Thursday, April 30, 2015

ડેડાણની સીમમાં 80 વર્ષના વૃધ્ધને દીપડાએ ફાડી ખાધા.

Bhaskar News, Amreli/ Khambha
Apr 29, 2015, 01:38 AM IST

 
- દીપડાના હુમલાના વધતા બનાવથી ફફડાટ
- ઝૂંપડાંથી 50 ફૂટ દૂર લાશ મળી

અમરેલી/ખાંભા: અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં જેવી રીતે સિંહની વસતી વધી રહી છે તેમ તેમ દીપડાની વસતી પણ સતત વધી રહી છે. શિકારની શોધમાં નીકળેલા દીપડાઓ દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ નિરંતર વધી રહી છે. આવી વધુ એક ઘટનામાં ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાં આજે વહેલી સવારે દીપડાએ 80 વર્ષના કોળી વૃધ્ધનો ભોગ લીધો હતો. દીપડો આ વૃધ્ધને ગળામાંથી પકડી ઝૂંપડાંથી 50 ફુટ દુર ઢસડી ગયો હતો અને ફાડી ખાધા હતાં. તેમનું માથુ અને ધડ અલગ મળી આવ્યા હતાં. ઘટનાની જાણ થતા વન વિભાગનો કાફલો ત્યાં દોડી ગયો હતો.

દીપડાએ 80 વર્ષના વૃધ્ધને ફાડી ખાધાની આ ઘટના આજે વહેલી સવારે ખાંભા તાલુકાના ડેડાણ ગામની સીમમાં બની હતી. ગીર કાંઠાના ખાંભા તાલુકાના ડેડાણ ગામના બચુભાઇ ગગજીભાઇ વાઘેલા (ઉ.વ. 80) નામના કોળી વૃધ્ધ સોમવારે રાત્રે ચાડીકા ડુંગર વિસ્તારમાં આવેલી પોતાની વાડીએ રખોપુ કરવા ગયા હતાં. અહિં વાડીએ રાતવાસો કરવા માટે એક ઝુંપડું બનાવવામાં આવ્યું છે. વૃધ્ધ રાત્રીના સમયે ઝૂંપડાંમાં સુઇ ગયા હતાં દરમિયાન વહેલી સવારે શિકારની શોધમાં નિકળેલો દીપડો ઝૂંપડાંમાં ધસી આવ્યો હતો અને પથારીમાં સુતેલા વૃધ્ધ પર હુમલો કરી દીધો હતો. દીપડા તેમને ગળામાંથી પકડી ઝૂંપડાંથી 50 ફુટ દુર સુધી ઢસડી ગયો હતો.

દીપડાએ આ વૃધ્ધના શરીરનો કેટલોક ભાગ ફાડી ખાધો હતો. એટલુ જ નહી તેમનુ માથુ ધડથી અલગ કરી દીધુ હતું. સવારે જ્યારે તેમના પરિવારજનોને આ ઘટનાની જાણ થઇ ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક આરએફઓ ઝાલા, ફોરેસ્ટર બી.બી. વાળા, પલાસભાઇ, શાહીદખાન વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને મૃતક વૃધ્ધની લાશને પોસ્ટમોર્ટમ માટે ખાંભા દવાખાને ખસેડી હતી. માનવભક્ષી દિપડાની આ વિસ્તારમાં અવર જવરને પગલે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ઘટનાની જાણ થતા ગીર પૂર્વના ડીએફઓ અંશુમન શર્મા પણ અહિં દોડી આવ્યા હતાં. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં દીપડા દ્વારા આ પ્રકારે માણસ પર હુમલા કે માણસના શિકારની ઘટના અવાર નવાર બનતી હોય વનતંત્ર દ્વારા આ દિશામાં પગલા લેવામાં આવે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

એકલવાયું જીવન જીવતા હતા વૃધ્ધ

ડેડાણના 80 વર્ષના કોળી વૃધ્ધ બચુભાઇ ગગજીભાઇ વાઘેલા અપરિણીત હતાં અને એકલવાયુ જીવન જીવતા હતાં. વર્ષોથી તેઓ પોતાના વાડીના ઝૂંપડાં જેવા મકાનમાં રહેતા હતા અને કાયમ એક જ સ્થળે સુતા હતાં. પરંતુ સોમવાર રાત્રે શિકારની શોધમાં નિકળેલા દીપડાએ તેનો જીવ લઇ લીધો હતો.

માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો

ડેડાણની સીમમાં દીપડો માનવભક્ષી બની જતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. દીપડાએ વૃધ્ધાનો શિકાર કર્યા બાદ વન વિભાગે તાબડતોબ ઘટનાસ્થળે દોડી જઇ આ દીપડાને પકડવા માટે સીમમાં પાંજરૂ ગોઠવી દીધુ હતુ. અને મોડી સાંજે આ દીપડો પાંજરામાં સપડાઇ ગયો હોવાનું વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું. મૃતક કોળી વૃધ્ધની લાશનું ખાંભા દવાખાને પીએમ કરી તેના પરિવારને લાશ સોંપી દેવાઇ હતી.

No comments: