Thursday, October 30, 2014

તુલશીશ્યામમાં ભાવિકોનું ઘોડાપૂર, જંગલ પ્રવાસીઓથી ધમધમી ઉઠયું.

Bhaskar News, Rajula | Oct 27, 2014, 01:01AM IST
તુલશીશ્યામમાં ભાવિકોનું ઘોડાપૂર, જંગલ પ્રવાસીઓથી ધમધમી ઉઠયું
-જંગલમાંથી દરરોજ પસાર થતા 25 હજાર દર્શનાર્થી : મહાપ્રસાદ આરતીનો લાભ લીધો : વન તંત્રની પણ કસોટી

રાજુલા: દર વર્ષની જેમ જ દિપાવલીના રજાના દિવસો દરમિયાન ગીર જંગલ પ્રવાસીઓથી ધમધમી ઉઠયું છે. ખાસ કરીને અહીના ધાર્મિક સ્થળોમાં માનવ મહેરામણ ઉમટયો છે. મધ્ય ગીરમા આવેલા તુલશીશ્યામમા દરરોજ 25 હજારથી વધુ ભાવિકોની અવરજવર થઇ રહી છે. દેશભરમાંથી આવતા આ ભાવિકો મહાપ્રસાદ, આરતી અને અહીના કુદરતી નજારાનો લાભ લઇ રહ્યાં છે. મધ્યગીરના વિશ્વ પ્રસિધ્ધ તુલશીશ્યામ ધામમાં દિવાળી પહેલાથી જ ભાવિકોનો ભારે ધસારો શરૂ થયો છે. અહી દરરોજ હકડેઠઠ્ઠ માનવ મેદની ઉમટી પડે છે. દિપાવલીના મીની વેકેશન દરમિયાન અહી દેશભરના જુદાજુદા વિસ્તારોમાથી પ્રવાસીઓ આવી રહ્યાં છે. વનતંત્ર દ્વારા વાહનોની અને લોકોની અવરજવરની નોંધ રખાઇ રહી છે.

તુલશીશ્યામ ખાતે દરરોજ 20 થી 25 હજાર લોકો દર્શનાર્થે આવે છે અને મહાપ્રસાદનો પણ લાભ લે છે. વળી અહી રૂક્ષ્મણીજી જે ડુંગરા પર બિરાજી રહ્યાં છે તે ડુંગર ચડવામા પણ પ્રવાસીઓની મોટી ભીડ જોવા મળી રહી છે. તુલશીશ્યામ ખાતે રાત્રી રોકાણની પણ વ્યવસ્થા છે જેનો મોટી સંખ્યામા ભાવિકોએ લાભ લીધો છે. તુલશીશ્યામ તથા આસપાસના વિસ્તારોમા રમણીય કુદરતી નજારો જોવા મળી રહ્યો છે.

અહી દર્શનાર્થે આવતા લોકોને આ કુદરતી નજારાનો લાભ મળી રહ્યો છે. અહીના સાધુ સંતો તથા ટ્રસ્ટીઓ દ્વારા યાત્રિકોની સુંદર વ્યવસ્થા સાચવવામા આવી હતી. જસાધાર, દિવ અને ધારી તરફના માર્ગે ભારે વાહન વ્યવહારના કારણે જંગલ ધમધમતુ થયુ હતુ. વનતંત્ર દ્વારા પણ અહી સ્ટાફને ખડેપગે તૈનાત કરાયો હતો. વનતંત્ર દ્વારા રસ્તાઓ પર સતત પેટ્રોલીંગ પણ રખાયુ હતુ. માજી ધારાસભ્ય પ્રતાપભાઇ વરૂ, બી.બી.ડોકટર, મેનેજર અશોકભાઇ ગઢવી વિગેરે દ્વારા વ્યવસ્થા જળવાઇ હતી.

અગિયારસ સુધી રહેશે ભારે ભીડ

દિપાવલીની રજાના માહોલ દરમિયાન અહી ભાવિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ જનમેદની અને ભારે ભીડ છેક દેવદિવાળી અને તેના બાદના દિવસોમા પણ જોવા મળશે. લીલી પરિક્રમાના પ્રવાસીઓ પણ આ વિસ્તારમા દર્શનાર્થે આવે છે. છેલ્લા પાંચ દિવસથી અહી સૌથી વધારે ભીડ જોવા મળી રહી છે.

ત્રીજીએ અન્નકુટનું આયોજન
તુલશીશ્યામ મંદિર ખાતે બિરાજમાન ભગવાન શ્યામને અન્નકુટનો મહાપ્રસાદ પણ ધરાશે. આગામી તા. 3ના રોજ અગિયારના દિવસે અહી ભગવાન શ્યામને અન્નકુટનો પ્રસાદ ધરાશે.

No comments: