Wednesday, February 28, 2018

ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી ત્રીજી વખત રચાશે, 110 વર્ષે પગથિયાંનો થશે જીર્ણોદ્ધાર

Bhaskar News, Junagadh | Last Modified - Feb 14, 2018, 01:40 AM IST
એક સદી પહેલાં દોઢ લાખમાંજ તમામ સ્થળો એકબીજા સાથે જોડાઇ ગયા 'તા
ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી ત્રીજી વખત રચાશે, 110 વર્ષે પગથિયાંનો થશે જીર્ણોદ્ધાર
ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી ત્રીજી વખત રચાશે, 110 વર્ષે પગથિયાંનો થશે જીર્ણોદ્ધાર
જૂનાગઢ: આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એક વખત ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી. જેના ઉપક્રમે હવે ગિરનાર ક્ષેત્રને લગતા તમામ પ્રોજેક્ટો હાથ ધરાશે, નવા કામોનો નિર્ણયથી માંડીને અમલવારી તેને હસ્તકજ રહેશે. જોકે, આ સત્તામંડળ ત્રીજી વખત રચાશે એ યાદ રહે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ભવનાથ મહાદેવ મંદિરનાં પટાંગણમાં ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવાની જાહેરાત કરી. સાથોસાથ તેમાં સંતોનો સમાવેશ કરવા પણ ખાત્રી આપી. જોકે, એ વાત યાદ કરવી જરૂરી છે કે, અગાઉ બે વખત ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત થઇ ચૂકી છે.
એક વખત તો રચના પણ થઇ ગઇ હતી. પ્રથમ વખત શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી હતા એ વખતે ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટી રચવાની જાહેરાત કરી હતી. જોકે, તેની રચના થાય એ પહેલાંજ તેમની સરકાર ગઇ હતી. ત્યારબાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગિરનાર ડેવલપમેન્ટ ઓથોરિટીની જાહેરાત અને બાદમાં રચના કરતું જાહેરનામું સુદ્ધાં પ્રસિદ્ધ કરી દીધું હતું. પરંતુ કોઇ કારણોસર તે કાર્યાન્વિત થઇ શકી નહોતી. ત્યારબાદ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ત્રીજી વખત તેની રચનાની જાહેરાત કરી છે.
એ રીતે ગિરનાર ચઢવા માટેનાં પગથિયાંનો પણ જીર્ણોદ્ધાર કરવાની જાહેરાત કરી છે. આ માટેનો ખર્ચ રાજ્ય સરકારનાં બજેટમાં સામેલ કરાશે એમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. જોકે, અગાઉ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હસ્તક તેના જીર્ણોદ્ધારની જાહેરાત થયા બાદ તેના માટે રૂ. 75 લાખ પણ ફાળવાયા હતા. જે હજુ વપરાયા વિનાના પડ્યા છે. આ પહેલાં છેલ્લા 1 હજાર વર્ષ દરમ્યાન જુદા જુદા સમય ગિરનારનાં જુદા જુદા સ્થળોએ પગથિયાં બનેલા.
એ વખતે તે પાજ તરીકે ઓળખાતા. જોકે, તમામ મુખ્ય ધાર્મિક સ્થળોને આવરી લેતા પગથિયાં બાંધવાનો નિર્ણય નવાબ બહાદુરખાનજી ત્રીજાના સમયમાં લેવાયો. આ ગિરનાર લોટરી ફંડ નામથી કાયમી ફંડ એકઠું કરવાનો નિર્ણય તા. 7 ઓગષ્ટ 1889 માં લેવાયો હતો. તેનો પ્રથમ ડ્રો તા. 15 મે 1892 નાં રોજ ફરાસખાનામાં યોજાયો હતો. એ વખતે આ લોટરીની રૂ. 1 ની કિંમતની 1,28,663 ટિકીટો વેચાઇ હતી.
ડ્રોમાં રૂ. 10 હજારનું પ્રથમ ઇનામ મુંબઇનાં પરેલનાં રહેવાસી સવિતાબેન ડાહ્યાભાઇ ખાંડવાળાને ફાળે ગયું હતું. ત્યારબાદ લોટરીના 4 ભાગ કરાયા હતા. અને કુલ 2,74,393 ટિકીટો વેચાઇ હતી. તેમાંથી રૂ. 1,02,895નાં ઇનામો અપાયા હતા. તેની ઉપજમાંથી રૂ. દોઢ લાખનાં ખર્ચે પગથિયાં બંધાયા હતા. જેનું કામ ઇ.સ. 1908 માં પુરૂં થયું હતું. પગથિયાંની શરૂઆતે આ અંગેનો શિલાલેખ પણ છે.

No comments: