આવી છે. -ડી. ટી. વસાવડા, સીસીએફ
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/now-watchout-24-hours-over-600-lions-127119037.html

No comments: