Thursday, October 30, 2014

ગિરનારની પરિક્રમા કરતા પહેલા વિચારી લેજો સો વખત કારણકે ત્યાં થઇ શકે છે કંઇક 'આવું' .

Oct 28, 2014 11:16

જૂનાગઢ, 28 ઓક્ટોબર

ગરવા ગિરનારની પ્રસિદ્ધ પરિક્રમામાં લાખ્ખો યાત્રિકો ઉમટી પડવાની આશા વચ્ચે પાજનાકાના પુલ અને ભવનાથ ફોરટ્રેક રોડના ગોકળગાયની ગતિથી ચાલતા કામને લીધે પરિક્રમાર્થીઓને ભારે મૂશ્કેલીનો સામનો કરવો પડશે. જ્યારે બસસ્ટેન્ડ અને રેલવે સ્ટેશન વચ્ચેનો બિસ્માર માર્ગ રિપેર કરવામાં રેલવે તંત્ર ઠાગાઠૈયા કરી રહ્યું છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર જો આવી જ ધીમી ગતિએ કામ ચાલશે તો કોઇ મોટી જાનહાનિ પણ થઇ શકે છે.

આગામી ટૂંક સમયમાં ગિરનાર પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. એવા સમયે જ પાજનાકાનો કૂખ્યાત પુલ ગ્રહણ રૃપ બનવાની ભીતિ વ્યક્ત કરતા જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રવિણભાઈ ટાંકે જણાવ્યું છે કે, આ પુલની એક બાજૂની સાઈડ નવી બની ગઈ છે. પરંતુ બીજી સાઈડ હજૂ સુધી બની નથી. અને પરિક્રમા સુધી કામ પૂર્ણ થવાની કોઈ શક્યતા પણ નથી. આ ઉપરાંત અશોક શિલાલેખથી દામોદર કૂંડ સુધીના માર્ગને ફોરટ્રેક બનાવવાની કામગીરી પણ ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. બે જગ્યાએ કાઢવામાં આવેલા ડાઈવર્ઝન અને કાચા રસ્તા ઉપર ઉડતી ધૂળની ડમરીઓથી ભવનાથ ફરવા આવતા શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠે છે. ડાઈવર્ઝનને લીધે માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ રહે છે. પરિક્રમામાં લાખ્ખો ભાવિકો ઉમટી પડશે તેવા સમયે અહી ખુબ જ મૂશ્કેલ સ્થિતિ નિર્માણ પામશે. તંત્ર ગમે એટલી વ્યવસ્થા ગોઠવે તો પણ ટ્રાફિક નિયમન કરવું અશક્ય બની જશે.

બીજી તરફ બસસ્ટેન્ડ અને રેલવે સ્ટેશન વચ્ચેનો રેલવેની હદમાં આવતો માર્ગ દોઢેક વર્ષથી અતિશય બિસ્માર છે. આ માર્ગ ઉપર બે-બે ફૂટના ગાબડા પડી ગયા છે. રસ્તાની બન્ને સાઈડ એટલી ખરાબ બની ગઈ છે કે, વાહન ચાલકો સ્લિપ થઈને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વચ્ચે અડધો માર્ગ બનાવીને રેલવે તંત્રએ કામ બંધ કરી દીધું હતું. પરિક્રમા દરમિયાન આ માર્ગનો યાત્રિકો ખુબ જ ઉપયોગ કરતા હોય તેને સત્વરે રિપેર કરવામાં આવે તેવી માગણી તેમણે કરી છે.


ગિરનાર પરિક્રમાની તૈયારીનો ધમધમાટ, ૩૧ મીથી અન્નક્ષેત્રો માટે પરમીટ અપાશે

નોંધનીય છે કે, દેવદિવાળીથી શરૃ થઈ રહેલી ગરવા ગિરનારની પરંપરાગત પરિક્રમાની તૈયારીનો ધમધમાટ શરૃ થઈ ગયો છે. પરિક્રમા માર્ગ ઉપર યાત્રિકોથી વન્યપ્રાણીઓને દૂર રાખવા માટે વનવિભાગની ત્રણ ટ્રેકર્સ ટીમ તૈનાત રાખવામાં આવશે. જ્યારે પીવાના પાણી માટે ૩૩ પોઈન્ટ વનતંત્ર અને પાણી પુરવઠા વિભાગ ઉભા કરશે. સાધુ-સંતો, આગેવાનો અને અધિકારીઓએ તાજેતરમાં રૃટનું નિરિક્ષણ કરીને જરૃરી સુચનો કર્યા હતાં.

ગિરનારની ગોદમાં યોજાતી પરિક્રમાના ૩૬ કિ.મી.ના માર્ગ ઉપર યાત્રિકોની સુવિધા અર્થે વનતંત્ર દ્વારા ૧૪ રાવટી ઉભી કરવામાં આવશે. જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો ન ફેંકાય તે માટે બેરલમાંથી બનાવેલી કચરા ટોપલીઓ ઠેર ઠેર મૂકવામાં આવશે. જંગલમાં ક્યાંય અચાનક દવ લાગે તો તેને બુઝાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વન્યપ્રાણીઓને પરિક્રમા માર્ગથી દૂર રાખવા જૂનાગઢ વનવિભાગ, સાસણ અને સક્કરબાગની ત્રણ ટ્રેકર્સ ટીમ તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત વનતંત્રએ પાંજરાની વ્યવસ્થા કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આગામી તા.૩૧ થી અન્નક્ષેત્રો અને સામાનની હેરફેર માટે વાહનોની પરમીટ આપવાનું ચાલું કરવામાં આવશે. ગઈકાલે સાધુ-સંતો, આગેવાનો અને અધિકારીઓએ પરિક્રમા માર્ગ ઉપર ફરીને વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું. તથા જરૃરી ફેરફાર અંગેના સુચનો રજૂ કર્યા હતાં. વનતંત્ર ઉપરાંત પોલીસ, મહાપાલિકા, પી.જી.વી.સી.એલ., પાણી પુરવઠા, એસ.ટી., રેલવે વગેરે તંત્રએ પણ પોતાના આયોજનો શરૃ કરી દીધા છે.

No comments: