Thursday, October 30, 2014

સાપનેસનો માલધારી આઠ દિવસથી ગૂમ.

Bhaskar News, Visavadar | Oct 29, 2014, 00:39AM IST
- આક્ષેપ: છોડવડીનાં આરએફઓ દ્વારા માર માર્યાનો આક્ષેપ : ગીરગઢડા પોલીસે ફરિયાદ ન લેતા પ્રર્વતતો રોષ
- આ મુદ્દે ડીસીએફને કરી ઉગ્ર રજૂઆત

વિસાવદર: છોડવડી રેન્જમાં વનવિભાગનાં એક અધિકારીએ ધમકી આપી માર માર્યાનાં આક્ષેપ સાથે એક માલધારી 8 દિ’થી ગૂમ થતા ભારે વિવાદ સાથે ચકચાર પ્રસરી છે. છોડવડી રેન્જનાં ઇ.આર.એફ.ઓ. એલ.ડી.પરમાર દ્વારા તા.21નાંરોજ સાપનેસનાં માલધારી પીઠા દેસા ગઢવીને બોલાવી ખોટા મારણ કેસમાં સહી કરવા બાબતે દબાણ કરતા માલધારીએ સહી કરવાની ના પાડતા આર.એફ.ઓ. પરમાર તથા ઇન્ચાર્જ ફોરેસ્ટર મહેતાએ માર મારી જંગલમાંથી બહાર કાઢી મુકવાની ધમકી આપતા ભીમા દેસા નામનો માલધારી ગત તા.21નાં રોજ ગુમ થઇ ગયો છે.

આર.એફ.ઓ. ફોરેસ્ટર અને માલધારીની બબાલને લઇ પીઠા દેસાની પત્નીએ કેરોસીન છાંટી આપઘાતનો પ્રયાસ પણ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે સાપનેસનાં માલધારીના જણાવ્યા પ્રમાણે આર.એફ.ઓ. પરમાર અમારા નેસડાઓમાં આવી અમોને બેફામ ભૂંડી ગાળો આપી હુ વજુભાઇ વાળાનો સગો છુ મારૂ કોઇ કાઇ નહીં બગાડી શકે તેમ કહી દરરોજ અમોને ધમકીઓ આપે છે કે જંગલની બહાર કાઢી મૂકી તેમ કહી બેફામ ગાળો આપી ત્રાસ ગુજારે છે.

અમારા સાપનેસમાં પાણીની પણ સમસ્યા છે તે બાબતે પણ અનેકવાર અમોએ રજૂઆત કરવા છતા જાણી જોઇને હેરાન કરવાનાં ઇરાદે પાણીની સમસ્યા પણ હલ કરવામાં આવતી નથી. માલધારી પીઠા દેસા ગુમ થયા બાબતે સાપનેસનાં માલધારીઓ ગીરગઢડા પોલીસમાં ફરિયાદ કરવા ગયા ત્યારે પોલીસે ફરિયાદ લેવા ના પાડી હોવાનું પણ બહાર આવ્યું છે.

શું કહે છે ગીર પશ્ચિમ ડી.સી.એફ.

આ બાબતે ગીર પશ્ચિમના ડીસીએફ ડો.રમેશકુમારે જણાવ્યું હતુ કે આ પીઠા દેશા ગઢવી બાબતની મને કોઇ જાણ નથી માલધારીનો કોઇ પ્રશ્ન હોય તો મને રૂબરૂ મળી શકે છે. તથા આ બાબતે ઇઆરએફઓ એલ.ડી.પરમારનો ફોન પર સંપર્ક કરવાની પ્રયત્ન કરતા કવરેજ વિસ્તાર બહાર હતા. પરંતુ માલધારીઓનાં આક્ષેપ મુજબ ડીસીએફને સમગ્ર હકીકતથી વાકેફ કરેલ હોવાનું જણાવવા છતા ડીસીએફ મને કોઇ જાણ ન હોવાનું પત્રકારોને જણાવ્યું હતુ઼.

No comments: