Thursday, October 30, 2014

રેવન્યુ વિસ્તારમાં સિંહોના મુખમાંથી મારણનો કોળિયો ઝૂંટવતું વનતંત્ર..!

Oct 28, 2014 00:01

  • રાત-ઉજાગરા ન કરવા પડે તે માટે વનવિભાગ દ્વારા સાવજોની પજવણીથી રોષ
વિસાવદર :  દિવાળીના નવા દિવસો બધા માટે સારા જ હોય છે પણ રેવન્યુમાં મારણ કરતા સિંહો માટે નવા દિવસો ખરાબ હોય તેવું લાગે છે.કારણ કે સિંહો મારણની શોધમાં ભટકી ભટકી ચાર પાંચ દિવસે માંડ માંડ શિકાર મળે ત્યારે મોઢે આવેલો કોળીયો વન વિભાગ ઝુંટવી લે છે.જો આવું ન કરે તો વન વિભાગના ગાર્ડથી લઈ આરએફઓ સુધીના અધિકારીઓને રાત ઉજાગરા કરી સિંહોને લોકો દ્વારા પજવણી ન થાય તે માટે ધ્યાન રાખવું ન પડે તેથી જેવું મારણ થાય કે તુરત જ મારણ ભરી જંગલમાં નાખી દે છે.
હાલ દિવાળીની સીઝન હોય ગીર તથા આસપાસના ગામડાઓના લોકો પોત પોતાના માદરે વતન આવ્યા હોય તથા બહારના પ્રવાસીઓનો પણ જમાવડો હોય છે ત્યારે સિંહો દ્વારા જંગલ વિસ્તારમાં મારણ મળવું લોઢાના ચણા ચાવવા સમાન છે.જેથી સિંહો ભટકી ભટકીને રેવન્યુ વિસ્તારમાં સહેલાઈથી મારણ મળતું હોવાથી રેવન્યુ વિસ્તારમાં મારણ કરે છે. પણ વન વિભાગને જેવા મારણના સમાચાર મળે તેવા તુરત જ ગાડી લઈ મારણ ભરી જંગલ વિસ્તારમાં મારણ નાખી દે છે.પણ સિંહોને મારણ કરવામાં કેટલી તકલીફ પડી હોય ? કેટલા દિવસે મારણ મળ્યુું હોય તેની કોઈ ફુરસદ લેવામાં આવતી જ નથી. રેવન્યુ વિસ્તારમાં મારણ થાય એટલે જે તે ખેડૂતને તેના માલ ઢોરના પૈસા ચુકવવાના તો છે જ પણ જે પૈસા સિંહો માટે ચુકવવાના છે તેને તો ભુખ્યા જ રહેવાનો વારો આવે છે.જેથી સરકાર દ્વારા ખેડૂતને જે સહાયરૃપે ચુકવવામાં આવે છે તેનો પણ હેતુ સરતો નથી અને બિચારા સિંહોને આમથી તેમ ભટકવાનો વારો આવે છે. જો વન વિભાગ સિંહોએ કરેલ મારણને જે તે સ્થળ પર જ રાખે તો સિંહોને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડતા હોય છે,પણ લોકો સિંહને કનડગત ન કરે તે જોવાની જવાબદાર વન વિભાગની હોય છે જે સ્થળે મારણ થાય ત્યાં વન વિભાગનો સ્ટાફ ખડે પગે હાજર રહેતો સિંહો ટેસથી પોતાના પેુટનો ખાડો ભરી શકે,પણ સ્ટાફને રાત ઉજાગરા કરવા ન પડે તે માટે મારણને લઈ જવાનું વન વિભાગ મુનાસીબ માને છે. પ્રકૃતિપ્રેમીઓના જણાવ્યા મુજબ સિંહો દ્વારા જે મારણ કરવામાં આવે તે વન વિભાગને લઈ જવાનો કયો અધિકાર છે ?
  • પેટનો ખાડો પુરવા જંગલનો રાજા બન્યો બિચારો
વિસાવદર ઃ સિંહો પોતાના પેટનો ખાડો પુરવા મોટા ભાગે ૯૦ ટકા મારણ જંગલની બહાર રેવન્યુ વિસ્તારમાં કરતા હોય છે કારણ કે ત્યાં સહેલાઈથી મારણ મળી જાય છે,પણ દિવાળીના દિવસોમાં જંગલના રાજાને વન વિભાગે બિચારો બનાવી દીધા છે.
 સિંહોના મોઢેે આવેલો કોળીયો વન વિભાગે ઝૂંટવી લેવાથી રાજામાંથી રંક બની જઈ પોતાનો પિતો ગુમાવી દેતો હોય છે અને વન વિભાગની દાઝ અન્ય લોકો પણ ઉતરે એવું પણ બની શકે છે.સિંહ દ્વારા મારણ કરવામાં આવે છે તેના ત્રણ દિવસ સુધી ત્યાં ચક્કરો લગાવતા હોવાનું ખુદ વન વિભાગ કહે છે, પણ મારણ લઈ વન વિભાગ જતું રહે છે ત્યાર બાદ લોકો દ્વારા જો સિંહ આવે ત્યારે તેની પજવણી કરવામાં આવે તો કોની જવાબદારી ? મારણ લઈ ગયા બાદ વન વિભાગ સ્થળ પર ફરકતું પણ નથી જેથી કોઈ બનાવ બને તો જવાબદારી કોની ? તે સવાલ ઉઠયો છે.
  •  વન વિભાગના ઈરાદાઓને ખુલ્લા પાડવા પ્રકૃતિપ્રેમીઓએ વોચ ગોઠવી
વિસાવદર ઃ પ્રકૃતિપ્રેમીઓની ટીમ દ્વારા સાસણ,તાલાલા,મેંદરડા, વિસાવદર અને અન્ય ગામડાઓમાં એક ટીમ તૈયાર કરી વન વિભાગના અધિકારીઓ દ્વારા સરકારી ગાડીઓમાં પોતાના વહાલાઓને સિંહ દર્શન માટે લઈ જવામાં આવી રહ્યાની હોવાની ફરિયાદ બાબતે વોચ રાખી તેના ફોટા, વીડીયોગ્રાફી કરી પુરાવા સાથે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાનો તખ્તો ગોઠવવામાં આવ્યો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યુું છે. જેમાં મોટાભાગે હાલ સાસણમાં ભંભાફોળ, વિસાવદર નાકુ, પર પરમીટોના ટાઈમટેબલ મુજબ સરકારી ગાડીઓમાં ખાનગી માણસોનો જમાવડો થઈ રહ્યો છે અને રાત્રીના અધિકારીઓની ગાડી હોવાની બિન્દાસ્ત સિંહ દર્શન થઈ રહ્યા છે, ત્યારે આ બાબતે પ્રકૃતિપ્રેમીઓની ટીમ આગામી દિવસોમાં કેવા કડાકા ભડાકા કરે તે જોવું રહ્યું.
  •  મારણ જંગલમાં લઈ જવા પાછળ વન વિભાગનો બદઈરાદો
વિસાવદર ઃ રેવન્યુ વિસ્તારમાં જે મારણ જંગલમાં લઈ જવામાં આવે તે મારણને સિંહોના લોકેશનવાળ જગ્યાએ કે જે રસ્તા લોકો માટે બંધ હોય છે તેવી જગ્યાએ મારણને નાખી દેવામાં આવે છે.અને જો ત્યાં અન્ય સિંહો કયારેક આવી ચડે તો વન વિભાગના અધિકરીઓ તથા તેના સ્ટાફના મિત્રો,સગાવહાલાઓ,મહેમાનો માટે પોતાની સરકારી ગાડીઓમાં લઈ જઈ ગેરકાયદે સિંહો બતાવવામાં આવી રહ્યા છે. લાગવગવાળાઓને માટે સિંહ દર્શન સહેલાઈથી થાય છે.

No comments: