Tuesday, October 31, 2017

પુણ્યને બાંધવાનો ને પ્રકૃતિના ‘આધ્યાત્મિક’ ખોળે ખેલવાનો અવસર એટલે લીલી પરિક્રમા

divyabhaskar.com | Last Modified - Oct 27, 2017, 03:28 PM IST
એક કહેવાતી લોકવાયકા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણએ અને ભાઇ બલદેવજીએ સૌ પ્રથમ ગિરનારની લીલી પરિક્રમા કરી હતી
+9 બીજી સ્લાઈડ્સ જુઓ
જૂનાગઢ: ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ તા. 31 ઓકટોબરથી થશે અને 4 નવેમ્બરનાં પૂર્ણ થશે. લીલી પરિક્રમાની તૈયારીઓને વન વિભાગ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વન વિભાગ દ્વારા ખાસ કરીને રૂટની મરામત કરવામાં આવી હતી. 36 કિમીનાં રૂટ પરનાં તમામ રસ્તાની કામગીરી પૂર્ણ થઇ છે. રસ્તા પર યાત્રીકોને ઉપયોગી બને તે માટે સાઇનબોર્ડ મુકવામાં આવ્યાં છે. કૈલાશ, ગોવર્ધન અને નર્મદાની પરિક્રમાની સાથોસાથ આદીઅનાદી કાળથી ગિરનારની પરિક્રમાનું એક આગવુ મહત્વ રહ્યું છે. કારતક સુદ અગિયારસના દિવસે ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થાય છે. સ્કંદપુરાણમાં પણ પરિક્રમાનો ઉલ્લેખ અને વર્ણન છે.
ગિરનાર એટલે વિશાળતા અને ઊંચાઇ સાથોસાથ સાહસિક પ્રવૃતિઓનું મુખ્યમથક. જ્યાં શિયાળામાં ટ્રેકિંગની મોસમ ખીલે તો શિવરાત્રીના મેળામાં જૂનાગઢનો આખો માહોલ ભક્તિની સોડમથી મહેકી ઊઠે. 36 કિમીની આ યાત્રા વાસ્તવમાં એક આધ્યાત્મની સાથે આસ્થાની પદયાત્રા છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. જેમાં અનેક સ્થળોએ સીધાં અને વિકટ ચઢાણો તો ક્યાંક લપસણાં ઉતરાણો પણ આવે છે. રૂપાયતનથી શરૂ કરી ભાવિકો ઝીણાબાવાની મઢી, સૂરજકુંડ, સરકડિયા હનુમાન, માળવેલા, નળપાણીની ઘોડી, બોરદેવીથી ભવનાથ તળેટીથી પરત ફરે છે. જોકે, ઘણા યાત્રાળુઓ ઝીણાબાવાની મઢીથી સીધા માળવેલાની ઘોડી ચઢી જાય છે. તેઓને પરિક્રમામાં ૨૪ કિ.મી.નું જ અંતર કાપવાનું રહે છે.
બહારગામથી આવતા અને પ્રકૃતિનાં ખોળે નિજાનંદ માણવા આવતા ભાવિકો ત્રણથી ચાર દિવસ જંગલમાં રોકાય છે. તેઓ ત્યાં જ ભોજન બનાવે છે અને વનભોજનનો આસ્વાદ પણ માણે છે. આધુનિક યુગમાં જોકે, ભક્તિની સાથે સાહસ, રોમાંચ અને તનાવભર્યા વાતાવરણમાંથી મુક્તિનો અહેસાસ કરવા પણ ઘણા લોકો ગિરનારની પરિક્રમામાં આવે છે. હવે તો પરિક્રમાના પડાવોમાં ક્યાંક દિવસભર તો ક્યાંક રાત્રે સંતવાણી વહેતી રહે છે. પરિક્રમાના માર્ગ પર ઝીણાબાવાની મઢી, માળવેલા અને બોરદેવી એમ ત્રણ સૌથી મોટા પડાવો છે. ભાવિકો તેની આસપાસનાં જંગલોમાં રાતવાસો કરે છે. જેમાં ઝીણાબાવાની મઢી સુધી વાહનો જાય છે. આ સ્થળે મહાદેવનું મંદિર, ઝીણાબાવાનો ધૂણો અને સમાધિ આવેલાં છે.
આગળી સ્લાઇડ્સમાં વાંચો, શિખર પર દેવી દેવતાઓના સ્થાપત્યો

No comments: