Tuesday, October 31, 2017

મોરારિબાપુએ 7 ફૂટ દૂરથી કર્યા સિંહના દર્શન, હાઇકોર્ટમાં અરજી

divyabhaskar.com | Last Modified - Oct 11, 2017, 10:25 AM IST
મોરારી બાપુ અને વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ગેરકાયેદસર સિંહ દર્શન કર્યાની અરજી દાખલ કરવામાં આવી છે
 
સાત ફૂટ દૂર સિંહ દેખાતા બાપુ એક સ્થળે બેસી ગયા
જૂનાગઢઃ પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુની રામકથા હાલ જૂનાગઢમાં ચાલી રહી છે, ત્યારે તેઓ ડુંગરપુર વિસ્તારમાં જંગલમાં વિહરી રહ્યાં હતા ત્યારે તેમનાથી સાત ફૂટ દૂર એક સાવજ રસ્તા વચ્ચે નિદ્રાધીન અવસ્થામાં હતો. બાપુએ પણ એ ઘડીને નિહાળવા માટે ત્યાં જ આસન જમાવી દીધું હતું અને સિંહને નિદ્રામાં કોઇ વિક્ષેપ ન પડે તેવું કર્યું હતું. જોકે, થોડીવારમાં સિંહને ત્યાંથી તગેડી દેવામાં આવ્યો હતો અને બાદમાં બાપુ પણ પોતાના માર્ગે આગળ વધી ગયા હતા. બાપુ અને સિંહની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જોકે, હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે મોરારિબાપુ અને વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ગેરકાયેદસર સિંહ દર્શન કર્યાની અરજી દાખલ કરવામાં આવી છે.
માહિતી અનુસાર પોરબંદરના વકીલ ભનુ આડોદરાએ ગુજરાત હાઇકોર્ટ અને તકેદારી વિભાગમાં અરજી કરી છે, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છેકે, કથાકાર મોરારિબાપુએ જૂનાગઢના ગીર અભ્યારણમાં ગેરકાયેદસર સિંહ દર્શન કર્યા છે. બાપુને ગેરકાયેદસર સિંહ દર્શન કરાવનાર વન વિભાગના અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. નોંધનીય છે કે, સિંહને નિહાળ્યો હોવાનો ઉલ્લેખ બાપુએ પોતાની ચાલી રહેલી રામકથા દરમિયાન પણ કર્યો હતો અને કહ્યું હતું કે મારી ઇચ્છા સાવજની નજીક જવાની હતી, પરંતુ મને કોઇએ જવા દીધો નહીં. જો મને જવાની તક મળી હોત તો હું સિંહ પર હાથ ફેરવત.
જો કાલ સુધીમાં જવાબ નહીં આવે તો અમદાવાદ જઇશઃ ભનુ ઓડેદરા
ગેરકાયદેસર સિંહ દર્શનને લઇને કરેલી અરજી અંગે વકીલ ભનુ ઓડેદરાએ divyabhaskar.comને જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં મોરારિ બાપુએ સિંહ દર્શન કર્યું છે એ પ્રતિબંધિત વિસ્તાર છે, 19 ઓક્ટોબર સુધી ત્યાં જવાની, ઉતરવાની મનાઇ છે, છતાં પણ સિંહ દર્શન કરાવવામાં આવ્યું છે, જે નિયમોનો ભંગ છે. જો કાલ સુધીમાં મને કોઇ જવાબ નહીં મળે તો હું અમદાવાદ જઇશ.

No comments: