Thursday, October 30, 2014

શું તમે ગિરનારની પરિક્રમા કરવા જવાના છો, તો તમને મળશે આ Special Gift.

Oct 30, 2014 14:54

જૂનાગઢ, 30 ઓક્ટોબર

શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિના તહેવારો સમયે જ શક્તિરૃપી જૂનાગઢના એક મહિલા પ્રાધ્યાપકે અનોખા અભિયાનની જાહેરાત કરતા જણાવ્યું છે કે, પ્રકૃતિ દેવીની ખરી આરાધના કરવા માટે તેઓના નેજા હેઠળ પ્રકૃતિ મિત્ર નામની સંસ્થા દ્વારા ગિરનાર પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકની કોથળીઓ લાવનાર યાત્રિકોને કાપડ અને કાગળની થેલીઓનું વિતરણ કરીને પર્યાવરણ બચાવવાના પ્રયાસો કરવામાં આવશે.

પાંચ દિવસ ચાલતી ગિરિવર ગિરનારની પરંપરાગત પરિક્રમમાં લાખ્ખો યાત્રિકો ઉમટી પડે છે. પરિક્રમા બાદ જંગલ વિસ્તારમાં ૧પ થી ર૦ ટન કરતા વધારે પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવામાં આવે છે. તેનાથી અનેક ગણું વધારે પ્લાસ્ટિક જંગલ વિસ્તારમાં પથરાયેલું પડયું રહે છે. તેવી સ્થિતિ વચ્ચે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના મહિલા પ્રાધ્યાપક ડો.ચિરાગબેન ગોસાઈએ તેમની આગેવાની હેઠળ પ્રકૃતિ મિત્ર નામની સંસ્થાના માધ્યમથી પરિક્રમા દરમિયાન જનજાગૃતિ અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. જેમાં તેમની સંસ્થાના કાર્યકર એવા વિદ્યાર્થીઓ દ્વારા પરિક્રમા શરૃ કરતા યાત્રિકો પાસેથી પ્લાસ્ટિકની બેગ અને બોટલ જેવી વસ્તુઓ લઈને બદલામાં કાપડ કે કાગળની બેગ આપવામાં આવશે.

પરિક્રમા માર્ગ ઉપર પ્લાસ્ટિક ન લઈ જવા યાત્રિકોમાં જનજાગૃતિ આવે તેના માટે જૂનાગઢ શહેરમાં હોર્ડિગ્સ, બેનર વગેરે લગાવવામાં આવશે. આ અભિયાનમાં પર્યાવરણપ્રેમી સંસ્થાઓ અને પ્રજાજનોને જોડાવા તેઓએ અનુરોધ કર્યો છે. વનતંત્ર તેમજ પોલીસ તંત્ર પણ અભિયાનમાં જોડાઈને ખાસ એક્શન પ્લાન તૈયાર કરે તે પ્રકૃતિના જતન માટે આવશ્યક બન્યું છે.

No comments: