Thursday, April 30, 2015

રાજુલા: સિંહબાળનો ભોગ લેવાયા બાદ રેલવે ટ્રેક પાસે બંદોબસ્ત મુકાયો.

રાજુલા: સિંહબાળનો ભોગ લેવાયા બાદ રેલવે ટ્રેક પાસે બંદોબસ્ત મુકાયો
Bhaskar News, Rajula
Apr 10, 2015, 01:16 AM IST
 
સીએફ સહિતના ઉચ્ચ વન અધિકારીઓ રામપરા દોડયા
વનવિભાગ રહી રહીને જાગ્યું ખરું
 
રાજુલા: રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક બુધવારે મોડીસાંજે માલગાડી અડફેટે ત્રણ સિંહબાળના કમોતની ઘટનાને પગલે સમગ્ર વનતંત્ર દોડતું થઇ ગયું છે. ઘટનાને પગલે રાજકોટના સીએફ ઉપરાંત જૂનાગઢના સીસીએફ, અમરેલીના ડીએફઓ સહિતના અધિકારીઓ આજે રામપરા દોડી ગયા હતા અને સમગ્ર ઘટના કઇ રીતે બની તેની જાત માહિતી મેળવી હતી. ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળાં મારવા જેવી સ્થિતિ હોય તેમ હવે વનતંત્ર દ્વારા અહી બંદોબસ્ત રખાયો છે.
 
સાવજો માટે કાયમ ઘાતકી ગણાતા પીપાવાવ તરફ જતા રેલવે ટ્રેક પર બુધવારે રાત્રે માલગાડી અડફેટે ત્રણ સિંહબાળનાં મોત થયા હતા. રામપરાથી એક કિમી દૂર ફાટક નં-16 પાસે સિંહણની નજર સામે જ તેના ત્રણેય બચ્ચાં પીપાવાવ તરફ જતી માલગાડી હેઠળ કચડાયા હતા. ગઇસાંજની આ ઘટનાને પગલે આજે ઉચ્ચ વન અધિકારીઓએ રામપરા તરફ દોટ મૂકી હતી. રાજકોટના સીએફ આજરા ઉપરાંત જૂનાગઢના સીસીએફ એ.પી.સીંગ, અમરેલીના ડીએફઓ ગુર્જર, આરએફઓ સી.બી.ધાંધિયા વિગેરે જંગી સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
 
 આ ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી ઘટના કઇ રીતે બની તેની જાણકારી મેળવી હતી. ગઇકાલની ઘટનાને પગલે સિંહપ્રેમીઓમાં પણ રોષ ભભૂકી ઊઠયો છે અને ગીર લાયન નેચર કલબ, સર્પ સંરક્ષણ મંડળ વિગેરે સંસ્થાના આગેવાનોએ અહીની મુલાકાત લઇ સ્થિતિની જાણકારી મેળવી હતી. બીજી તરફ વનતંત્ર પણ મોડેમોડે જાગતું હોય તેમ એકસાથે ત્રણ ત્રણ સિંહબાળના ભોગ લેવાઇ ગયા બાદ હવે રહીરહીને બનાવના સ્થળે ચોકી પહેરો ગોઠવવામાં આવ્યો છે. જો કે અત્યાર સુધીમાં અકસ્માતની ઘટના મોટેભાગે રાત્રિના સમયે જ બની છે ત્યારે રાત્રે પણ બંદોબસ્ત રહેશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
 
બાબરકોટ નર્સરીમાં ત્રણેય સિંહબાળના અંતિમ સંસ્કાર
રામપરાની સીમમાં ત્રણ સિંહબાળના માલગાડી અડફેટે મોત થયા બાદ બાબરકોટ નર્સરીમાં ત્રણેય સિંહબાળનું પીએમ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે અને બાદમાં આ નર્સરીમાં જ ત્રણેય સિંહબાળના અંતિમ સંસ્કાર કરાયા હતા.

No comments: