Thursday, October 30, 2014

ગીરકાંઠાની ખુશ્બુ ખીલી ઉઠી પર્યટન અને ધર્મ સ્થળોએ ભીડ.

Bhaskar News, Amreli | Oct 28, 2014, 00:05AM IST
- દિવાળી ઇફેક્ટ | અમરેલી સહિત હાઇ-વે પર ટ્રાફિક જામ
- ગીરના જંગલમાં  સિંહ દર્શન માટે લોકોની રઝળપાટ

અમરેલી: પ્રવાસન ક્ષેત્રે ખુશ્બુ ગુજરાત કી ફેલાઇ રહી છે. અમરેલી જિલ્લામાં ભલે પ્રવાસન ઉદ્યોગનો વધુ વિકાસ થયો ન હોય પરંતુ ગીર જંગલ અને સાવજોની હાજરીને પગલે દિપાવલીના તહેવાર પર અમરેલી જિલ્લામાં દેશભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડયા છે. જેમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા ઘણી વધુ છે. ગીર જંગલના ધર્મ સ્થાનોમાં હકડેઠઠ્ઠ માનવ મેદની નજરે પડી રહી છે. ગીરના રમણીય નજારાઓ અને અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજોની એક ઝલક માટે પ્રવાસીઓ આમથી તેમ ભમી રહ્યાં છે.

અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં સાવજો નજરે પડવા પ્રમાણમાં ઘણા સહેલા છે. પાછલા વર્ષોમા અહી સાવજોની વસતીમાં થયેલા વધારાના પગલે પ્રવાસન ઉદ્યોગને બળ મળે તેવી સ્થિતી સર્જાઇ છે. આમપણ દર વર્ષે  દિપાવલીની રજાના દિવસો દરમિયાન ગીર તથા આસપાસના વિસ્તારમાં હજારોની સંખ્યામા પ્રવાસીઓ ઉમટી પડે છે. ચાલુ સાલે પણ ખુબ જ મોટી સંખ્યામા આ વિસ્તારમાં પ્રવાસીઓની ભીડ ઉમટી છે.

ગીરમા આવેલ કનકાઇ બાણેજ જેવા સ્થળોએ જવા માટે દિવસભર ધસારો રહે છે. ધારીથી જસાધાર અને દિવ વેરાવળ તરફ જતા પ્રવાસીઓ કનકાઇ, બાણેજ જેવા સ્થળોની અચુક મુલાકાત લે છે. આ પ્રવાસીઓ તુલશીશ્યામનો રૂટ પણ પસંદ કરે છે. અહી તેમને ભગવાન શ્યામના દર્શનનો લ્હાવો ઉપરાંત રમણીય કુદરતી નજારાનો લ્હાવો પણ મળે છે.

આ ઉપરાંત ગીરકાંઠે આવેલા ધારી નજીકના ખોડિયાર ડેમ પરનો રમણીય નજારો નીહાળવા પણ છેલ્લા છ દિવસથી પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જાફરાબાદ નજીક સરકેશ્વરના દરિયાકાંઠે, સરસીયા મંદિર, વાદળીયા હનુમાન આશ્રમ, સરની ખોડિયાર જેવા ધાર્મિક સ્થળો પર ભાવિકોનો ધસારો નજરે પડી રહ્યો છે. પ્રવાસીઓની આ ભીડ આગામી દેવદિવાળી સુધી રહેશે તેવી ધારણા રખાઇ રહી છે.

હાલમાં દેશભરમાંથી આવતા પ્રવાસીઓથી ગીર જંગલ અને ગીરકાંઠો ગુંજી ઉઠયાં છે. ખાસ કરીને ધારી અને ખાંભા તાલુકામાં પ્રવાસીઓની વધુ અવરજવર નોંધાઇ રહી છે. સિંહ દર્શનની લાલસા પણ પ્રવાસીઓને અહી ખેંચી લાવી રહી છે. આવનારા સમયમાં આંબરડી પાર્ક શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે સાસણ જેવો જ નજારો આંબરડી પાર્કમા પણ જોવા મળે તે દિવસો દુર નથી. અહી ખરેખર પ્રવાસીઓને ગુજરાતની ખુશ્બુ અનુભવાઇ રહી છે.

No comments: