Thursday, April 30, 2015

ક્રાંકચની સીમમાંથી સાવજોના સ્થળાંતરની ભીતિ.

ક્રાંકચની સીમમાંથી સાવજોના સ્થળાંતરની ભીતિ
Bhaskar News, Amreli/ Liliya
Apr 07, 2015, 02:27 AM IST

- પ્રાકૃતિક જંગલની અંદર થોડા સમયમાં નવ વખત દવ લાગતા બાવળનું જંગલ અને ઊંચું ઘાસ સાફ થઇ ગયું

અમરેલી, લીલિયા: લીલિયા તાલુકાના ખારાપાટ વિસ્તારમાં આવેલ બાવળોનું જંગલ સાવજોને ખૂબ સારી રીતે માફક આવી ગયું છે જેને પગલે એક દાયકા કરતા વધુ સમયથી અહી સાવજોનો વસવાટ છે. અહી જંગલ, ઊંચું ઘાસ, પાણી અને શિકારની ભરપૂર વ્યવસ્થા છે. જેને પગલે સાવજ પરિવાર ફૂલ્યોફાલ્યો અને હાલમાં તેમાં 40 જેટલા સભ્યો છે, પરંતુ ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં જાણીજોઇને લગાવવામાં આવતા દવે નવી સમસ્યા સર્જી છે. ઊંચું ઘાસ અને બાવળો નાશ પામતા સાવજોનું પ્રાકૃતિક આવાસ છીનવાયું છે. જેને પગલે હવે એવી ભીતિ ઊભી થઇ છે કે આ સાવજો અહીથી સ્થળાંતર કરી જાય.

લીલિયાના ખારાપાટમાં ભૂતળમાં પણ ક્ષારયુક્ત પાણી છે. ખેડૂતોના વાડી ખેતરો પડતર રહેતા હોય તેમાં બાવળ અને ઊંચું ઘાસ ઉગી નીકળ્યું છે. એકાદ દાયકા પહેલા અહી સાવજો પ્રથમ વખત આવ્યા હતા અને ઘાસ તથા બાવળનું આ જંગલ તેને માફક આવી ગયું હતું ત્યારથી જ અહી તેનો વસવાટ છે.

છેલ્લા કેટલાક સમયથી ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં દવની ઘટનાઓ વધી છે. ભૂતકાળના વર્ષોમાં પણ અહી દવ લાગતો હતો, પરંતુ દર વર્ષે એકાદ બે ઘટના બનતી હતી, જયારે ચાલુ સાલે અત્યાર સુધીમાં નવ વખત દવ લાગી ચૂક્યો છે જેને પગલે ક્રાંકચની સીમમાં તો સાવજોનો જયાં વસવાટ છે તે લગભગ તમામ વિસ્તાર દવમાં નાશ પામ્યો છે. આમ અહીની જમીન ખુલ્લી થઇ ગઇ છે. સાવજોનું પ્રાકૃતિક આવાસ નષ્ટ થયું છે. અહી બાવળોના થડ ઊભા છે. જે આવનારા સમયમાં ફરી ફૂલશે ફાલશે. ચોમાસા બાદ અહી ફરી ઊંચું ઘાસ ઉગી નીકળશે, પરંતુ ત્યાં સુધીમાં સાવરકુંડલા તથા અમરેલી અને ખાંભા પંથકમાં અહીના સાવજો સ્થળાંતર કરી જાય તેવી ભીતિ જાણકારો વ્યકત કરી રહ્યાં છે.

નવું ઘર શોધવાના સાવજોના પ્રયાસો

આમ પણ અહી વસતા સાવજો અવારનવાર અહીથી સ્થળાંતર કરી થોડા સમય માટે આસપાસના વિસ્તારમાં ચાલ્યા જાય છે. આ ગ્રૂપના કેટલાક સાવજો તો નવા ઘરની તલાશમાં છે. લાઠી, દામનગર કે બાબરા પંથકમાં કે છેક વડિયા, ગોંડલ પંથક સુધી ચક્કર લગાવી ચૂક્યા છે.

ઓણસાલ પીવાના પાણીની પણ તકલીફ

ગયા વર્ષે અમરેલી પંથકમાં વરસાદ પ્રમાણમાં ઓછો પડ્યો હતો જેને પગલે હાલમાં ઉનાળામા સાવજો માટે પીવાના પાણીની પણ તકલીફ છે. પાણીની શોધ માટે આમ પણ સાવજોને આમથી તેમ ભટકવું પડે છે, ત્યારે દવના કારણે પ્રાકૃતિક આવાસ નષ્ટ થતા સ્થળાંતરની ભીતિ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

No comments: