Thursday, April 30, 2015

ધારી: 3 શખ્સોનો દીપડીનાં બચ્ચા પર હિંસક હુમલો, ઉતાર્યા મોતન ઘાટ.


ધારી: 3 શખ્સોનો દીપડીનાં બચ્ચા પર હિંસક હુમલો, ઉતાર્યા મોતન ઘાટ

Bhaskar News, Dhari
Apr 03, 2015, 11:24 AM IST
 
ધારી: અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં દિપડાઓની સતત વધી રહેલા સંખ્યા વચ્ચે દિપડા દ્વારા માણસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ધારીના કરમદડી ગામની સીમમાં કુદરતી હાજતે ગયેલા બાવાજી ખેડૂત પર દિપડીના દસ માસના બચ્ચાએ હુમલો કરતા અન્ય બે ખેડૂતો મદદે દોડ્યા હતાં. જો કે બચ્ચાએ ત્રણેયને ઘાયલ કરી દીધા હતાં. જેને પગલે ત્રણેય શખ્સોએ બોથડ પદાર્થના ઘા ઝીંકી દિપડીના બચ્ચાની હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગે બચ્ચાનો મૃતદેહ કબજે લઇ તેની હત્યા કરનાર ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતાં.
 
- કરમદડીમાં 3 શખ્સોએ દીપડીનાં બચ્ચાને મારી નાંખ્યું
- કુદરતી હાજતે ગયેલા યુવાન પર હુમલો કરતા આપ્યો અંજામ
- ત્રણેય શખ્સોએ બચ્ચાની હત્યા કરી દવાખાને ચાલ્યા ગયા
 
દિપડા દ્વારા માણસ પર હુમલાની  ઘટનાઓ સતત વધી રહી છે તેની વચ્ચે આજે ધારીના કરમદડીમાં આ ઘટના બની હતી. દલખાણીયા રેન્જમાં આવતા કરમદડી ગામની સીમમાં રામદાસ પ્રેમદાસ ગોંડલીયા નામના બાવાજી ખેડૂતને ત્યાં બાઢડા ગામે રહેતા તેના સાઢુભાઇ રણછોડભાઇ હરીદાસ ગોંડલીયા આજે આવ્યા હતાં. રણછોડભાઇ વાડીના શેઢે આજે સવારે દસેક વાગ્યે કુદરતી હાજતે ગયા હતાં ત્યારે આશરે દસેક માસની ઉંમરનું દિપડીનું બચ્ચુ ત્યાં ધસી આવ્યુ હતુ અને રણછોડભાઇ પર હુમલો કરી દીધો હતો. તેમણે દેકારો કરતા રામદાસ ગોંડલીયા તથા ધીરૂભાઇ રામજીભાઇ વાઘારા પણ ત્યાં દોડી આવ્યા હતાં. જેને પગલે દિપડીના બચ્ચાએ ત્રણેય પર હુમલો કરી તેમને ઘાયલ કરી દીધા હતાં.
 
ત્રણેય શખ્સોએ આક્રમક બનેલા બચ્ચાનો પ્રતિકાર કર્યો હતો અને બોથડ પદાર્થના ઘા મારી બચ્ચાની હત્યા કરી નાખી હતી અને બાદમાં ત્રણેય સારવાર માટે ધારી દવાખાને દોડી ગયા હતાં. પાછળથી કોઇએ ઘટના અંગે વન વિભાગને જાણ કરતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે વનતંત્રના નિલેષભાઇ વેગડા, એ.વી. ઠાકર, ડો. હિતેષ વામજા વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને દિપડીના બચ્ચાનો મૃતદેહ કબજે લીધો હતો. ત્રણ ખેડૂત દ્વારા દિપડીના બચ્ચાની હત્યા કરાઇ હોવાની જાણ થતા વનતંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી.
 
ધારીના વેટરનરી ડોક્ટર હિતેષ વામજા દ્વારા દિપડીના બચ્ચાના મૃતદેહને ધારીના ભુતીયા બંગલે ખસેડી પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અમરેલી જીલ્લામાં વાડી ખેતરોમાં કામ કરતા ખેડૂતો પર દિપડા દ્વારા હુમલાની અવાર નવાર ઘટનાઓ બની રહી છે. તેની વચ્ચે આજે હુમલો કરનાર દિપડીના બચ્ચાને જ ખેડૂતોએ મારી નાખ્યાની ઘટના બનતા ચકચાર મચી છે. મોડી રાત સુધી વનતંત્રએ ઘટના અંગે મગનું નામ મરી પાડ્યુ ન હતું.
 
ધારીના  ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યુ હતું કે આ કેસમાં રામદાસ ગોંડલીયા, ધીરૂ રામજીભાઇ અને રણછોડ ગોંડલીયાની ધરપકડ કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે ઘટનાસ્થળની તેમણે મુલાકાત લીધી હતી અને પીએમ બાદ હત્યાની સ્પષ્ટતા થઇ હતી.

ખોપરી તુટી જતા થયુ મોત
ત્રણેય ખેડૂતોએ દિપડીના બચ્ચા પર બોથડ પદાર્થથી હુમલો કર્યો હતો. એવું પણ મનાય છે કે પાવડા વડે હુમલો થયો હતો જો કે વનતંત્રએ આ અંગે સ્પષ્ટતા કરી ન હતી. પરંતુ પીએમ બાદ એટલુ જરૂર સ્પષ્ટ થયુ હતું કે હુમલાથી ખોપરી ફાટી જવાથી બચ્ચાનું મોત થયુ હતું.
 
વાડી નજીક જ બચ્ચાએ ઘેંટાનું મારણ કર્યુ
સુત્રોમાંથી એવું પણ જાણવા મળેલ છે કે રામદાસ ગોંડલીયાની જે વાડીમાં દિપડીના બચ્ચાએ ત્રણ લોકો પર હુમલો કર્યો તે વાડીની બાજુમાં જ ઘેંટાનું મારણ થયુ હતું. જો કે આ મારણ દિપડી દ્વારા કરાયુ હતું કે કેમ તે સ્પષ્ટ નથી. પરંતુ બચ્ચા અહિં હોય જેને પગલે દિપડી પણ આ વિસ્તારમાં હોવાની આશંકાએ ખેડૂતો ભયભીત છે.

No comments: