Friday, October 31, 2014

ગિરનારની આગોતરી પરિક્રમાને બ્રેક.

Oct 31, 2014 00:01
  • કાચા માર્ગ ઉપર ચીકાશ વાળી માટી અને વહેતા પાણીને લીધે અગવડતા પેદા થઈ શકે છે ઃ દેવદિવાળીએ ૩ જી તારીખથી જ વિધિવત પરિક્રમા શરૃ કરવા અપિલ
જૂનાગઢ : ગરવા ગિરનારની પરંપરાગત પરિક્રમા વિધિવત શરૃ થાય તેના બે-ત્રણ દિવસ પહેલા આગોતરી પરિક્રમા શરૃ થઈ જતી હોય છે. પરંતુ નિલોફર વાવાઝોડાની શક્યતાને પગલે આગોતરી પરિક્રમા પર આ વખતે બ્રેક મારી દેવામાં આવી છે. વનતંત્રએ આગામી ૭ર કલાક સુધી યાત્રિકોને પરિક્રમા માર્ગ ઉપર ન જવા ચેતવણી આપી છે. વરસાદની સ્થિતિમાં જંગલના રસ્તા ચીકાશ વાળા થઈ જતા હોવાથી અને વહેતા પાણીને લીધે અગવડતા પેદા થઈ શકે તેમ ન હોય વિધિવત રીતે તા.૩ થી જ પરિક્રમા શરૃ કરવા અપિલ કરવામાં આવી છે.
ગરવા ગિરનારની પરિક્રમા આગામી તા.૩ ના રોજથી શરૃ થઈ રહી છે. દર વર્ષની પ્રણાલી અનુસાર ગીરદી અને ગંદકીથી બચવા ઉતાવળિયા યાત્રિકો દ્વારા શનિવારથી જ પરિક્રમાનો પ્રારંભ કરી દેવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરાતી હતી. તેમજ તંત્રએ આવી ધારણાએ જ તૈયારીઓ પણ આદરી દીધી હતી. પરંતુ નિલોફર વાવાઝોડાની અસરની શક્યતાએ તંત્રએ આગોતરી પરિક્રમાને બ્રેક મારી દીધી છે. જૂનાગઢ વનવિભાગના નાયબ વન સંરક્ષક આરાધના શાહૂએ જણાવ્યું છે કે, ભારે વરસાદની આગાહી થઈ રહી છે. વરસાદ પડે તો જંગલ વિસ્તારના કાચા રસ્તાની ચીકાસવાળી માટીને લીધે મૂશ્કેલીઓ પેદા થઈ શકે છે. આ ઉપરાંત વન્યપ્રાણીઓ પણ જંગલની બહાર નિકળી જાય તેવી ભીતિ રહે છે. જેથી યાત્રિકોની સલામતી માટે આગામી ૭ર કલાક સુધી પરિક્રમા માર્ગ ઉપર ન જવા સુચના આપવામાં આવી છે. આગામી તા.૩ ને દેવદિવાળીના દિવસથી જ વિધિવત પરિક્રમા શરૃ કરવા યાત્રિકોને અપિલ કરવામાં આવી છે.
  • વન્યપ્રાણી બહાર નિકળે તો કંટ્રોલરૃમને જાણ કરવા અનુરોધ
વરસાદની શક્યતાને લીધે કોઈ વન્યપ્રાણી જંગલની બહાર પરેશાન થતું અનેમૂશ્કેલીમાં મૂકાયેલું જોવા મળે તો ગિર પશ્ચિમ વનવિભાગ ૦ર૮પ-ર૬૩૧ર૪૬, ગિર પૂર્વ વનવિભાગ ૦ર૭૯૭-રરપ૦૪૪ અને વન્યપ્રાણી વિભાગ ૦ર૮૭૭-ર૮પપ૦૮ પૈકી કોઈ પણ કંટ્રોલરૃમ ખાતે જાણ કરવા અનુરોધ કરાયો છે.
  • પરિક્રમા માટે પોલીસ સ્ટાફને આજે ફરજ સોંપણી કરાશે
ગિરનારની પરિક્રમા દરમિયાન ચાર જિલ્લામાંથી પોલીસ કાફલો તૈનાત કરવામાં આવે છે. આશરે એકાદ હજાર પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં રાખવામાં આવે છે. આ પોલીસ કર્મચારીઓને આવતીકાલે તા.૩૧ ના રોજ ફરજની સોંપણી કરવામાં આવશે. પરિક્રમા માર્ગ ઉપરાંત જૂનાગઢ શહેરમાં પણ પોલીસની રાવટી ઉભી કરી બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.
  • જળક્રાંતિ ટ્રસ્ટ આયોજીત ગીરનાર પરીક્રમા રદ્દ
રાજકોટ : સંભવિત વાવાઝોડાને લીધે જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા તા.૧ના રોજ યોજાનારી ગીરનાર પરીક્રમા તેમજ તા.૩૧ શુક્રવારે ભવનાથ તળેટીનું સંમેલન રદ્દ કરવામાં આવ્યાનું સંસ્થાએ જણાવ્યુ છે.

No comments: