Thursday, April 30, 2015

લીલિયાના બૃહદગીરમાં બે સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો.


 લીલિયાના બૃહદગીરમાં બે સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો

Bhaskar News, Liliya
Apr 19, 2015, 01:41 AM IST
લીલિયા: લીલિયાના બૃહદગીર વિસ્તારમાં છેલ્લા દોઢ દાયકાથી અનેક સાવજો વસવાટ કરી રહ્યા છે. સાવજોને અહી બાવળની કાટનું જંગલ, પીવાનું પાણી અને ખોરાક મળી રહેતો હોવાથી આ વિસ્તાર સાવજોને સાનુકુળ થયો છે. હાલમાં અહીં 45 જેટલા સાવજોની સંખ્યા છે ત્યારે આ સંખ્યામા પાંચનો વધારો થયો છે. કારણ કે અહીં બે સિંહણોના ઘરે પારણું બંધાયું છે અને પાંચ સિંહબાળનો જન્મ થતા અહીના સિંહપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.
સિંહ ગણતરી પૂર્વે જ સાવજોની સંખ્યામાં વધારો
- લીલિયાના બૃહદગીરમાં બે સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો
- સિંહ પરિવારને ત્યાં પારણું બંધાયું: સાવજોની સંખ્યામાં વધારો

 બૃહદગીર વિસ્તારમાં 1999 અને 2000માં ચાંદગઢની સીમમાં સિંહ અને સિંહણ લોકોની નજરે પડયા હતા. બાદમાં અહી જ વસવાટ કર્યો હોય હાલમાં અહી સાવજોની સંખ્યા 45 જેટલી થઇ ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં ક્રાંકચ નજીક આવેલ ખાટની ઓઢ વિસ્તારમાં માકડી સિંહણના નામે ઓળખાતી સિંહણે ત્રણ સિંહબાળને જન્મ આપ્યો છે. આ ઉપરાંત અન્ય એક રાતડી નામની સિંહણે ચાંદગઢ અને આંબા ગામ વચ્ચે આવેલ નદીના કાંઠે બાવળોની કાટમાં બે સિંહબાળને જન્મ આપ્યો છે. આમ અહી પાંચ સિંહબાળનો જન્મ થતા સિંહપ્રેમીઓમાં ખુશ થઇ ઊઠયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2013માં 17 સિંહબાળનો નોંધનીય વધારો થવા પામેલ જયારે 2014માં 3 સિંહબાળનો વધારો થયો હતો અને 2015મા 5 સિંહબાળનો જન્મ થતા સિંહપ્રેમીઓમાં આનંદ છવાયો હતો. મોટાભાગે સિંહણો ડિસેમ્બર, જાન્યુઆરીમાં બચ્ચાને જન્મ આપતી હોય છે. જયારે લીલીયા બૃહદગીરમાં માર્ચ એપ્રિલમાં સિંહણો બચ્ચાને જન્મ આપતી હોય જે નવાઇની વાત છે.  સિંહબાળની હરકત પર વનતંત્રની નજર છે.
 
આગળ વાંચો, મેટિંગનો સમય નિશ્ચિત નથી- ડીએફઓ શર્મા, પાંચેય સિંહબાળ તંદુરસ્ત છે- ફોરેસ્ટર રાઠોડ, સિંહ ગણતરી પૂર્વે જ સાવજોની સંખ્યામાં વધારો

આગામી દિવસોમાં સિંહની વસ્તી ગણતરી સહિતની કાર્યવાહી વનતંત્ર દ્વારા શરૂ કરાશે તે પૂર્વે જ બૃહદગીરમાં બે સિંહણે પાંચ બચ્ચાંને જન્મ આપ્યાના બનાવથી ગણતરી પૂર્વે જ સિંહની સંખ્યામાં નોંધનીય વધારો થયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
 

મેટિંગનો સમય નિશ્ચિત નથી- ડીએફઓ શર્મા

ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે હાલ વાતાવરણની સ્થિતિ બદલાઇ રહી છે પહેલા મોટાભાગે મેટિંગનો સમય જૂન માસથી ઓકટોબર વચ્ચેનો રહેતો જેથી ડિસેમ્બર, જાન્યુઆરીમાં સિંહણો બચ્ચાને જન્મ આપતી પરંતુ અત્યારે મેટિંગનો સમય નિશ્ચિત ન હોય કોઇપણ માસમાં સિંહણો બચ્ચાને જન્મ આપે છે. જેથી વાતાવરણની બદલાયેલી સ્થિતિ પ્રાણીઓમાં પણ જોવા મળી રહી છે.

પાંચેય સિંહબાળ તંદુરસ્ત છે- ફોરેસ્ટર રાઠોડ

ફોરેસ્ટર બી.એમ.રાઠોડે જણાવ્યું હતું કે લીલિયા બૃહદગીરના ક્રાંકચ નજીક એક સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. આ ઉપરાંત આંબા ચાંદગઢ નજીક એક સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો છે. હાલ પાંચેય સિંહબાળ તંદુરસ્ત છે.
 

No comments: