Tuesday, October 7, 2014

સાવજની વસાહતમાં ફ્લોરાઈડનો કહર...


Oct 05, 2014 00:04

  • ફ્લોરાઇડયુક્ત પાણી પીવાથી કેટલાક સાવજોને સાંધાની તકલીફ; ત્રણે દાંત ગુમાવ્યા, અમુકના દાંત કાળા પડી ગયા
લીલીયા :  લીલીયા પંથકના લોકો માટે વર્ષાેથી અભિષાપ બનેલા ફ્લોરાઈડયુક્ત પાણીની સમસ્યા હવે અહીં વસવાટ કરતા સાવજો માટે પણ ગંભીર ખતરો બની શકે છે. છેલ્લા ૫ વર્ષથી અહીં વસવાટ કરતા કેટલાક સાવજોને ફ્લોરાઈડની અસર થતા ત્રણ સિંહોના શિકારી દાંત પડી ગયા છે તો અમુક સાવજોના પગના સાંધા પકડાયા અને દાંત કાળા પડી ગયાનું સામે આવતા સિંહપ્રેમીઓ ચિંતાતૂર બન્યા છે.
૧૯૯૯ની સાલથી લીલીયા, ચાંદગઢ વિસ્તારમાં સિંહોએ વસવાટ કરવાનું શરૃ કર્યું હતું. આજે અહીંના ચાંદગઢ, શેઢાવદર, ક્રાંકચ, બવાડી, બવાડા, ભોરીંગડા વિસ્તારમાં આજે ૧૭ જેટલા સિંહબાળ સહિત ૪૦ જેટલા સાવજોનો વસવાટ થઈ ગયો છે પરંતુ હાલ અહીં મીઠા પાણીની તંગીના કારણે સિંહો પાણી માટે ભટકી રહ્યાં છે.
અહીંથી પસાર થતી શેત્રંુજી, ગાંગડીયો, ખારી, સથરો, ભાંભડી નદીના કેટલાક વિસ્તારોમાં ખારાશનું પ્રમાણ વધી ગયું છે જે ખારું પાણી પીવાથી કેટલાક સિંહોને ફ્લોરાઈડની અસર થવા પામી હોવાનું જણાય આવે છે. અહીં વસવાટ કરતા ત્રણ સાવજોના આ પાણી પીવાથી દાંત પડી ગયા છે. ત્રણ નર સિંહ પૈકીના બેના શિકારી દાંત પડી ગયા છે. અમુક સિંહોને પગના સાંધા પકડાવાની તકલીફ જોવા મળી છે. તો કેટલાક સિંહોના દાંત કાળા પડી ગયાનું માલુમ પડે છે. આ બાબતે વનવિભાગ અજાણ છે. તેનું એક પ્રકૃતિપ્રેમીએ ધ્યાન દોર્યું હોવા છતાં વનવિભાગ નિદ્રામાં પોઢી રહ્યું છે. તો વહેલી તકે વનવિભાગ આ સિંહોની ચકાસણી કરાવે તેવી સિંહપ્રેમીઓની માંગણી ઉઠી છે અને સિંહોને મીઠા પાણી મળે તેની વ્યવસ્થા કરાવે.
  • ફ્લોરાઈડની સમસ્યા માટે કાળુભાર યોજના છતા...
આ વિસ્તારમાં ફ્લોરાઈડની સમસ્યાના કારણે અહીંના લોકો સમય પહેલા ઘરડા જેવા દેખાતા હતા. પગના સાંધા પકડાવા, દાંત પડી જવા, દાંત કાળા પડી જવા તે માટે ૧૯૮૫ની સાલમાં નેધરલેન્ડ સરકારની મદદથી સરકારે ૧૦ કરોડના ખર્ચે કાળુભાર યોજના પણ અમલી બનાવી હતી તેમ છતાં આ વિસ્તારમાં ફ્લોરાઈડનું પ્રમાણ હજુ પણ દેખાતા આ સમસ્યા હવે વન્યપ્રાણીઓને લાગુ પડતા તપાસનો વિષય બન્યો છે.
  •  અમેરિકાના ડેન્ટીસ્ટે પણ આ પાણી અયોગ્ય હોવાનું કહ્યું
લીલીયામાં આવેલા એનઆરઆઈ અમેરિકાના ડેન્ટીસ્ટ નિરંજન સવાણીને લીલીયાના એક સિંહ પ્રેમીએ આ અંગે વાકેફ કરતાં તુરત જ ડો.નિરંજને લીલીયા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના પાણીના નમુના લઈ પરિક્ષણ કરતા આ પાણી બૃહદગીરના સિંહો માટે પીવું જોખમી હોવાનું જણાવ્યું છે અને આ પાણી પીવાથી સિંહોને પણ અહિંના લોકોની જેમ પગના સાંધાના દુઃખાવા અને દાંતની તકલીફ પડવાની શક્યતા બતાવી હતી.
http://sandesh.com/article.aspx?newsid=2994793

No comments: